Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

બ્રિજનું લોકાર્પણ કર્યુ એ પછી લોકોની કેવી હાલત થઇ રહી છે એ પ્રત્યે સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી રૂપાણી ધ્યાન આપશે ખરા? : સુવિધાને દુવિધામાં કઇ રીતે ફેરવી શકાય?, વાહન ચાલકોની કઇ રીતે પથારી ફેરવી શકાય?...આ વાત રાજકોટના તંત્રવાહકો પાસેથી શીખો : અન્ડર બ્રિજ પાછળ પ્રજાના પૈસાનું કરોડોનું આંધણ કર્યા બાદ બુધ્ધીનું પ્રદર્શન કરતાં તંત્રવાહકો!

રૈયા રોડ બ્રિજમાંથી કિસાનપરા પહોંચો ત્યારે માત્ર બાલભવનમાં જતો 'ગેપ' બંધ કરવાને બદલે આખો 'મુખ્ય માર્ગ' જ પથ્થરોથી બંધ કરાયો

સવારથી સાંજ સુધી ટ્રાફિક જામઃ છેક મેયર બંગલા સુધી યુ-ટર્ન લેવા જવામાં સીટી બસ સહિતના મોટા વાહનો ફસાયા, બસને બે-ત્રણ વખત રિવર્સ લીધા પછી ટર્ન લઇ શકીઃ એ દરમિયાન પાછળ બીજા વાહનોને ફરજીયાત ઉભા રાખવા પડ્યાઃ વાહનચાલકોમાં ભારે રોષઃ નેતાઓને ચૂંટણીમાં જ રસ, પ્રજાજનોની હાલાકી-હાડમારીની કોઇને પડી નથી

રાજકોટઃ રૈયા રોડ આમ્રપાલી ફાટક ખાતે વર્ષોથી વાહન ચાલકો ટ્રેન નીકળવાના સમયે ફાટક બંધ થવાની સતત હાડમારી સહન કરતાં હતાં. વિકાસશીલ ગુજરાત સરકારે કરોડો રૂપિયા ખર્ચીને અહિ અન્ડર બ્રિજ બનાવ્યો અને 'સુવિધા' આપી, પરંતુ આ અન્ડર બ્રિજને શહેરના તંત્રવાહકોએ 'દુવિધાનો સેતુ' બનાવી દીધો છે. લોકોને સુવિધાને દુવિધામાં કઇ રીતે ફેરવી શકાય, વાહનચાલકોની કઇ રીતે પથારી ફેરવી શકાય? તેનો પાઠ જાણે આ તંત્રવાહકો વિનામુલ્યે ભણાવી રહ્યા છે!...અન્ડર બ્રિજનું રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પરમ દિવસે ૨૧મીએ જ વાજતે ગાજતે લોકાર્પણ કર્યુ હતું. આ રોડ પરથી પસાર થતાં લાખો વાહન ચાલકોએ સુવિધા બદલ સરકારનો આભાર માન્યો હતો. પરંતુ બીજા જ દિવસે કરોડોના ખર્ચે લોકોને મળેલી આ સુવિધા અણધડ તંત્રવાહકોને કારણે દુવિધામાં પલ્ટાઇ છે. રૈયા રોડથી જે વાહન ચાલકોને અન્ડર બ્રિજમાં થઇ કિસાનપરા ચોકથી આગળ જીલ્લા પંચાયત-અકિલા સર્કલ તરફ જવાનું છે એ વાહનચાલકો આ રોડ બન્યો ત્યારથી એટલે કે વર્ષોથી સીધા જમણી તરફ કે જ્યાં લાયબ્રેરી છે એ ચોકમાં થઇ આગળ જીલ્લા પંચાયત તરફ વધતા હતાં. અન્ડર બ્રિજ ખુલ્લો મુકાયા પછી આ મુખ્ય માર્ગ જ તંત્ર વાહકોએ ગઇકાલે બેરીકેડથી બંધ કરી દીધો હતો અને રાતોરાત આ માર્ગ પર સફેદ પથ્થરો મુકી દઇ આખો રસ્તો બ્લોક કરી દીધો છે. ટ્રાફિકને જો નડતરરૂપ હોય તો જરૂર હતી માત્ર બાલભવનમાં જવા માટેનો 'ગેપ' બંધ કરવાની. આ ગેપ બંધ કરી ત્યાં એકાદ વોર્ડનન ઉભો રાખી જે વાહનચાલકો રૈયા રોડ તરફથી આવી સીધા બાલભવનના ગેઇટમાં જતાં હોય તેને અટકાવવાની અને ડાબી બાજુ વળી જો બાલભવનમાં જવું હોય તો મેયર બંગલા પાસે યુ-ટર્ન લેવા જવાની સુચના આપવાની હતી.

આથી મુખ્ય માર્ગ અને બાલભવનમાં જવાના વચ્ચેના રસ્તા પર જે થોડો ગેપ-ડિવાઇડર વચ્ચેની જગ્યા હતી એ જ બંધ કરવાની જરૂર હતી. એના બદલે આખે આખો મુખ્ય માર્ગ જ એટલે કે કિસાનપરા થઇ જીલ્લા પંચાયત જવાનો રસ્તો જ બંધ કરી દેવામાં  આવ્યો છે. ગઇકાલે બપોરથી બેરીકેડ મુકી બંધ કરાયેલા આ રસ્તાને હવે જાણે કાયમી ધોરણે બંધ કરવો હોય એ રીતે સફેદ પથ્થરો મુકી દઇ બંધ કરી દેવાયો છે. આ કારણે લોકો ધરાર અથવા તો મુંજવણમાં મુકાઇને રોંગ સાઇડમાં એટલે કે જમણી તરફ કિસાનપરાથી મહિલા કોલેજ તરફ જવાના સર્કલ તરફ જાય છે અને ત્યાંથી ફરી રોંગ સાઇડમાં જીલ્લા પંચાયત તરફના સર્કલ પર વળે છે. તો બીજી તરફ અમુક વાહન ચાલકો મુખ્ય રસ્તો બંધ જોઇ વાહન અચાનક બ્રેક કરે છે અને બાદમાં ડાબી તરફ એટલે કે મેયર બંગલા તરફ વાહન હંકારી ત્યાંથી યુ-ટર્ન લે છે. આવું કરવામાં નાના વાહનોને તો કદાચ મુશ્કેલી નથી પડતી પરંતુ ફોર વ્હીલર, સીટી બસ સહિતના વાહનોને મેયર બંગલા સામેથી યુ-ટર્ન લેવામાં રિતસર પરસેવો વળી જાય છે. કારણ કે આ યુ-ટર્ન પાસે પણ રેસકોર્ષ રીંગ રોડનો ટ્રાફિક સતત ધમધમતો હોઇ ટર્ન લેવામાં ભારે હાલાકી વેઠવી પડે છે. સવારે મોર્નિંગ વોકર્સ માટે આ રસ્તો વન વે હોય છે. આમ છતાં અન્ડર બ્રિજથી જીલ્લા પંચાયત જવાનો રસ્તો બંધ કરી દેવાયો હોઇ વાહન ચાલકોને વન-વેમાં ઘુસી વાહનો હંકારવા પડ્યા છે.

સામાન્ય બુધ્ધીનો ઉપયોગ કરી માત્ર બાલભવનમાં જવાનો ગેપ બંધ કરવાને બદલે આખે આખો મુખ્ય માર્ગ બંધ કરીને વાહનચાલકોની પથારી ફેરવનારા તંત્રવાહકોની આંખ કોણ ઉઘાડશે એ સવાલ છે. ચૂંટણીની ચિંતામાં પડેલા નેતાઓ પ્રજાની આ હાલાકી પ્રત્યે ધ્યાન આપે તો મોટી સેવા ગણાશે.

પોલીસ કમિશનરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી તેમજ બીજા અધિકારીઓ જાતે અહિ ઉભા રહીને સમસ્યા નિહાળે તો જ વાહનચાલકોની હાલાકીનો ખ્યાલ આવી શકે તેમ હોવાનું વાહનચાલકો કહી રહ્યા છે.

તસ્વીરમાં રૈયા રોડ અન્ડર બ્રિજનો કિસાનપરા તરફનો છેડો, ત્યાંથી જમણી તરફ જીલ્લા પંચાયત તરફ જતો મુખ્ય માર્ગ સફેદ પથ્થરો મુકી બંધ કરી દેવાયો તે અને તેના કારણે એ જ તરફ રોંગ સાઇડમાં વાહનો હંકારતા ચાલકો જોઇ શકાય છે. આ ઉપરાંત મેયર બંગલા સામે યુ-ટર્ન લેતી વખતે સીટી બસ ફસાઇ ગઇ હતી તે દ્રશ્ય અને કિસાનપરા સર્કલ પાસે રોંગ સાઇડમાંથી પસાર થઇ રહેલા વાહનો જોઇ શકાય છે.

(3:32 pm IST)
  • કોરોના રસીનો પ્રતાપ કે નવી નેતાગીરીનો ચમત્કાર ? અમેરિકામાં કોરોના કેસમાં ધીમો ઘટાડો આજે પણ ચાલુ રહ્યો : આજેઅમેરિકામાં પોણા બે લાખથી પણ નીચે નવા કોરોના કેસોનો આંક ચાલ્યો ગયો, સતત ત્રીજા દિવસે બે લાખથી નીચે કેસ રહ્યા, છેલ્લા ૨૪ કલાકમાં યુએસએમાં કોરોનાએ ૩,૫૦૦ના જીવ લીધા: ઈંગ્લેન્ડમાં પણ કોરોનાના નવા ૩૩ હજાર કેસ નોંધાયા અને ૧૪૦૦ ના મૃત્યુ: બ્રાઝિલમાં એકધારા ૬૦ હજાર ઉપર રોજ કેસ નોંધાય છે, આજે ૬૧,૦૦૦ કેસ નોંધાયા: ફ્રાન્સમાં ૨૪ હજાર અને રશિયામાં વીસ હજાર નવા કોરોના કેસ નોંધાયા: ઓસ્ટ્રેલિયામાં ૨૪ કલાકમાં માત્ર ત્રણ નવા કેસ થયા છે: જ્યારે ચીનમાં ૮૦ હોંગકોંગમાં ૮૧ અને યુનાઈટેડ આરબ અમિરાત/દુબઈમાં આજે ૩૫૦૦ નવા કેસ નોંધાયા છે: ભારતમાં ૧૫ હજાર આસપાસના નવા કેસ નોંધાયા, જ્યારે ૧૫૫ મૃત્યુ થયા, સાથોસાથ સોળ હજાર કોરોના દર્દીઓ સાજા પણ થયા છે. access_time 3:52 pm IST

  • થાકેલા-હારેલા પાકિસ્તાને રશિયાની કોરોના વેકસીનને મંજૂરી આપી દીધી: પાકિસ્તાને રશિયાની સ્પૂટનીક ફાઈવ વેકસીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. access_time 4:42 pm IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,198 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,54,744 થઇ :એક્ટિવ કેસ 1,82,205 થયા: વધુ 14,675 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,14 ,738 થયા :વધુ 144 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,365 થયા access_time 12:51 am IST