Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

કોર્ટએ ભલે જામીન આપ્યા, પણ તને તો મારી જ નાંખવો છે...મનહરપુરમાં હત્યા કેસમાં છૂટેલા આનંદ પર હુમલો

સ્કોર્પિયોથી રિક્ષાને આંતરી પ્રવિણ બોહકીયા, તેની પત્નિ, પુત્ર, પુત્રી સહિત ૮ જણા તૂટી પડ્યાઃ ૪ સકંજામાં

રાજકોટ તા. ૨૪: એક વર્ષ પહેલા માધાપરના મનહરપુર-૧માં થયેલા મર્ડરના ગુનામાં સાડા દસ મહિના જેલમાં રહી જામીન પર છુટેલા આ ગામના યુવાનની રિક્ષાને સ્કોર્પિયોથી આંતરી ગામના જ કોળી શખ્સ, તેની પત્નિ, પુત્ર, પુત્રી સહિતનાએ બેફામ માર મારી 'કોર્ટએ તને ભલે જામીન આપ્યા, પણ ગામમાં રહેવા દેવો નથી, મારી જ નાંખવો છે' કહી બેફામ માર મારતા, ધમકી આપતાં પોલીસે આઠ જણા સામે ગુનો નોંધ્યો છે.

યુનિવર્સિટી પોલીસે આ બનાવમાં માધાપર દ્વારકાધીશ પેટ્રોલપંપ સામે મનહરપુર-૧ મચ્છોમાના મંદિર પાસે રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં આનંદ ખેંગારભાઇ જરૂ (આહિર) (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી પ્રવિણ રણછોડભાઇ બોહકીયા, પ્રભાબેન પ્રવિણ, પ્રિયા પ્રવિણ, રાણો પ્રવિણ, કિશોર ચનાભાઇ કોળી, નવઘણ શૈલેષભાઇ કોળી, વરૂણ અમરશીભાઇ કોળી અને વિજય દિનેશભાઇ કોળી સામે આઇપીસી ૧૪૩, ૧૪૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૩૫ (૧) મુજબ રાયોટીંગનો ગુનો નોંધ્યો છે.

આનંદના જણાવ્યા મુજબ હું જીજે૦૩એએકસ-૨૧૯૯ નંબરની રિક્ષા હંકારી ગુજરાન ચલાવુ છું. અગાઉ ડિસેમ્બર-૨૦૧૯માં મનહરપુર-૧માં રહેતાં ભૂપતભાઇ સોમાભાઇ જાખલીયાનું મર્ડર થયું હતું. જે મર્ડરમાં મારા સહિત કુલ ૧૦ આરોપીઓ હતાં. અમને બધાને પોલીસે પકડ્યા હતાં. હું સાડા દસ મહિના જેલમાં રહ્યો હતો. નવેમ્બર-૨૦૨૦માં જામીન પર છુટ્યો છું.

મંગળવારે હું મારી રિક્ષા હંકારી ઘરે જમવા જતો હતો ત્યારે મનહરપુર-૧ પટેલ પાનવાળી શેરીમાં પહોંચતા સામેથી કાળા રંગની સ્કોર્પિયો આવી હતી અને મારી રિક્ષા સામે ઉભી રાખી દીધી હતી. આ ગાડીમાં પ્રવિણ બોહકીયા, તેની પત્નિ પ્રભાબેન, દિકરી પ્રિયા ઉતર્યા હતાં અને 'ભૂપત સોમાભાઇના મર્ડરમાં ભલે તને કોર્ટએ જામીન આપ્યા પણ ગામમાં રહેવા દેવો નથી, તને મારી જ નાંખવો છે' તેમ કહી ગાળો બોલવા માંડ્યા હતાં અને મને ઢીકાપાટુ મારવા માંડ્યા હતાં.

એ દરમિયાન પ્રવિણે તેના દિકરા રાણાને ફોન કરી બોલાવતાં રાણો એકટીવામાં લોખંડનો પાઇપ લઇને આવ્યો હતો અને મને હાથમાં ઘા ફટકાર્યો હતો. કિશોર ચના, નવઘણ, વરૂણ, વિજય પણ આવી ગયા હતાં અને આ તમામે ગાળો દઇ 'આજે તો તને જાનથી મારી નાંખવો છે' કહી આડેધડ માર મારવા માંડ્યા હતાં. એ વખતે મારા મોટા ભાઇ અશ્વિનભાઇને કોઇએ જાણ કરતાં તેઓ આવી જતાં આ બધા મને છોડીને ભાગી ગયા હતાં. મુંઢ ઇજાઓ થઇ હોઇ હું ઘરે ગયો હતો. એ પછી પત્નિ, ભાઇ, સાળાને લઇ પોલીસ સ્ટેશને આવ્યો હતો.યુનિવર્સિટીના પીએસઆઇ એ. બી. જાડેજાએ ગુનો નોંધી ચાર આરોપીઓ પ્રવિણ, કિશોર, નવઘણ અને વિજયને સકંજામાં લઇ અન્યોને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

(11:53 am IST)