Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

મીડીયાને કોર્પોરેશન ગણતરીમાં જવા તો ન દીધા...પરંતુ પાણીની પણ વ્યવસ્થા નહોતીઃ કલેકટર તંત્રની રાજકોટમાં ભારે ટીકા

અરે બે આર.ઓ. એ પોતાના સ્ટાફના એ.આર.ઓ.ના ફોર્મ બંધ કરાવી દેતા સ્ટાફ રૂબરૂ દોડાવવો પડયો : એડી. કલેકટર કહે છે અમે પત્રકારો માટે તમામ વ્યવસ્થા કરવા માહિતી ખાતાને કીધુ હતુઃ માહિતી ખાતુ કહે છે અમને આવી કોઈ સૂચના નહોતી...

રાજકોટ, તા. ૨૪ :. રાજકોટમાં ગઈકાલે ૬ સ્થળે કોર્પોરેશન ચૂંટણીની મત ગણત્રી હતી પરંતુ ગણત્રી હોલની અંદર કે સ્થળની અંદર આ વખતે તમામ આર.ઓ. એ ચૂંટણી પંચની સૂચના છે તેમ જણાવી એક પણ મીડીયાને તેના પત્રકારો-ફોટોગ્રાફરને મત ગણતરીમાં જવા નહિ દેતા ભારે દેકારો બોલી ગયો હતો. ગઈકાલે એડી. કલેકટર ઉપર સંખ્યાબંધ પત્રકારોએ ફરીયાદોના ફોન કર્યા હતા... પરંતુ પંચની સૂચના હોય કોઈને એન્ટ્રી અપાઈ ન હતી, અરે એક ગણત્રી સ્થળે રાજકોટ માહિતી ખાતાના બે સિનીયર અધિકારી પણ જઈ શકયા ન હતા, દરેક સ્થળે પોલીસનું પણ ભારે કડકાઈ ભર્યુ વલણ રહ્યુ હતું.

આ તો થઈ મિડીયાની પરેશાનીની વાત... પરંતુ આના કરતા તો વધુ ટીકા પાત્ર કલેકટર તંત્ર બની ગયુ છે. બન્યુ એવુ કે એક પણ ગણત્રી સ્થળે મીડીયા માટે કોઈ વ્યવસ્થા જ નહોતી. અરે તંત્ર પાણીમાંથી પણ ગયાની ભારે ટીકા છે, ગઈકાલે ૩૬-૩૭ ડીગ્રીમાં દરેક ગણત્રી સ્થળે પત્રકારો ધૂમ ધખતા તાપમાં શેકાયા હતા. કોઈએ ભાવ પણ પૂછયો ન હતો. કલેકટર તંત્રની આ બાબતે ભારે ટીકા થઈ રહી છે.

દરમિયાન આ બાબતે એડી. કલેકટરે આજે પત્રકારોને જણાવેલ કે અમે માહિતી ખાતાને પત્રકારો માટે ચા, પાણી, નાસ્તો, ભોજન, કોમ્પ્યુટર્સ-નેટ સર્વિસની વ્યવસ્થા કરવા સૂચના આપી જ હતી. સામે માહિતી ખાતુ કહે છે કે અમને આવી કોઈ સૂચના કલેકટર તંત્રમાંથી મળી નથી. કલેકટર તંત્ર તો ઠીક પરંતુ દરેક આર.ઓ.એ પણ કોઈ વ્યવસ્થા નો કરી, એમનો સ્ટાફ પત્રકારોને ભૂલી ગયો એ પણ હકીકત છે. કલેકટરશ્રીએ આ બાબતે જવાબદારોનો ખૂલાસો પૂછવો જોઈએ તેમ ચર્ચાય રહ્યુ છે.

(3:52 pm IST)