Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

કોંગ્રેસના નાનામાં નાના કાર્યકરથી માંડી આગેવાનોએ એક બનવું જરૂરી...

... પણ સાવ આમ ન હોય, વિરોધપક્ષ તો મજબૂત હોવો જ જોઈએ

ગાયત્રીબા વાઘેલા, વિજય વાંક, મનસુખ કાલરીયા, અતુલ રાજાણી જેવા નેતાઓએ તો પોત પોતાના વોર્ડમાં ભાજપ સામે જોશભેર લડત આપી વિકાસના કાર્યો કરેલા જ છે આમ છતાં તેઓના પરાજય થાય તેનું સાચુ કારણ શું?: પ્રજાજનોમાં ભારે ચર્ચાઃ શંકા- કૂશંકાની ભરમાર...

રાજકોટ,તા.૨૪: રાજકોટ મહાનગરપાલીકાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા. ૭૨માંથી ૬૮ બેઠકો કબ્જે કરી અને માત્ર સમખાવા પુરતી વોર્ડ નં.૧૫ની પેનલે કોંગ્રેસને જીત અપાવી. કોંગ્રેસના દિગ્ગજ નેતાઅ કે જેઓએ ગત ટર્મમાં ભાજપ સામે સામાપાણીએ ચાલી પોતપોતના વોર્ડમાં વિકાસ કાર્યો કરેલા છે, આમ છતાં આવા દિગ્ગજ નેતાઓનો પણ પરાજય થયો છે.

પ્રદેશ મહિલા પ્રમુખ અને લડાયક નેતા શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા કે જેઓ ગત ટર્મમાં આખી પેનલ જંગી બહુમતીથી ચૂંટાઈ આવેલ. પાંચ વર્ષ દરમ્યાન તેઓએ પોતાના વોર્ડમાં અને પ્રદેશ કક્ષાએ પણ બખૂબી જવાબદારી નિભાવી હતી. ભાજપ સત્તા ઉપર હોવા છતાં પોતાના વોર્ડમાં અનેક વિકાસના કાર્યો કર્યા હતા. આ વખતે તેની પણ આખી પેનલનો પરાજય થયો હતો.

તેવી જ રીતે સમગ્ર મવડી વિસ્તારમાં કે જયાં પણ વિજય ટાંક ગત ટર્મમાં ચૂંટાઈ આવ્યા હતા. લોકડાઉનમાં પણ તેમણે અને તેની ટીમે સેવાઓ કરી હતી. ઉપરાંત પોતાના વોર્ડમાં પણ વિકાસના કાર્યો કરી બતાવ્યા હતા. તેમની પણ પેનલનો પરાજય થયો છે.

આ ઉપરાંત વોર્ડ નં.૧૦માં મનસુખભાઈ કાલરીયાએ પણ પોતાના વોર્ડમાં વિસ્તારવાસીઓના કોઈપણ પ્રશ્નો હોય સુલજાવ્યા હતા અને સારી એવી કામગીરી કરી હતી. તેઓનો પણ પરાજય થતાં તેઓ નિરાશ થયા હતા. તેવી જ રીતે ૧૦૮ તરીકે જાણીતા અતુલ રાજાણી કે જેઓ ગત ટર્મમાં વોર્ડ નં.૩માંથી ચૂંટાતા  હતા. આ વખતે તેઓએ વોર્ડ નં.૨ માંથી ઝંપાલાવ્યું હતું. તેઓનો પણ પરાજય થયો છે.

જયારે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. વિરોધપક્ષ તરીકે તેઓએ પણ લડત આપી હતી. તેઓને પણ હારનો સામનો કરવો પડયો હતો.

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ તો પોતપોતાના મત વિસ્તારમાં સરાહનીય કામગીરી કરી હતી, આમ છતાં પણ તેઓનો પરાજય થાય તે કંઈક અજુગતુ લાગી રહ્યું છે. આ બાબતે પ્રજાજનોમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે. ઈવીએમમાં ચેડા થયાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

(2:58 pm IST)