Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

ચૂંટણી પુર્વે રાજકોટ બાર એસો.ની જનરલ બોર્ડની બેઠક યોજાઇઃ સંજય વ્યાસની ટીમે બે વર્ષમાં અનેક કાર્યક્રમો કર્યા

સેમિનાર-ડીરેકટરી વિમોચન, ફોટા અનાવરણવિધી, ક્રિકેટ ટુર્નામેન્ટ, મહિલા અનામત, હાઇકોર્ટ બેંચ, વકીલો માટેની સુવિધા વધારીઃ બાર એસો.ની બચતમાં વધારો કર્યોઃ જનરલ બોર્ડમાં વિવિધ ઠરાવો પસાર કરી હિસાબોને બહાલી અપાઇ

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ બાર એસોસીએશનમાં કાર્યરત કારોબારી કમીટી દ્વારા તેઓની બે વર્ષથી વધુની કામગીરીને તથા હીસાબોને બહાલી આપવા માટે તા. ર૩-ર-ર૦૧૮ ના રોજ ૪.૩૦ કલાકે જનરલ બોર્ડ મીટીંગ બોલાવવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં વકીલ ભાઇઓ તથા બહેનો હાજર રહેલ હતાં.

ઉપરોકત જનરલ બોર્ડ મીટીંગમાં પ્રમુખ સંજયભાઇ વ્યાસ તરફથી સને ર૦૧૬ થી અત્યાર સુધીની તમામ કાર્યવાહીનો ચીતાર આપવામાં આવેલ જેમાં રાજકોટ બાર એસોસીએશન દ્વારા હેમુ ગઢવી હોલમાં ગુજરાત રાજયના ચીફ જસ્ટીસ સુભાષ રૈડી રાજકોટ જિલ્લાના યુનિટ જસ્ટીસ પરેશભાઇ ઉપાધ્યાય તત્કાલીન રાજકોટ જીલ્લાના ડીસ્ટ્રીકટ જજ એ. એમ. દવે  તથા જીલ્લાના તમામ ન્યાયધીશ રાજકોટ જીલ્લા તથા સમગ્ર ગુજરાતમાંથી સેમીનારમાં ભાગ લેનાર વકીલ મીત્રોની હાજરીમાં જુદા જુદા વિષયોના નિષ્ણાંતોને બોલાવીને લીગલ સેમીનારનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.

રાજકોટના અટલ બિહારી બાજપાઇ હોલમાં બારના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત લીગલ ડીરેકટરીમાં નામ નોંધાવનાર ર૦૦૦ જેટલા વકીલશ્રીઓનું નામ - સરનામુ મોબાઇલ નંબર ઇ-મેઇલ આઇડી વગેરે માહીતી દર્શાવતી સુંદર ડીરેકટરીનું વિમોચન જીલ્લાના યુનિટ જસ્ટીસ પરેશભાઇ ઉપાધ્યાય તથા અન્ય ન્યાયધીશો તથા સીનીયર ધારાશાસ્ત્રીઓના હસ્તે કરવામાં આવેલ અને ડીરેકટરી નિઃશુલ્ક નામ નોંધાવનાર વકીલોને આપવામાં આવેલ તેમજ તે જ કાર્યક્રમમાં ભારત વર્ષમાં સૌ પ્રથમ વખત ૧પ વર્ષ થી વધુ વકીલાતનો વ્યવસાય કરતા ૧૦૦ થી વધુ મહીલા એડવોકેટ બહેનોનું યુનિટ જજ શ્રી દ્વારા તેઓને સુંદર મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ તેમજ એપીપીમાં સીલેકટ થયેલ એડવોકેટનું પણ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ.

રાજકોટ બાર એસોસીએશન દ્વારા ડીસ્ટ્રીકટ કોર્ટ બીલ્ડીંગમાં રાજકોટ બાર એસોસીએશનની સુંદર વેબસાઇટ લોન્ચીંગનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને રાજકોટ બાર એસોસીએશનની ડીરેકટરી સહિતની સુંદર માહિતી તે વેબસાઇટમાં પ્રસિધ્ધ કરવામાં આવેલ તેમજ સદરહું ફંકશનમાં રાજકોટ બારના સીનીયર ધારાશાસ્ત્રી સ્વ. એચ. જે. જૂઠાણીના ફોટાનું અનવેલીંગ ડીસ્ટ્રીકટ જજ બારના પ્રમુખ હોદેદારો તથા સ્વર્ગસ્થના કુટુમ્બીજનો દ્વારા કરવામાં આવેલ. આ અગાઉ બાર એસોસીએશન દ્વારા સીનીયર ધારાશાસ્ત્રી  સ્વ. એ. યુ. અંતાણીના ફોટાનું અનવેલીંગ તેમના એડવોકેટ પુત્ર દિપકભાઇ અંતાણી તથા અન્ય કુટુમ્બીજનો તથા ડીસ્ટ્રીકટ જજ બારના પ્રમુખ - હોેદારો દ્વારા કરવામાં આવેલ.

રાજકોટ બાર એસોસીએશન દ્વારા બારના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ટેનીસ ટુર્નામેન્ટનુ તથા રાજસમઢીયાળા ખાતે સ્વ. રાજકુમાર ક્રિપાલસિંહજીની સ્મૃતિમાં તેમના પુત્ર રૂપરાજસિંહ પરમારના સહીયોગથી રાજસમઢીયાળા મુકામે સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવેલ બન્ને ટુર્નામેન્ટમાં રાજકોટના જજીસોની ટીમોને પણ આમંત્રણ આપી રમાડવામાં આવેલ.

રાજકોટના બારના બંધારણમાં સુધારો કરી બાર એસોસીએશનની ચૂંટણીમાં કારોબારી કમીટીમાં મહીલા અનામતનો ઠરાવ પણ પસાર કરેલ અને તે મુજબ સને ર૦૧૮ ની ચૂંટણીમાં તે અનામત કારોબારી સીટમાં મહીલા એડવોકેટ બહેનોએ ઉમેદવારી નોંધાવેલ છે.

રાજકોટ બાર એસોસીએશનની કમીટી દ્વારા હાઇકોર્ટ બેંચ માટે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ લોકસભા તથા રાજયસભાના સાંસદોને પાર્લામેન્ટમાં રાજકોટને હાઇકોર્ટ બેચ મળે તે માટે પ્રપોઝડ એમેન્ડમેન્ટ બીલ મુકવા રજી. એ. ડી. પત્રો દ્વારા અનુરોધ કરવામાં આવેલ તેમજ રાજકોટના જ માન. વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી બનેલ ત્યારે પણ તેઓને રાજકોટને હાઇકોર્ટ બેંચ ફાળવવા માટે પત્રો લખવામાં આવેલ તેમજ તા. ર૩-ર-ર૦૧૮ ના રોજ મળેલ જનરલ બોર્ડ મીટીંગમાં પણ માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને રાજકોટ મુકામે હાઇકોર્ટ બેન્ચ ફાળવવા તથા બેન્ચ ન મળે ત્યાં સુધી સરકીટ બેન્ચ ફાળવવા અંગે રજુઆત કરતો ઠરાવ પસાર કરવામાં આવેલ છે.

રાજકોટ બાર એસોસીએશનની કમીટી દ્વારા સમગ્ર બે વર્ષમાં વકીલોના પ્રશ્ન અંગે અગ્રેસર રહીને કાર્ય કરવામાં આવેલ છે. રાજકોટની ફાસ્ટ ટ્રેક-કોમર્શીયલ કોર્ટ તથા ફેમીલી કોર્ટ કમ્પાઉન્ડમાં વકીલોને બેસવા માટેની વ્યવસ્થા ન હતી તે અંગે ડીસ્ટ્રીકટ જજ સાહેબને રજૂઆત કરી વકીલોને બેસવા માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ તેમજ તા. ર૩-ર-ર૦૧૮ ના રોજ સદરહુ જગ્યાએ બાર એસોસીએશન સંચાલીત ઝેરોક્ષ મશીન રૂમનું લો કમીશન ઓફ ઇન્ડીયાના મેમ્બર એડવોકેટ અભયભાઇ ભારદ્વાજ તથા સીનીયર ધારાશાસ્ત્રી લલીતભાઇ શાહીના હસ્તે વિમોચન કરવામાં આવેલ જે જગ્યાએથી એડવોકેટશ્રીઓ તથા પક્ષકારોને ઝેરોક્ષની સગવડ મળી રહેશે તેમજ વેલફેર ટીકિટનું વિતરણ પણ તે જગ્યાએથી કરવામાં આવશે તેમજ સીવીલ કોર્ટ કમ્પાઉન્ડમાં પાર્કીંગના પ્રશ્ને ડીસ્ટ્રીકટ જજ સાહેબને રજૂઆત કરતા તે રજૂઆત માન્ય રાખી સીવીલ કોર્ટ બીલ્ડીંગના કમ્પાઉન્ડમાં બ્લોક પાથરી માર્કીંગ કરી પાર્કીંગના પ્રશ્નને હલ કરવાના પ્રયત્નો પણ કરવામાં આવેલ છે.

રાજકોટ બાર એસોસીએશનની કારોબારી કમીટી દ્વારા વકીલો-જજીસો-સ્ટાફ વચ્ચે સમન્વય સાંધીને કોઇને તકલીફ ન થાય તે રીતે અને ન્યાયતંત્રનું ગૌરવ જળવાય તેવી કાર્યવાહી કરવામાં આવેલ છે અને કારોબારી કમીટી દ્વારા સમગ્ર બે વર્ષથી વધુ સમય દરમ્યાન ગુજરાત રાજયના માન. ચીફ જસ્ટીસ સુભાષ રેડી, જીલ્લાના યુનિટ જજ પરેશભાઇ ઉપાધ્યાય સાહેબ તત્કાલીન ડીસ્ટ્રીકટ જજ એ. એમ. દવે, આઇ. સી. શાહ, વર્તમાન ડીસ્ટ્રીકટ જજ આર. કે. દેસાઇ, એ. ડી. આર. સેન્ટરના પુર્ણકાલીન સેક્રેટરી જજ આર. કે. મોઢ તથા કોર્ટ મેનેજર હમીરભાઇ છેતરીયા તથા રાજકોટ બારને  સહકાર આપનાર કોર્ટ સ્ટાફનો પણ પ્રમુખશ્રી દ્વારા જનરલ બોર્ડમાં આભાર વ્યકત કરવામાં આવેલ.

જનરલ બોર્ડમાં હીસાબો બારના સેક્રેટરી મનીષભાઇ ખખ્ખરએ મુકેલ જેમાં સમગ્ર બે વર્ષથી વધુ સમય દરમ્યાન સમગ્ર ફંકશનો કરવા ઉપરાંત બાર એસોસીએશનમાં આઠ લાખ પચીસ હજારથી વધુ રકમની એફ. ડી. તથા બચતનો ઉમેરો કરવામાં આવેલ જે હીસાબો જનરલ બોર્ડમાં સર્વાનુમતે પસાર કરવામાં આવેલ તેમજ આભારવિધી બાર એસોસીએશનના ખજાનચી રાજેન્દ્રસિંહ ગોહીલે કરેલ.

સમગ્ર બે વર્ષથી વધુ સમય સુધી બાર એસોસીએશનના તમામ કાર્યક્રમોને સફળ બનાવવા રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ સંજયભાઇ વ્યાસ, સેક્રેટરી મનીષભાઇ ખખ્ખર, ઉપપ્રમુખ જયેશભાઇ બોઘરા, જોઇન્ટ સેક્રેટરી હરેશ પરસોંડા, ટ્રેઝરર શ્રી રાજભા ગોહીલ, કારોબારી સભ્ય સર્વ શ્રી ડી. બી.  બગડા, સુમીત ડી. વોરા, વિરેન આઇ. વ્યાસ, નયનાબેન ડી. ચૌહાણ, અજય ડી. પીપળીયા, પ્રશાંત પી. લીઠીગ્રા, જીજ્ઞેશ એમ. જોશી, કૌષીક જી. પોપટ ત્થા નરેન્દ્રસિંહ આર. જાડેજા તથા બાર  એસોસીએશનના સુપ્રીટેન્ડન્ટ તુષારભાઇ ચૌહાણ, ઝેરોક્ષ ઓપરેટર સંજયભાઇ પંડીત તથા કલાર્ક મીતેશભાઇ વાજાએ જહેમત ઉઠાવેલ.

રાજકોટને હાઇકોર્ટ અથવા સરકાર બેંચ  ફાળવવા બાર એસો.ની જનરલ બોર્ડમાં ઠરાવ

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ મુકામે ગુજરાત હાઇકોર્ટની બેન્ચ ફાળવવા માટે અગાઉની ચૂંટાયેલી બોડીઓએ પણ ખુબ જ પ્રયાસો કરેલ છે તેમજ સને ર૦૧૬ ની ચૂંટાયેલી હાલની બોડી દ્વારા પણ રાજકોટને હાઇકોર્ટ બેન્ચ ફાળવવા માટે ગુજરાતના તમામ લોકસભાના તથા રાજયસભાના સાંસદશ્રીઓને રજી. એ.ડી. પત્ર દ્વારા પુર્ણ વિગતો સાથે પત્ર લખી સંસદમાં પ્રપોઝડ બીલ મુકાવવા માટે રજૂઆત કરવામાં આવેલ તેમજ તા. ૧પ-૧૦-ર૦૧૭ ના રોજ રાજકોટને જ ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પણ રાજકોટ મુકામે ગુજરાત હાઇકોર્ટની બેન્ચ ફાળવવામાં આવે તે માટે વિગતવાર પત્ર પાઠવવામાં આવેલ હતો.

રાજકોટ બાર એસોસીએશનની જનરલ બોર્ડ ઠરાવે છે કે, રાજકોટમાં ગુજરાત હાઇકોર્ટની બેન્ચ સૌરાષ્ટ્ર રાજયમાં પણ હતી અને તે ૧૯૬૦ સુધી કાર્યરત હતી ત્યારબાદ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની જનતાને ઝડપી અને સસ્તો ન્યાય મળે તે માટે અનેક વખત બેન્ચ મળે તે માટે પ્રયત્નો કરવામાં આવેલ છે.

હાલમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી તરીકે રાજકોટના જ શ્રી વિજયભાઇ રૂપાણી કાર્યરત હોય ત્યારે રાજકોટની તથા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોની તથા પ્રજાની રાજકોટને ગુજરાત હાઇકોર્ટની બેન્ચ ફાળવવામાં આવે તેવી માંગણી અને લાગણી હોય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરવામાં આવે છે કે રાજયપાલ શ્રી તથા ચીફ જસ્ટીસ ઓફ ગુજરાત સાથે પરામર્શ કરી રાજકોટને હાઇકોર્ટ બેન્ચ ફાળવવા માટે તાત્કાલીક પ્રયત્નો કરવામાં આવે તેમજ સંસદમાં પણ પ્રપોઝડ એમેન્ડમેન્ટ બીલ ગુજરાત રાજયના સાંસદશ્રીઓ મુકે અને તેને પસાર કરાવવાના તમામ પ્રયત્નો કરે તેવો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવે છે અને જયાં સુધી હાઇકોર્ટ બેંચ ન મળે ત્યાં સુધી સરકીટ બેંચની ફાળવણી રાજકોટને કરવી તેવુ વધુમાં  ઠરાવવામાં આવે છે.

આ ઠરાવની નકલ તથા તા. ૧પ-૧૦-ર૦૧૭ ના રોજ મોકલેલ પત્રની નકલ મુખ્યમંત્રીશ્રીને મોકલવાનું પણ ઠરાવવામાં આવે છે.

(2:22 pm IST)