Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

પારેવડી ચોકમાં સણોસરાના બે મિત્રો ભાવેશ અને વિજયને બે શખ્સોએ છરીના ઘા ઝીંકયા

બંને કેટરર્સના કર્મચારીઃ અગાઉના પોલીસ કેસ મામલે વિજય સાથે ભગવતીપરાના જીજ્ઞેશ ઉર્ફ મનોજને મનદુઃખ ચાલતું હોઇ અજાણ્યા શખ્સ સાથે મળી હુમલો કર્યો

રાજકોટ તા. ૨૪: પારેવડી ચોકમાં રાત્રીના બારેક વાગ્યે બે મિત્રો પર જુના પોલીસ કેસના મનદુઃખમાં બે શખ્સોએ છરીથી હુમલો કરી પગ અને હાથમાં ઘા ઝીંકી દેતાં બંને મિત્રોને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ મુળ કુવાડવા રોડ પર સાત હનુમાન પાસે સણોસરામાં રણુજા સોસાયટીમાં રહેતો અને કેટરર્સની રિક્ષા હંકારવાનું કામ કરતો ભાવેશ દિપકભાઇ મકવાણા (વણકર) (ઉ.વ.૨૩) રાતે બારેક વાગ્યે રિક્ષા હંકારી પારેવડી ચોકમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેના મિત્ર મહાત્મા ગાંધી પ્લોટના વિજય હિતેષભાઇ રાઠોડ (વણકર) (ઉ.વ.૨૦) સાથે ભગવતીપરાનો જીજ્ઞેશ ઉર્ફ મનોજ અને અજાણ્યો શખ્સ ઝઘડો કરી મારકુટ કરતાં હોઇ પોતે તેને છોડાવવા માટે જતાં જીજ્ઞેશ અને અજાણ્યાએ વધુ ઉશ્કેરાઇ જઇ ભાવેશ તથા વિજય બંનેને હાથ-પગમાં છરીના ઘા ઝીંકી દીધા હતાં અને ભાગી ગયા હતાં.

બંને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના હેડકોન્સ. રામશીભાઇ વરૂએ જાણ કરતાં બી-ડિવીઝનના એએસઆઇ યુ. બી. પવારે હોસ્પિટલે પહોંચી ભાવેશની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. ભાવેશના કહેવા મુજબ તેનો મિત્ર વિજય અને વિજયનો મિત્ર એક દોઢ વર્ષ પહેલા આઇ પી મિશન સ્કૂલ પાસે હતાં ત્યારે બંને પર હુમલો થયો હતો. તે અંગેનો કેસ વિજયના મિત્રએ કર્યો હોઇ અને તેમાં વિજય સાક્ષી રહ્યો હોઇ તે કારણે જીજ્ઞેશ મનદુઃખ રાખી ફરતો હતો. ગત રાતે વિજય પારેવડી ચોકમાં એકલો મળી જતાં તેને આંતર્યો હતો અને ડખ્ખો શરૂ કર્યો હતો. પોતે છોડાવવા જતાં બંને ઉપર હુમલો કરી જીજ્ઞેશ અને અજાણ્યો ભાગી ગયા હતાં.

(1:32 pm IST)