Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

શૈક્ષીણિક મહાસંઘના નામે ઉઘરાણા-રાજકીય પ્લેટફોર્મ માટે રામાનુજ - ભીમાણી આત્મમંથન કરે : નિદત બારોટ

રામાનુજ તમારો અનેક ચુંટણીમાં કારમો પરાજય થયો છે : ભીમાણી તમને બધા ખુબ સારી રીતે ઓળખે છે : વધુ ઓળખની જરૂર જણાય તો જણાવશો : બારોટ લાલઘૂમ

રાજકોટ, તા. ૨૪ : યુનિવર્સિટીમાં શૈક્ષણિક મહાસંઘના અગ્રણી ગીરીશ ભીમાણી અને ભરત રામાનુજે ગઈકાલે કોંગ્રેસના પ્રવકતા નિદત બારોટ સામે આક્ષેપો કરતુ નિવેદન કર્યુ હતું. જેના પ્રત્યાઘાતરૂપે ડો.નિદત બારોટે પણ ભીમાણી - રામાનુજની પોલ ખોલી નાખી છે.

શૈક્ષિક મહાસંઘના નામે કેમ્પસ ઉપરથી અઘ્યાપકો પાસે ફંડ ઉઘરાવવામાં આવ્યું આ રીતે સંઘના નામે ફંડ ઉઘરાવી શકાય ખરૃં?  શૈક્ષિક મહાસંઘના નામે અંગ્રેજી ભવનમાં એમ.ફીલ. ના પ્રવેશ વખતે પણ કુલપતિ પર દબાણ કરીને કોને પ્રવેશ આપવા અને કોને ન આપવા તે કામગીરી પણ શૈક્ષિક મહાસંઘ કરી શકે ? વિદ્યાર્થીઓને હાથો બનાવી હડતાલ પડાવવા માટે શેક્ષિક મહાસંઘના અઘ્યાપકો ભવનના ચાલુ સમયે અંગ્રેજી ભવનમાં એકત્રિત થયા તે વખતે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડતો હતો કે કેમ ?

નિદત બારોટે જણાવ્યુ કે આપ બંને દ્વારા મારી ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેના સંદર્ભે મને જણાવતાં આનંદ થાય છે કે આપ મારી કોલેજના ૧૦૦ વિદ્યાર્થીઓને જયારે ઈચ્છો ત્યારે રૂબરૂ મળી હું શું ભણાવું છું અને કઈ રીતે કોલેજ ચલાવું છું તે બાબતે સિન્ડીકેટ સભ્ય તરીકે પણ આવી અને પૂછપરછ કરવા નિમંત્રિત છો. જો મારા શૈક્ષીણિક અને વહિવટી કાર્યથી આ ૧૦૦માંથી એકાદ વિદ્યાર્થી પણ નારાજગી દર્શાવશે તો સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કયારેય પગ નહિ મુકવાની ખાતરી આપું છું. મારા માર્ગદર્શન હેઠળ જે વિધાર્થીઓએ પીએચ.ડી. શેક્ષણિક કાર્ય પૂર્ણ કર્યું છે તેવા કોઈપણ સંશોધકને સોરાષ્ટ્રયુનિવર્સિટી, આપ બંને સિન્ડીકેટ સદસ્યો ઈચ્છો ત્યારે રૂબરૂ બોલાવી મારા અંગે પૂછપરછ કરશો તો મને આનંદ થશે. જાહેરમાં એ કહેતા ગૌરવ અનુભવું છું કે મારા વિધાર્થીઓ અને મારી કોલેજ આના વિશે કોઈપણ જગ્યાએથી કોઈપણ પ્રકારની નબળી વાત શોધી આપવા માટે હું આપને પડકાર કરૃં છું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવવા માટેનો અધિકાર એ લોકોના મતથી મળતો અધિકાર છે. સેનેટ, એકેડેમિક કાઉન્સિલ, સિન્ડીકેટ અને ડીન આવી ૧૦ થી વધુ વખત ચૂંટણીઓ જીતીને લોકોના મતથી અને લોકોની ચાહનાથી યુનિવર્સિટીના સતામંડળમાં છું અને રહયો છું. ૧૯૯૭ થી ૨૦૨૦ સુધી હંમેશા લોકોએ મને મત આપી, ચૂંટી અને યુનિવર્સિટીમાં મોકલ્યો છે. આપ બંને મહાનુભાવોએ આપનો ભૂતકાળ જોવો જોઈએ. ડો.ભરતભાઈ રામાનુજે ૧૯૯૨, ૧૯૯૭ સહિત સેનેટ, સિન્ડીકેટ, એકેડેમિક કાઉન્સિલ, ડીન-અધરધેન ડીન જેવી અનેક ચૂંટણીઓમાં હારનો સામનો કર્યા છે. મતદારોએ તમને જાકારો આપ્યો છે. હાલમાં જ સોરાષ્ટ્ર યુનિવર્સિટીની અઘ્યાપકોની ચૂંટણીમાં સિન્ડીકેટ સભ્ય તરીકે ચૂંટાવવા માટે આપ ચૂંટણી લડતાતા ત્યારે આપને ત્રણ મત મળ્યા હતા અને સામે પક્ષે ડો.વાદ્યાણીને ૨૩ મત મળ્યા હતા. સોરાષ્ટ્ર યુનિવર્સિટીના અઘ્યાપકોએ આપને યુનિવર્સિટીના રાજકારણથી દુર રહેવાનો આદેશ આપ્યો હતો. આમ છતાં યુનિવર્સિટીમાં રહેવાના ભાગરૂપે આપે રાજય સરકાર સમક્ષ ખોળો પાથરી અને સરકાર નિયુકત સિન્ડીકેટ સભ્ય થવાનું નકકી કરવું પડયું. સોરાષ્ટ્ર યુનિવર્સિટીની આ ભૂમિ પર તમે લોકો દ્વારા નહિ પણ સરકારની ચાપલૂસીથી કામ કરી રહયા  છો.

ડો.ગિરીશભાઈ ભિમાણી વિશે આ તકે વધુ કહેવું યોગ્ય લાગતું નથી. ડો.ગિરીશભાઈ ભિમાણીને બધા ઓળખે છે. જયારે વધુ ઓળખની જરૂરીયાત ઉભી થશે ત્યારે એમના વિશે પણ ચર્ચા કરીશું.

ડો.ભરત રામાનુજને વિનંતી કે આપ આપની આજુબાજુના નજીકના મિત્રો ભારત ભ્રમણ કરતા હોય તેમને સમજાવી યુનિવર્સિટીના વર્ગોમાં વર્ગ લેતા કરો તો પણ શૈક્ષિક મહાસંદ્યના હોદેદાર તરીકે સંઘના વરિષ્ઠ લોકોના આત્માને શાંતિ થશે. ડો.ભરતભાઈ અને ડો.ગિરીશભાઈ આ બંનેની કોઈ વ્યકિતગત બાબતો ઉપર હું કોઈ ટીકા-ટીપ્પણ અત્યારે કરવા ઈચ્છતો નથી અને ભવિષ્યમાં ન કરવી પડે એવી ઉપરવાળાને પ્રાર્થના નિદત બારોટે કરી છે.

(4:43 pm IST)