Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

તમને ના પાડી તો'ય કેમ ઓટલે બેસી દેકારા કરો છો?...કહી વિજય, તેના કાકા રાજેશભાઇ અને છાત્ર ચિરાગ પર હુમલો

મોબાઇલમાં ગેમ રમતાં વિજય અને સાથે બેઠેલા ધો-૧૦ના છાત્ર ચિરાગને શૈલેષે માથામાં કડા ફટકાર્યાઃ કાકા બચાવવા માટે આવતાં તેની પણ ધોલધપાટઃ ખોખડદળ નદીના પુલ પાસે જડેશ્વર વેલનાથ સોસાયટીમાં બનાવ

તસ્વીરમાં શૈલેષ કાળોતરાના હુમલામાં ઘાયલ ચિરાગ, વિજય અને રાજેશભાઇ કોળી સારવાર હેઠળ જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૪: ખોખડદળ નદીના પુલ પાસે જડેશ્વર વેલનાથ સોસાયટીમાં મોબાઇલમાં ગેમ રમી રહેલા કોળી યુવાન અને તેની સાથે બેઠેલા ધોરણ-૧૦ના વિદ્યાર્થી પર વેલનાથપરાના રબારી શખ્સે 'અહિ રોજ શું કામ બેસો છો અને અવાજ કરો છો?' કહી ગાળો દઇ હાથમાં પહેરવાના કડાથી માર મારી ખૂનની ધમકી આપતાં ફરિયાદ થઇ છે. કોળી યુવાનને બચાવવા વચ્ચે પડેલા તેના કાકાને પણ માર મારવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ જડેશ્વર વેલનાથ સોસાયટીમાં રહેતો અને સેન્ટીંગ કામની મજૂરી કરતો વિજય ભરતભાઇ સુરેલા (કોળી) (ઉ.૨૧) તથા તેના સગામાં થતો અને ધોરણ-૧૦માં ભણતો ચિરાગ ઘેલાભાઇ દાદરેચા (કોળી) (ઉ.૧૭) બંને રાતે સાડા દસેક વાગ્યે ઘર નજીક મામા સાહેબના ખીજડાવાળા મંદિર પાછળના ઓટલે બેઠા હતાં. વિજય આ વખતે મોબાઇલમાં ગેમ રમતો હતો અને ચિરાગ પાસે બેઠો બેઠો જોતો હતો ત્યારે શૈલેષ જગાભાઇ કાળોતરાએ આવી 'તમને ના પાડી તો'ય કેમ અહિ રોજ બેસીને અવાજ કરો છો?' તેમ કહી ગાળો દેતાં તેને ગાળો બોલવાની ના પાડતાં તેણે હાથમાં પહેરેલા કડાથી બંનેને માર મારતાં લોહી નીકળ્યા હતાં. દેકારો સાંભળઇી વિજયના કાકા રાજેશભાઇ નરભેરામભાઇ સુરેલા (ઉ.૪૦) બચાવવા આવતાં તેને પણ માર મારવામાં આવતાં ત્રણેયને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.

હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ જાણ કરતાં આજીડેમના એએસઆઇ નરેન્દ્રભાઇ ચાવડાએ વિજયની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(1:32 pm IST)