Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

સંબંધનો મહિમા દર્શાવતી ફિલ્મ એટલે 'ગોળકેરી'

સમગ્ર ફિલ્મનું શૂટીંગ અમદાવાદમાં થયું: ૨૮મીએ થશે ફિલ્મ રિલીઝઃ મીકાસિંહ પ્રથમ વખત ગુજરાતી ગીત કમ્પોઝ કર્યુ : લોકોને ગમે તેવી ફિલ્મો કરૂ છું, જવાબદારી પણ વધી, ગુજરાતીઓ માટે એન્ટરટેઈનમેન્ટ જરૂરીઃ મલ્હાર ઠકકર : ત્રણ કલાકારોની આ પ્રથમ ફિલ્મ, આ એક પારિવારીક ફિલ્મ છેઃ માનસી

રાજકોટ,તા.૨૪: વધુ એક ગુજરાતી ફિલ્મ રીલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નામ છે ''ગોળકેરી'' આ ફિલ્મમાં સંબંધોનો મહિમા દર્શાવાયો છે.

ફિલ્મમાં મુખ્યપાત્ર ભજવતા મલ્હાર ઠાકર અને માનસી પારેખ 'અકિલા'ની મુલાકાતે આવેલ. તેઓએ જણાવેલ કે હવે લોકોને ગમે તેવી જ ફિલ્મો કરૂ છું. જવાબદારી પણ વધી છે. આ એક પારિવારીક ફિલ્મ છે અને આગામી ૨૮મી ફેબ્રુઆરીએ આ ફિલ્મ રિલીઝ થવાની છે.

ફિલ્મ 'ગોળકેરી' ફિલ્મની ઘોષણા બાદ ગુજરાતી સિનેઉદ્યોગ રોમાંચિત અને વિસ્મિત છે. આ ફિલ્મમાં સાહિલની ભૂમિકાંમાં મલ્હાર ઠાકર અને હર્ષિતા તરીકે માનસી પારેખ વચ્ચે રચાતો પ્રેમસંબંધ એક નાજુક વળાંક પર તૂટી જાય છે. ત્યારે સાહિલના માતા- પિતાની ભૂમિકામાં વંદના પાઠક અને સચિન ખેડેકર તેમની અંતરંગ જિંદગીમાં પ્રવેશ કરે છે. આ ગુજરાતી ફિલ્મ તાજેતરના સમયને નિરૂપે છે. આજના જનરેશનની મુશ્કેલીઓ, તેમના વિચાર અને વલણને સુપેરે પ્રસ્તુત કરે છે. ફિલ્મનું સંગીત પણ આજના જમાનાને અનુરૂપ બનાવવામાં આવ્યું છે. દિગ્દર્શક વિરલ શાહ ફ્રેશ દ્રષ્ટિકોણ સાથે વાર્તાને નિરૂપે છે. તેઓ કહે છે, 'આ મૂવી પ્રેક્ષકોને ફિલ- ગૂડ અનુભવ કરાવશે. હું ભાગ્યશાળી છું કે મને આવા તેજસ્વી કલાકારો સાથે કામ કરવાની તક મળી' રસપ્રદ વાતએ છે કે તેમાંથી ત્રણ કલાકાર પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં ડેબ્યૂ કરી રહ્યા છે.

આ ફિલ્મ શીખવાડે છે કે સંબંધ ગોળકેરી જેવા ખટમીઠો હોય છે, જે સમય સાથે વધારે સ્વાદિષ્ટ થતો જાય. આ ફિલ્મમાં એક વિશેષ ગીતનો સમાવેશ કરાયો છે. જેમાં મિકા સિંહ ગુજરાતીમાં પહેલીવાર ગીત કંપોઝ કર્યું છે. '.સોણી ગુજરાતની' ગીતમાં મિકાની સાથે પાર્થિવ ગોહિલે પોતાનો કંઠ આપ્યો છે. જેને દર્શકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દર્શકો ફિલ્મના ટ્રેલરને પણ ખુબ પસંદ કરી રહ્યા છે.

માનસી અને પાર્થિવ ગોહિલે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. મને ખૂબ જ આનંદ છે કે સંબંધનો મહિમા દર્શાવતી આ ફિલ્મ પ્રસ્તુત થઈ રહી છે. પાર્થિવ ગોહિલ, જે પોતાની પહેલી ગુજરાતી મૂવી પ્રોડયુસ કરી રહ્યા છે તે તેના અનુભવો વિષે જણાવે છે, 'હું હંમેશાંથી એક મ્યુઝિશિયન અને મ્યુઝિક પ્રોડયુસર તરીકે મારા લાઈવ શો કરવા સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલું છું, નિર્માતા તરીકે આ મારી પહેલી ફિલ્મ છે. હું ગુજરાતી ભાષાની ખૂબ નજીક છું. ફિલ્મો એક એવું માધ્યમ છે જેના દ્વારા તમે અઢળક લોકો સુધી તમારી કળા અને વાતને પહોંચાડી શકો છો.'

પોતાની પ્રથમ ફિલ્મમાં અભિનયના ઓજસ પાથરનાર માનસી પારેખ કહ્યું કે 'એક અભિનેતા અને નિર્માતા તરીકેની બેવડી જવાબદારી ખૂબ જ મોટી છે. નિર્માતા તરીકે શરૂઆતથી અંત સુધીની પ્રક્રિયાએ મને ભીતરથી સમૃદ્ધ કરી છે.' અભિનેતા મલ્હાર ઠકકરની આ વર્ષ ૨૦૨૦માં રજુ થતી પ્રથમ ફિલ્મ બનશે. ત્યારે દર્શકો મલ્હારને આ ફિલ્મમાં જોવા માટે ખુબ ઉત્સુક છે.

સચિન ખેડેકર મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં જાણીતા અભિનેતા છે અને બહુ ઓછા લોકો આ વસ્તુ જાણે છે કે અભિનેત્રી વંદના પાઠક પણ મહારાષ્ટ્રિયન છે. ઝેન મ્યુઝિક- ગુજરાતીની સંગીત પ્રસ્તુતિમાં, અમાત્ય- વિરલ શાહ લિખિત 'ગોળકેરી' ફિલ્મ ૨૮ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:14 pm IST)