Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

સિઝન્સ સ્કવેર ફાઉન્ડેશન દ્વારા યોજીત સ્પીકર ઓફ સૌરાષ્ટ્ર કચ્છ સ્પર્ધાના ગ્રાન્ડ ફિનાલેમાં ૬ વિજેતા જાહેર

રાજકોટ : મનુભાઇ વોરા ફાઉન્ડેશન સિઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ અને ફુલછાબ દૈનિક દ્વારા યોજવામાં આવેલ સ્પીકર ઓફ સૌરાષ્ટ્ર સ્પર્ધાનો ગ્રાન્ડ ફીનાલે યોજાય જતા ત્રણ કેટેગરીમાં કુલ ૬ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કુલ ૪૫ સ્પર્ધકો અલગ અલગ કેટેગરીમાં ફાઇનલ સુધી પહોંચ્યા હતા. તેમાંથી નિષ્ણાંત નિર્ણાયકોની પેનલે ૬ વિજેતા જાહેર કરતા બાળકોની કેટેગરીમાં પ્રથમ ક્રમે રોનક છનીયારા, બીજા ક્રમે એંજલ અમીપરા, યુવા કેટેગરીમાં પ્રથમ હિમાદ્રી મહેતા, દ્વીતીય નૂપુર બદીયાણી તેમજ સીનીયર કેટેગરીમાં પ્રથમ મીનાબેન જોષી અને દ્વીતીય કેટેગરીમાં મનીષ પંડયા વિજેતા જાહેર થયા હતા. સમગ્ર સ્પર્ધામાં કુલ ૧૪૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. નિર્ણાયક તરીકે ચિત્રલેખાના જવલંત છાયા, પ્રો. કલાધર આર્ય, મોટીવેશનલ સ્પીકર ભરત દુદકીયા, વૈશાલી પારેખે સેવા આપી હતી. સિઝન્સ સ્કવેર ટ્રસ્ટના અલકાબેન વોરા, અજય જોષી, કૌશિક મહેતા, ઉર્વેશ પટેલ, નિલેશ રાઠોડ, ભવજીત બક્ષી, તારેશ બૂચ, કલ્પેશ ઉપાધ્યાય, કોમલ મહેતા, ભકિત બૂચ, બિમલ ત્રિવેદી, વિશ્વા ત્રિવેદી, રાજુ અગ્રવાલ, શૈલેષ પંડયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આંખના સ્પેશ્યાલીસ્ટ ડો. જતીન પટેલ, ફીજીશ્યન ડો. ભૂમિ દવે, બ્રહ્મસમાજના પ્રમુખ તેજસ ત્રિવેદી, એલઆઇસીના રીટાયર્ડ ઓફીસર ઉર્મિલાબેન જુંગી, ઉદ્યોગપતિ મહેશભાઇ કારેથા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:57 pm IST)