Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

સગાઇ તોડી નાખવાની ચીમકી આપી આપઘાતની ફરજ પાડવાના કેસમાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા ૨૪  :  અત્રે વાલ્મીકી આવાસ કવાર્ટરમાં રહેતા મુળ ફરિયાદીની પુત્રી ગુજરનાર નેહાબેન નિર્મળભાઇ બોરીચાને સગાઇ તોડી નાખવાની ધમકી આપવાના તથા આત્મહત્યા જેવી ગંભીર પ્રકારનો ગુન્હો કરાવવા માટે આ કામના આરોપી નં.(૧) ગોવિંદભાઇ ચનાભાઇ પરમાર તથા નં.(ર) જોશનાબેન ગોવિંદભાઇ પરમાર બન્ને રહે. પરસાણા નગર, જી. રાજકોટ વાળાઓએ  સદરહુ ધરપકડના ગુન્હામાં રાજકોટના એડી. સેશન્સ જજ સાહેબની કોર્ટમાં આગોતરા જામીન મેળવવાની અરજી મંજુર કરેલ હતી.

આ ઘટનાની ટુંકમાં વિગત એવી છે કે, આ કામના આરોપીઓએ તેમની પુત્રની સગાઇ મુળ ફરીયાદીની પુત્રી ગુજરનાર નેહાબેન નિર્મળભાઇ બોરીચાની સાથે એક વર્ષ પહેલા સમાજના રીતરીવાજ મજબ કરાવેલ હતી. તેમજ સગાઇબાદ આ કામના આરોપીઓ તથા તેમના પુત્રએ, મુળ ફરીયાદીની ગુજરનાર પુત્રીના ચારીત્રય પર શંકા-કુશંકા કરતા અને મેણાંટોંણા મારી અવાર-નવાર જાનથી મારી નાખવાની ધમકી આપતા, જેના લીધે મુળ ફરીયાદીની ગુજરનાર પુત્રી નેહા નિર્મળભાઇ બોરીચાએ તા.૨૧/૧૧/૨૦૧૯ ના રોજ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરેલ હતી, જેથી ગુજરનાર પુત્રીના માતુશ્રી નયનાબેન નિર્મળભાઇ બોરીચાએ, આ કામના આરોપીઓ વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૩૬૦,૫૦૬(ર), ૩૨૩,૧૧૪ મુજબનો ગુન્હો કર્યાની 'બી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ.

ત્યારબાદ આ કામના આરોપીઓને સદરહુ ગંભીર ગુન્હાઓના આગોતરા જામીન મેળવવા માટે રાજકોટના એડી. સેશન્સ જજ આર.એમ. શર્માની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ, ત્યારે સદરહુ જામીન અરજીમાં આરોપીઓ તરફે થયેલ દલીલને અને કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઇને ઉપરોકત આ કામના આરોપીઓને રકમ રૂા૨૦૦૦૦/-, રૂ૨૦૦૦૦/- ના શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આ કામના આરોપીઓ તરફે ધારાશાસ્ત્રી અજય એમ. ચોૈહાણ, અલ્પેશ પોકીયા, કમલેશ એમ. વોરા, તથા ડેનિશ જે. મહેતા એડવોકેટસ રોકાયેલ હતા.

(4:21 pm IST)