Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

શહેરના માર્ગો પર ફરી પછાડાશે પાર્કિંગનો ધોકો

ઓન સ્ટ્રીટ, ઓફ સ્ટ્રીટની પાર્કિંગ પોલીસી અંગે માત્ર ૬ થી ૭ શહેરીજનો દ્વારા સૂચનોઃ હવે સ્ટેન્ડીંગ કમિટિ અને જનરલ બોર્ડમાં મુકાશે દરખાસ્તઃ સરકારની મંજુરી બાદ અમલ

રાજકોટ, તા. ૨૪ :. શહેરી વિસ્તારોમાં વધતી જતી ટ્રાફીક સમસ્યા હળવી કરવા નવી ડ્રાફટ પાર્કિંગ પોલીસી બનાવવામાં આવી છે. જેના વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેમાં માત્ર ૬ થી ૭ શહેરીજનોએ સૂચનો કર્યા છે. મોટાભાગના સૂચનો પાર્કિંગ ચાર્જ ન વસુલવાના આવ્યા છે તેમ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરમાં વધતી જતી ટ્રાફીક સમસ્યા હળવી કરવા નવી ડ્રાફટ પાર્કિંગ પોલીસી બનાવવામાં આવી છે. જેમા ઓન સ્ટ્રીટ અને ઓફ સ્ટ્રીટ એવા નામથી પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવશે. આ પોલીસી માટે તંત્ર દ્વારા શહેરીજનો પાસેથી સૂચનો - વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેમાં માત્ર ૬ થી ૭ શહેરીજનોએ વાંધાસૂચનો મોકલ્યા છે. જેમાં મોટા ભાગના સૂચનો પાર્કિંગ ચાર્જ ન વસુલવાના આવ્યા છે.

હવે આ નવી પાર્કિંગ પોલીસી અંગેની દરખાસ્ત સ્ટેન્ડીંગમાં મુકાશે. ત્યાર બાદ જનરલ બોર્ડમાં રજૂ થશે. આ બન્ને પ્રક્રિયા બાદ મંજુરી અર્થે રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે. તેની મંજુરી બાદ આ નવી ડ્રાફટ પોલીસી અમલમાં આવશે તેમ મ્યુ. કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, મ્યુ. કોર્પોરેશન દ્વારા ત્રિકોણ બાગ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ સહિતના ૧૮ રાજમાર્ગો ઉપર પે એન્ડ પાર્કિંગનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.

(3:26 pm IST)