Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

હમારી માંગે પૂરી કરો... રેલ્વેના કર્મચારીઓના ઉપવાસ આંદોલન

ટીસી/ એસીસીના કર્મચારીઓની જગ્યા માટેની પરીક્ષાની તારીખ જાહેર કરો, કોરોનાના દર્દીઓને રેલ્વે હોસ્પિટલમાં સારવાર મળતી નથીઃ કુલ છ માંગણીઓ સાથે ડીઆરએમ ઓફિસ ખાતે ઉપવાસ આંદોલનઃ હિરેન મહેતા

રાજકોટ : શ્રી હિરેન મહેતા (ડીવીઝનલ સેક્રેટરી, વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ, રાજકોટ)ની યાદી જણાવે છે કે રેલ કર્મચારીઓના વિવિધ સમસ્યાના નિરાકરણ માટે રેલ્વે પ્રબંધક શ્રી પરમેશ્વર ફૂંકવાલેજીને અવાર નવાર પત્રો દ્વારા વાતચીત થયેલ પણ રેલ્વે તંત્ર તરફથી કોઈ હકારાત્મક પરિણામ મળતા નથી અને કર્મચારીઓની નારાજગીના કારણે ગાંધી ચિંધ્યા માર્ગે ડી.આર.એમ. ઓફીસ ખાતે ઉપવાસ આંદોલન રાખવામાં આવેલ.

વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘની મુખ્ય માંગણીઓ આ મુજબ છે. (૧) ટ્રાફીક ડીપાર્ટમેન્ટમાં ટીસી / એસીસી કર્મચારીની જગ્યા માટેની પરીક્ષા નક્કી થયેલ. પણ કોઈ ને કોઈ કારણસર પરીક્ષા રદ્દ કરી અને નવી તારીખો નક્કી થતી નથી અને આ રીતે કર્મચારીઓને અન્યાય થાય છે. (૨) ઈલેકટ્રીક ડીપાર્ટમેન્ટમાં ફીટર ગ્રેડ ૧-૨ અને ૩ની જગ્યાઓ ઘણા લાંબા સમયથી ખાલી પડેલ છે જેના માટે અવાર નવાર પત્ર દ્વારા આ જગ્યાઓ ભરવા માટે જાણ કરેલ છે પણ કોઈ નિર્ણય લેવાતો નથી અને કર્મચારીઓ પોતાના મળવા પાત્ર પ્રમોશન મળતા નથી જેનાથી આર્થિક નુકશાન ભોગવી રહ્યા છે.  (૩) રાજકોટ ડીવીઝનના સ્ટેશનો પર નોકરી કરતા કર્મચારીઓ પોતાની ઈચ્છા મુજબની જગ્યાઓ માટે બદલી કરાવવા માટે પોતાના નામ પ્રાયોરીટીમાં લખવામાં આવે છે પણ તેનો અમલ થતો નથી.

(૪) રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડ જે રેલ કર્મચારી તથા પરીવારના સભ્યો માટે છે પણ જયારે ગ્રાઉન્ડની રેલ સિવાયના વપરાશમાં આવેલ હોવાથી રેલ કર્મચારીઓને લાભ મળતો નથી. આ બાબત અધિકારીઓને જણાવેલ પણ કોઈ જાતનો નિર્ણય લેવાતો નથી.

(૫) રેલ કર્મચારીઓ પોતાની બીજા સ્ટેશન માટે કે અન્ય ડીવીઝન કે રેલ્વે માટે અરજીઓ કરે છે પણ કોઈ પણની અરજીમાં આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવતી નથી. જેના કારણે કર્મચારીઓમાં નિરાશા છવાય છે.

હાલના પ્રવર્તી રહેલ કોવિડ ૧૯ના જે રેલ્વેના દર્દીઓ આવે છે તેને રેલ્વે હોસ્પિટલમાં યોગ્ય ટ્રીટમેન્ટ આપવામાં આવતી નથી અને સિવિલમાં મોકલે તો ત્યાં પણ યોગ્ય થતુ નથી. જેને કારણે દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં જવુ પડે છે જેની સારવાર માટેની રકમ પણ મળતી નથી.

આવા પ્રશ્નોનો યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી અને આવા કારણોને લઈને વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ, રાજકોટ તરફથી આજથી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવેલ છે. ઉપવાસ આંદોલનમાં રાજકોટ ડીવીઝનના શ્રી હિરેન મહેતા, અવનીબેન, અમીત ભાર્ગવ, હિમાંશુ જાદવ, આર.એચ. જાડેજા, આર. મલેક તથા અન્ય કર્મચારીઓ સહિત આશરે ૨૦૦-૫૦૦ કર્મચારીઓ ઉપસ્થિત રહેલ, હરદેવસિંહ જાડેજા, સુરેન્દ્રકુમાર યાદવ, અલોકકુમાર, ઘુડાભાઈ બી, અભિષેક કુમાર, અભિષેક રંજન, મહેન્દ્રસિંહ જાડેજા, વિષ્ણુ ગઢવી, કેતન ભટ્ટી, રણવીરસિંહ રાણા, દક્ષાબેન રાવલ, પુષ્પા ડોડીયા, જતીન દોશી, ધર્મીષ્ઠા, મુકેશ મહેતા જોડાયા હતા.

(4:14 pm IST)