Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ચાંદની લિંબાસીયાએ દરવાજો ન ખોલતાં પાઇપ પકડી બંને મહિલા કર્મી અગાસીએ પહોંચ્યા'તા

હિમત-સાહસ દાખવી ગુનો ડિટેકટ કરનારા મહિલા કોન્સ. ગાયત્રીબા અને નેહલબેનનું સન્માન કરાયું

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જેસીપી ખુરશીદ અહેમદે પ્રશંસાપત્ર આપ્યા

રાજકોટઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચુંટણીના મતદાનની આગલી રાતે સોશિયલ મિડીયામાં એક મહિલા ફાયરીંગ કરતી હોય તેવો વિડીયો વાયરલ થતાં ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ કરતાં આ મહિલા પેડક રોડ નારાયણનગર-૧માં રહેતી કોંગી કાર્યકર ચાંદનીબેન પિયુષ લીંબાસીયા હોવાનું ખુલતાં પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ બી. જે. જાડેજા, હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. ચેતનસિંહ ગોહિલ અને બે મહિલા કોન્સ્ટેબલ ગાયત્રીબા ગોહિલ તથા નેહલબેન મકવાણા તેણીના ઘરે પહોંચ્યા હતાં. વીસેક મિનીટ સુધી દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં અંતે બંને મહિલા કોન્સ્ટેબલ હિમત સાહસ દાખવી બાજુના મકાનનો પાઇપ પકડી તેની અગાસીએ ગયા હતાં ત્યાંથી ચાંદનીબેનના ઘરમાં પહોંચી દરવાજો ખોલાવ્યો હતો. એ પછી પોલીસે જડતી લેતાં ઘરમાંથી અડધા લાખનો વિદેશી દારૂ મળ્યો હતો. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે.ગઢવીએ આ કામગીરી બદલ સમગ્ર ટીમને બીરદાવી હતી અને રૂ. ૧૫ હજારનો રોકડ પુરષ્કાર આપ્યો હતો. આજે બે મહિલા કોન્સ્ટેબલ ગાયત્રીબા તખુભા ગોહિલ અને નેહલબેન ગોવિંદભાઇ મકવાણાનું પ્રશંસાપત્ર એનાયત કરી પોલીસ કમિશનર અને જોઇન્ટ પોલીસ કમિશનરે સન્માન કર્યુ હતું અને બંનેની કામગીરી બિરદાવી હતી.

(3:46 pm IST)