Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

શરમ...: વિદ્યાર્થીઓને શિક્ષણ-જ્ઞાન આપતા અધ્યાપકો અંગ્રેજી તો ઠીક હિન્દી પણ શુધ્ધ ન બોલી શકયા!

દર મહિને બે લાખનો પગાર કટકટાવતા અધ્યાપકો શિક્ષણને બદલે રાજકરણમાં ગળાડુબ

રાજકોટ, તા., ૨૪: ભવ્ય શૈક્ષણીક સિધ્ધીનો વારસો ધરાવતી અને અગાઉ એ ગ્રેડથી પ્રકાશીત થતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાખો વિદ્યાર્થીઓને ગઇકાલે યુજીસીની નેક કમીટીએ એ ગ્રેડને બદલે બી ગ્રેડ ફાળવતા રીતસર ધ્રાસકો પડયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નાક વાઢવા પાછળ કુલપતિ-કુલનાયક વચ્ચે સંકલનનો અભાવ અને અધ્યાપકોની નિષ્ક્રીયતા અને અણઆવડત હોવાનું ચિત્ર ઉપસ્યું છે.  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગુણવતા સાવ તળીયે પહોંચી છે. નેક કમીટીના મુલ્યાંકનમાં અનેક ચોંકાવનારી બાબતો પ્રકાશમાં આવી છે. નેક કમીટીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્વચ્છ અને રોગરોગાનથી આંજવાની પેરવી હતી. પરંતુ યુનિવર્સિટીની તજજ્ઞ કમીટીએ નિષ્ફળ કરી છે.

નેક કમીટીની રૂબરૂ મુલાકાત અને બેઠકમાં અનેક અધ્યાપકો અંગ્રેની બોલી શકતા ન હતા તો કેટલાક અધ્યાપકો શુધ્ધ હિન્દી પણ ન બોલી શકતા સૌ ચોંકી ગયા હોવાનું ચર્ચાય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ર૦૧૪ થી ર૦૧૯ દરમીયાન નેક કમીટી મુલ્યાંકન કરવા આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લાખો-કરોડોની યુજીસી છુટા હાથની ગ્રાંટ ફાળવવા છતા સંશોધન કે નવુ પ્લેટફોર્મ ઉભુ કરવામાં સદંતર નિષ્ફળતા મળી છે.

દરમહીને બે લાખથી વધુ પગાર કટકટાવતા અધ્યાપકોની શિક્ષણ પ્રવૃતી ઓછી અને સ્વવિકાસ કાર્ય અને રાજકારણમાં ગળાડુબ રહેતા વિદ્યાર્થીઓને અન્યાયકર્તા સાબીત થઇ રહયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિયમીત શિક્ષણ કાર્ય પણ ન થતુ હોવાની ફરીયાદો હવે ઉઠવા પામી છે.

(3:58 pm IST)