Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

સિવિલ હોસ્પિટલમાં અજાણ્યા યુવાનની લાશ મુકી અજાણ્યા શખ્સો છનનન!

વહેલી સવારે ડેડબોડી લાવ્યાઃ ઇમર્જન્સીના સ્ટાફે પુછતાછ કરતાં 'સગાને બોલાવીને આવીએ' તેમ કહીને ગયા તે ગયાઃ પોલીસ સ્ટાફ અને હોસ્પિટલનું તંત્ર ધંધે લાગ્યા

રાજકોટ તા. ૨૩: સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં વહેલી સવારે કેટલાક શખ્સો એક અજાણ્યા આશરે ૧૮ થી ૨૦ વર્ષના યુવાનની લાશ મુકીને છનનન થઇ જતાં હોસ્પિટલ તંત્ર અને પોલીસ સ્ટાફ ધંધે લાગ્યા છે.

જાણવા મળ્યા મુજબ વહેલી સવારે અજાણ્યા યુવાનને બેભાન હાલતમાં ત્રણ ચાર શખ્સો લઇને આવ્યા હતાં. તપાસ થતાં આ યુવાનનું મોત થયાનું જણાતાં ફરજ પરના સ્ટાફે આ યુવાનના નામનો કેસ કઢાવી લાવવા કહેતાં તેને લાવનારા શખ્સો 'સગાને બોલાવી લાવીએ' તેમ કહી બહાર નીકળ્યા હતાં. એ દરમિયાન પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જો કે પોલીસ પહોંચી ત્યાં સુધીમાં આ યુવાનનો મૃતદેહ લાવનારા રવાના થઇ ગયા હતાં. આસપાસમાં તપાસ કરવામાં આવી હતી. પરંતુ કોઇ જોવા મળ્યું નહોતું.

ઇમર્જન્સી વિભાગના સ્ટાફના કહેવા મુજબ બપોર સુધી કોઇ સગા આવી જાય તેવી શકયતા હતી. જો કે કોઇ ન આવતાં પોલીસને જાણ કરાઇ હતી. યુવાનને પહેલા તો મેટોડા જીઆઇડીસીમાંથી અને બાદમાં બામણબોર જીઆઇડીસીમાંથી લાવ્યાનું કહેવાયું હતું.  આ યુવાનનું મોત બિમારીથી થયું કે અન્ય કોઇ રીતે? તે જાણવા અને મૃતક કોણ છે? લાશ મુકીને ભાગી જનારા કોણ? લાશ માટે આ રીતે મુકી દેવાઇ? એ સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે. તસ્વીરમાં દેખાતા મૃતક યુવાનના કોઇ પરિચીત કે વાલીવારસ હોય તો સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે. (૧૪.૧૦)

(3:36 pm IST)