Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

મુખ્યમંત્રીના મત વિસ્તારમાં પી.પી.પી.ના નામે મકાનો પડાવી લેવા ષડયંત્રઃ તંત્ર ધાકધમકી આપે છે

અરવિંદભાઈ મણીયાર સોસાયટીનાં ફલેટધારકોને બિલ્ડર સાથે મળીને મકાનો ખાલી કરવા ધમકાવાય છેઃ કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનિલ રાજ્યગુરૂ-વિપક્ષી નેતા વશરામ સાગઠીયાની આગેવાનીમાં મ્યુ. કમિશ્નરને રજૂઆત

અરવિંદભાઈ મણીયાર કવાર્ટરના ફલેટ ધારકોના મકાન પડાવી લેવા ધાક-ધમકીઓ અપાતી હોવાની રજૂઆત મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીને કરી રહેલા શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનિલ રાજ્યગુરૂ, વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા તથા ફલેટધારકો તસ્વીરમાં દર્શાય ર્છે

 

રાજકોટ, તા. ૨૪ :. મ્યુ. કોર્પોરેશન દ્વારા કાલાવડ રોડ પરના વર્ષો જૂના અરવિંદભાઈ મણીયાર ફલેટની રિ-ડેવલપમેન્ટ સ્કીમ પી.પી.પી. યોજના હેઠળ હાથ ધરી છે. તેમાં બિલ્ડર સાથે મળીને મ્યુ. કોર્પોરેશનના તંત્ર વાહકો કેટલાક ફલેટ ધારકોના મકાનો પડાવી લેવાનું ષડયંત્ર રચી ધાકધમકીઓ આપતા હોવાના આક્ષેપો સાથેની રજૂઆત શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનિલ રાજ્યગુરૂ અને વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ મ્યુ. કમિશ્નરશ્રીને રૂબરૂ કરી હતી.

આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ, મહાનગરપાલિકા વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની સંયુકત યાદીમાં આક્ષેપો કરાયા છે કે શહેરના વોર્ડ નં. ૮મા ૩ાા દાયકા પૂર્વે બનાવેલા અરવિંદભાઈ મણીયાર કવાર્ટરમાં રહેતા ૨૦૮ કવાર્ટરધારકોને શાસકો કાર્યાલયે બોલાવી આ દસ્તાવેજવાળા મકાનો ખાલી કરાવવા ધાકધમકી આપે છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મતક્ષેત્રના રહેવાસીઓને યેનકેન પ્રકારે પીપીપીના નામે ફલેટ અપાવી દેવા અંગે હથેળીમાં ચાંદ બતાવી હાલના ફલેટ ખાલી કરવા દબાણ લાવે છે. જેમા પોલીસ ફરીયાદ કરી લાઈટ કનેકશનો, નળ કનેકશનો કાપી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે અને ટુ બેડ હોલ કીચન આપશુ તેવી ખાત્રી આપવામાં આવે છે પરંતુ અમારી જાણ મુજબ પીપીપીના નામે જે ખાત્રી અપાય છે તેવી ખાત્રી કે વચનનું પાલન થતુ નથી. હાલ આ ૯ હજાર ચો.મી.ની જગ્યામાં પથરાયેલી આવાસના કવાર્ટરો પડાવી ૧૩ માળની હાઈરાઈઝ બિલ્ડીંગો ૧૩ માળની બનાવી ૭૦ ટકા ભાગ પીપીપીના નામે લઈ લેવાયા બાદ બિલ્ડરને ધરી દઈ ફકત ૩૦ ટકા જમીનમાં આવાસો બનશે તેવી ભીતી છે.

જો કે તંત્ર દ્વારા એવો દાવો કરાયો છે કે ૬૫ ટકા રીડેવલોપમેન્ટમાં સંમતિ આપી છે તેવુ કમિશ્નરે કહ્યુ પરંતુ કવાર્ટર ધારકો અને સ્થાનિક રહીશોના જણાવ્યાનુસાર જે કવાર્ટર ધારકો સંમતિ આપેલ છે. તે ૬૫ ટકા હોવાનો દાવો ખોટો છે અને જે સંમતિ આપી છે તેવા લોકો ત્યાં રહેતા નથી, ભાડુઆતો હોય અને ગોડાઉન તરીકે અથવા મકાનો ખાલી હોય તેવા કવાર્ટર ધારકોની સંમતિ હોવાનું સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યુ છે.

તંત્ર દ્વારા જે ૬૫ ટકા સંમતિનો દાવો કરાયો છે તે હળાહળ જુઠાણો અને પોકળ છે. જે નામોનુ લીસ્ટ છે તેવા નામો તંત્ર સાથે નહિ પરંતુ રીડેવલોપમેન્ટના વિરોધમાં છે અને તેવા પરિવારો તંત્રની સામે સોગંદનામા કરી દેવા પણ તૈયાર છે ત્યારે અમુક નામો લીસ્ટમા છે અને તંત્રના દાવા મુજબના નામો ડમી હોવાનો પણ આભાસ થાય છે તેમ અંતમાં વિપક્ષી નેતા સાગઠીયાએ આક્ષેપ કર્યો છે.

(3:42 pm IST)