Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

શાળાઓને પુસ્તકોના વેચાણની છૂટથી હજારો વેપારીઓની રોજગારી છીનવાશે

ગુજરાત સરકારે શાળાઓને પુસ્તક વેચવાની છૂટ આપતા વેપારીઓમાં આક્રોશ : ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ નફો રળતી શાળાઓમાં IT-GSTનો ભંગ : કરોડોના સ્ટોકનું શું ? : સૌરાષ્ટ્ર બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ એસો.ની રજૂઆત

રાજકોટ : અકિલા કાર્યાલય ખાતે રજૂઆત વેળાએ અતુલભાઇ દક્ષિણી - પ્રતિકભાઇ નેમીનાથ એન્ટરપ્રાઇઝ, ધવલભાઇ બુવારીયા, આશિષ વાડોલીયા, પાર્થભાઇ રાયમગા, લલીતભાઇ કક્કડ, નારણભાઇ, દિનેશભાઇ, જીજ્ઞેશભાઇ, ભાવેશભાઇ, કમલેશભાઇ, ચીરાગભાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૪ : ગુજરાત સરકારે શાળાઓને પુસ્તકો વેચાણની છૂટ આપતા આજે સૌરાષ્ટ્ર બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ એસોસીએશનને રાજકોટ, અમરેલી, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, મોરબીમાં શાળાઓને પુસ્તક વેચાણની આદેશ મંજુરી રદ કરવા માંગ કરી છે.

રાજકોટ બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ એસોસીએશનને રજૂઆત કરી છે કે, ગુજરાત સરકાર ક્રમાંક : બમશ/૧૧૨૦/૧૪૨-છ, તા. ૧૨-૨-૨૦૨૦ મુજબ દરેક શાળાઓ સરકારી પુસ્તકો ખરીદી અને વિદ્યાર્થીઓને વેચી શકશે. વર્ષોથી વેપાર કરતા વેપારીઓને સંપૂર્ણ અન્યાયકર્તા છે. શાળાઓ પોતે જ પુસ્તકો ખરીદીને વિદ્યાર્થીઓને વેચશે તો આ વ્યવસાય સાથે પેઢીઓથી જોડાયેલા સમગ્ર રાજ્યના ૫૦ હજાર જેટલા વેપારીઓની રોજી-રોટી છીનવાઇ જશે, બેરોજગારી વધશે. પ્રવર્તમાન મંદીના સમયમાં આ તદ્દન અયોગ્ય નિર્ણય છે.

રજૂઆતમાં વધુ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગના નવા પરીપત્ર મુજબ 'શાળાઓ પોતે પુસ્તકો ખરીદી શકશે અને વેચાણ કરશે.' આ જોગવાઇ સંપૂર્ણપણે કાયદા વિરોધી છે. શાળાઓ ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ બિન નફાકારક પ્રવૃત્તિ કરવા રચાયેલી અને નોંધાયેલી છે. જો શાળાઓ આ પ્રવૃત્તિ કરવા લાગે તો આવકવેરા - જીએસટીની અનેક જોગવાઇઓનો ભંગ થાય. વળી, શાળાઓ પોતાનું ભણાવવાનું મુખ્ય કામને બદલે વ્યવસાયીક નફાકારક પ્રવૃત્તિ કરવા લાગશે.

બધી જ શાળાઓને મહાનગરપાલિકાએ વેરામાં રાહત આપી, રાજ્ય સરકાર સ્કૂલમાંથી પુસ્તકો વેચવાની છુટ આપી જે બધી રીતે સ્કૂલોને કમાવાની તક આપી તે અયોગ્ય છે. તગડી ફી વસુલ કરતી શાળાઓ વાલીઓને પણ ખંખેરી નાખે છે છતાં સરકાર શાળાઓ તરફ કુણી લાગણીઓ રાખી બધી રીતે શાળાઓને જ આર્થિક લાભ કરાવતી હોય તેવું લાગે છે.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના ૫૦ હજાર નાના - નાના વેપારી સીઝનમાં થોડું કમાઇ અને કુટુંબની આખા વરસની રોજી-રોટી માંડ - માંડ મેળવતા હોય તેની સરકારે દરકાર કર્યા વગર શાળાઓને પુસ્તકો મેળવવાની છુટ આપી તે નાના - નાના ધંધાર્થીઓ બેકાર થઇ જાય તેવો ન સ્વીકારી શકાય તેવો નિર્ણય લીધો છે. એક તરફ કેન્દ્ર સરકાર નાના વેપારીઓની ખૂબ જ ચિંતા છે તો બીજી તરફ ગુજરાત સરકાર નાના વેપારીઓને બેકારી તરફ લઇ જવાના નિર્ણયો લે છે અને ખૂબ જ માલદાર સ્કૂલોને વધારાની આવક રળવા માટે પુસ્તકો વેચવા આપે તે કયાનો ન્યાય છે ?

અમુક સ્કૂલો પુસ્તકોના વેચાણની આડમાં સ્ટેશનરી - ડ્રેસ વગેરે બધી જ વસ્તુઓ આડકતરી રીતે ફરજીયાત સ્કૂલમાંથી લેવાનું કહેશે. તો સરકાર શું કરશે તેવો સવાલ ઉભો થશે. નાના વેપારીઓની રોજગારીને ધ્યાનમાં રાખી સરકાર નિર્ણય લ્યે તેવી દરખાસ્ત સાથે અપીલ છે. સમગ્ર એસોસીએશનની અને વેપારીઓની લાગણી અને માંગણી છે કે આ બાબતે સરકાર તાત્કાલિક યોગ્ય નિર્ણય લ્યે તેવી માંગ કરી છે.

(3:54 pm IST)