Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ગાર્ડી સ્કુલના શિક્ષક ધવલ ત્રિવેદીને આજીવન કેદની સજા

આ નરાધમ શિક્ષકે બે બાળાઓને મોહજાળમાં ફસાવી ભગાડી ગયો'તો : સ્કુલની હોસ્ટેલમાં રેકટર તરીકે ફરજ બજાવતોઃ પંજાબના એક ગામમાં વાઈસ પ્રિન્સીપાલની નોકરી પણ કરવા લાગ્યો હતો : ૩૦ હજારનો દંડ ફટકારતી પોકસો અદાલત

રાજકોટ, તા. ૨૪ : રાજકોટના મહે. જોઈન્ટ ડીસ્ટ્રીકટ જજ શ્રી એમ. એમ. બાબીએ ગાર્ડી સ્કુલના શિક્ષક અને તેજ સ્કુલની હોસ્ટેલના રેકટર તરીકે ફરજ બજાવતા ધવલ હરીશચંદ્ર ત્રિવેદીને આજીવન કેદની સજા તેમજ રૂ.૩૦૦૦૦નો દંડ ફરમાવેલ છે અને તે ઉપરાંત ભોગ બનનાર બંને બાળાઓના અપહરણ અને વાલીપણામાંથી ભગાડી જવા બદલ ઈ.પી.કો.ની કલમ - ૩૬૩ હેઠળ પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.૭૦૦૦નો દંડ તેમજ ઈ.પી.કો.ની કલમ - ૩૬૬ હેઠળ સાત વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.૧૦૦૦૦નો દંડ પણ ફરમાવેલ છે.

 

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે પડધરીની ગાર્ડી સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ધવલકુમાર હરીશચંદ્ર ત્રિવેદી તે જ સ્કુલની હોસ્ટેલમાં રેકટર તરીકે પણ ફરજ બજાવતા હતા. આ દરમિયાન તેઓ બંને ભોગ બનનાર બાળાઓને વારેવારે પોતાની પાસે બોલાવી ખાસ શિક્ષણ આપવાના બહાના હેઠળ પોતાની મોહજાળમાં ફસાવતા હતા. આ રીતે થોડો સમય ચાલતા બંને નાબાલીક બાળાઓ આ આરોપી ધવલકુમારના મોહજાળમાં સંપૂર્ણપણે ફસાઈ ગયેલ હતી અને તા.૨૫-૭-૨૦૧૨ના રોજ સવારના ચારેક વાગ્યે આ બંને બાળાઓને પોતાના રૂમમાંથી પાસે બોલાવી અને હોસ્ટેલ છોડી ભાગી ગયેલ હતા. આ રીતે ભાગીને આરોપી ધવલકુમારે આ બંને બાળાઓ સાથે એક મંદિરમાં લગ્ન કરેલ હતા ત્યારબાદ આરોપી આ બંને બાળાઓને લઈને ભારતના વિવિધ સ્થળોએ ભાગતો ફરતો હતો અને બંને બાળાઓને પોતાની પત્નિ તરીકે દર્શાવી અલગ અલગ જગ્યાએ મકાનો ભાડે રાખી ત્યાં રહેતો હતો. આ અંગેનો ગુન્હો તા.૨૯-૭-૨૦૧૨ના રોજ પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હતો. પરંતુ આરોપી ધવલકુમાર અને બંને બાળાઓનો મહિનાઓ સુધી કોઈ જ અતોપતો લાગતો ન હતો. તેથી પડધરી પોલીસ સ્ટેશને આ ગુનાની તપાસ રાજકોટ શહેરમાં નાયબ પોલીસ અધિક્ષક સી.આઈ.ડી. ક્રાઈમને સોપી આપેલ હતી. આ રીતે તપાસ સાંભળ્યા બાદ સી.આઈ.ડી. ક્રાઈમે પણ મહિનાઓ સુધી તપાસ કરેલ પરંતુ આરોપી અને બંને બાળાઓનેો કોઈ અતોપતો લાગતો ન હતો. આ રીતે એક વર્ષ ઉપરાંતનો સમય પસાર થઈ જવા છતા બંને બાળાઓ વિશે કોઈ માહિતી ન મળતા નામ. ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન કરવામાં આવેલ હતી. જેમાં નામ ગુજરાત હાઈકોર્ટે સીઆઈડી ક્રાઈમને આદેશ કરી આ બંને બાળાઓ અને આરોપી ધવલકુમારને હાઈકોર્ટમાં હાજર કરવા માટે આદેશ ફરમાવેલ હતો. નામ - ગુજરાત હાઈકોર્ટનો આ રીતનો આદેશ થતા સીઆઈડી ક્રાઈમે ગુપ્તચર એજન્સીની મદદ માગી આરોપી ધવલકુમારની ભાળ મેળવવા પ્રયાસ કરેલ હતો.

ત્યારબાદ આ આરોપી ધવલકુમારને પંજાબ રાજયના બુધલાડા ગામે હોવાની માહિતી મળેલ હતી. જે માહિતી સીઆઈડી ક્રાઈમને આપવામાં આવતા સીઆઈડી ક્રાઈમના નાયબ પોલીસ અધિક્ષક ડી. એમ. વાઘેલા પોતાની પોલીસ ટુકડી સાથે બુધલાડા ગામે પહોંચેલ હતા. જયાં આરોપી ધવલકુમાર એક સ્કુલમાં વાઈસ પ્રિન્સીપલ તરીકે ટી. ડી. કે. ચંદ્રા નામ ધારણ કરી નોકરી કરતો હતો. આ જગ્યાએ પોલીસ ટુકડીએ પહોંચીને ધવલકુમારને દબોચી લીધા બાદ બંને બાળાઓ અંગે પૂછપરછ કરેલ ત્યારે આરોપી ધવલકુમારે પોતાના ભાડાવાળા ઘરે લઈ જઈ બંને બાળાઓનો કબજો પોલીસને સોંપેલ હતો. આ રીતનો કબજો મળ્યા બાદ આરોપી ધવલકુમારને ટ્રાન્ઝીટ વોરંટ સાથે ગુજરાતમાં લઈ આવવામાં આવેલ હતો અને બંને બાળાઓ સાથે નામ. ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતા. નામ. ગુજરાત હાઈકોર્ટે બંને બાળાઓને નારીગૃહમાં રાખવાનો આદેશ કરેલ હતો. આ સમયે આરોપી ધવલકુમારની રીમાન્ડ મંગાતા રીમાન્ડ પર તેઓ આ બંને બાળાઓને લઈને ભારતના કેટલા  કેટલા  રાજયોમાં ફરેલ હતો અને બંને બાળાઓ સાથે શું શું કરેલ હતુ તેની વિગતો મેળવવામાં આવેલ હતી. જેમાં આરોપી ધવલકુમારે બંનેમાંથી એક બાળાનું મતદારકાર્ડ પણ છળકપટથી બનાવેલ હતુ તેવી વિગતો જાણવા મળેલ હતી. તપાસ દરમિયાન આરોપી આ બંને બાળાઓ સાથે જે જગ્યાએ રહેતો હતો ત્યાં રેડ કરતા આ જગ્યાએથી બિભત્સ અને અસ્લીલ સાહિત્યવાળી પુસ્તિકાઓ પણ મળેલ હતી.

પ્રોસીકયુશનનો પુરાવો પુરો થયા બાદ આરોપી ધવલકુમારે પોતે સોગંદ ઉપર જુબાની આપવાની ઈચ્છા દર્શાવતા તેઓની પણ જુબાની રેકર્ડ કરવામાં આવેલ હતી. જે જુબાની ઉપર શ્રી સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઈ કે. વોરાએ આરોપીની ઉલટ તપાસ કરતા તેવી હકીકતો જાહેર થયેલ કે આરોપી ધવલકુમાર પરણિત હતા તેમજ એક પુત્રીના પિતા હતા અને તેમના પત્નિ પણ બીજી વખતના પત્નિ હતા જેમની સાથે કોઈ છૂટાછેડા થયેલ ન હતા. પરંતુ તેમ છતા તેઓ ઘણા વર્ષોથી અલગ રહેતા હતા અને આરોપી ધવલકુમારને પોતાના પત્નિન તેમજ પુત્રી અને માતા-પિતા કે ભાઈ બહેનો સાથે કોઈ પ્રકારના સંબંધો ન હતા. બનાવટી મતદાર કાર્ડ તેમજ ટી.ડી. કે. ચંદ્રા નામની ખોટી ઓળખવાળુ કાર્ડ બુધલાડાની સ્કુલમાં વાઈસ પ્રિન્સીપાલ તરીકે મેળવવામાં આવેલ હતુ તે અંગે પણ વિસ્તૃત ઉલટ તપાસ થતા આરોપી ધવલકુમાર તદન અજાણ્યા પ્રદેશોમાં પણ કેવા પ્રકારની કુનેહથી આવા ખોટા દસ્તાવેજો બનાવતો તે હકીકત રેકર્ડ ઉપર આવેલ હતી.

આ કેસની સમગ્ર ટાઈલ દરમિયાન આરોપી ધવલકુમાર સતત બચાવ કરતા હતા કે તેઓએ ફકત બાળ વિવાહના કાયદાનો ભંગ કરેલ છે અને તે સિવાય કોઈ જ ગુના તેઓએ આચરેલ નથી. આ કેસની આખરી સુનાવણી વખતે શ્રી સરકાર તરફે રજૂ આત કરવામાં આવેલ હતી કે સમગ્ર કે કેસ ચાલતા દરમિયાન આરોપીએ બંને બાળાઓને લઈને સમગ્ર ભારતમાં ફરેલ હોવાનું તેમજ બંને બાળાઓ સાથે અસંખ્ય વખત શરીર સંબંધ બાંધેલ હોવાનું આરોપી કબુલ કરે છે ત્યારે પોકસો એકટની કલમો હેઠળના ગુના આરોપીની ખુદની જુબાનીથી સાબિત થાય છે જે રજૂઆત માન્ય રાખી નામ. પોકસો કોર્ટે આરોપી ધવલકુમારને ઈ.પી.કોની કલમ - ૩૬૩, ૩૬૬, ૩૭૬ તેમજ પોકસોની કલમ - ૪ અને ૬ના ગુન્હાઓ સબબ તકસીરવાન ઠરાવેલ છે. આ ગુન્હાઓ અંગે કાયદાના પ્રબંધ મુજબ કેટલી સજા થવી જોઈએ તે અંગે આરોપી તથા સરકાર બંને પક્ષને સાંભળવવામાં આવે છે. આ સંદર્ભે શ્રી સરકાર તરફે રજૂઆત કરવામાં આવેલ કે આરોપીએ આ બંને નાબાલિક બાળાઓ વિરૂદ્ધ ગુનાઓ આચર્યા બાદ સમગ્ર ટાઈલ દરમિયાન આરોપીએ પશ્ચાતાપની કોઈ લાગણી દર્શાવેલ નથી તેમજ પોતાના પત્નિ અને પુત્રીથી અલગ રહે છે. આ ઉપરાંત આરોપી ધવલકુમારને પોતાના માતા-પિતા કે ભાઈ - બહેન સાથે સંબંધ નથી તેમજ તેઓનું કોઈ મિત્રવર્તુળ પણ નથી તેથી ચાર વર્ષ સુધી ચાલેલ આ કેસમાં તેઓને કોઈ મળવા આવેલ નથી કે કોઈને તેમને સાથ - સહકાર આપેલ નથી.

આવા સંજોગોમાં જયારે આરોપીને પોતે આચરેલ ગુના સંબંધે કોઈ પશ્ચાતાપ ન હોય તેમજ પોતાની દિકરી જેવડી ઉંમરની બંને બાળાઓ સાથે આ પ્રકારના ધૃણાસ્પદ સંબંધો રાખેલ હોય અને કોઈ કૌટુંબિક કે સામાજીક જવાબદારી તેઓના શીરે ન હોય ત્યારે આરોપીને તમામ ગુનાઓ માટે કાયદામાં જણાવેલ પ્રબંધ મુજબ વધુમાં વધુ સજા ફરમાવવી જોઈએ. શ્રી સરકાર તરફેની આ રજૂઆત માન્ય રાખી રાજકોટના મહે. જોઈન્ટ ડીસ્ટ્રીકટ જજ શ્રી એમ. એમ. બાબીએ ગાર્ડી સ્કુલના શિક્ષક અને તેજ સ્કુલની હોસ્ટેલના રેકટર તરીકે ફરજ બજાવતા ધવલ હરીશચંદ્ર ત્રિવેદીને ભોગ બનનાર બંને બાળાઓના અપહરણ અને વાલીપણામાંથી ભગાડી જવા બદલ ઈપીકોની કલમ - ૩૬૩ હેઠળ પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. ૭૦૦૦નો દંડ તેમજ ઈપીકોની કલમ ૩૬૬ હેઠળ સાત વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. ૧૦૦૦૦નો દંડ અને પોકસોની કલમ ૬ હેઠળ આજીવન કેદની સજા તેમજ રૂ.૩૦૦૦૦નો દંડ ફરમાવેલ છે. નામ કોર્ટે માનવીય અભિગમ દર્શાવી દંડની રકમ બંને ભોગ બનનાર બાળાઓને વળતર સ્વરૂપે સરખે હિસ્સે ચૂકવી આપવાનો પણ હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયેલ હતા.(૩૭.૧૬)

(4:21 pm IST)