Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

કાલથી દાસાણી પરિવાર દ્વારા દેવી ભાગવત્ જ્ઞાનયજ્ઞ

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા... : રાજદીપ આઈસક્રીમ ગ્રુપ દ્વારા કેસરિયા વાડીમાં આયોજનઃ વ્યાસાસને શાસ્ત્રી જનકભાઈ મહેતા

રાજકોટઃ શહેરના જાણીતા રાજદીપ કોલ્ડ્રીંકસ એન્ડ આઈસક્રીમ ગ્રુપવાળા સ્વ. મનસુખલાલ ગોરધનદાસ દાસાણી પરિવાર દ્વારા તા. ૨૫ જાન્યુઆરી શનિવારથી તા. ૨ ફેબ્રુઆરી રવિવાર સુધી કેસરિયા લોહાણા મહાજન વાડી, કરણપરા ચોક, રાજકોટ ખાતે શ્રીમદ્દ દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયેલ છે. જેના વ્યાસાસને ડોડિયાળાવાળા હાલ રાજકોટ નિવાસી સુપ્રસિદ્ધ કથાકાર શાસ્ત્રી શ્રી જનકભાઈ મહેતા બિરાજી સંગીતમય શૈલીમાં કથાશ્રવણ કરાવશે.

કથામાં વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે. પ્રારંભે પોથીયાત્રા શનિવારે બપોરે ૩ વાગ્યે રામમઢી, હાથીખાના મેઈન રોડ ખાતેથી પ્રસ્થાન કરી કથા સ્થળે પહોંચશે. તા. ૨૭મીએ ભૂવનેશ્વરી પ્રાગટય, તા. ૨૯મીએ નવદુર્ગા પ્રાગટય, તા. ૩૦મીએ મહાકાળી, ચામુંડા અને રાંદલ માતાજી પ્રાગટય, તા. ૩૧મીએ શિવ-પાર્વતી વિવાહ, તા. ૨ રવિવારે ગાયત્રી કથા પ્રસંગ બાદ સાંજે ૬ વાગ્યે કથા વિરામ થશે. તે દિવસે સવારે ૮ થી ૧૨ નવચંડી યજ્ઞ રાખેલ છે.

દાસાણી પરિવારના રાજદીપ ગ્રુપ દ્વારા ભૂતકાળમાં શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહ, શ્રી રામ પારાયણ, શ્રી શિવકથા વગેરેનું સફળ આયોજન થયેલ. શ્રીમદ્દ દેવી ભાગવત્ કથાનું પ્રથમ વખત આયોજન થઈ રહ્યુ હોવાથી સમગ્ર પરિવારમાં વિશેષ હરખ છે. કથાનો સમય દરરોજ બપોરે ૩ થી ૭ વાગ્યા સુધીનો છે. ધર્મપ્રેમીઓને કથા શ્રવણનો લાભ લેવા માટે પરિવાર વતી ભીખુભાઈ અને હરેશભાઈ (મો. ૯૮૨૫૩ ૨૮૪૮૬)એ નિમંત્રણ પાઠવ્યુ છે.

શ્રીમદ્ દેવી ભાગવતનો મહિમા

શ્રીમદ્ દેવી ભાગવત્ મહાપુરાણમાં ત્રણેય લોકની જનની માં ભગવતીનો મહિમા બતાવાયો છે. જગદંબાની વિવિધ લીલાઓ અને કથાઓનું અમૃત પાન ભગવાન વેદ વ્યાસજીએ આ પુનિત ગ્રંથ મારફત કરાવ્યું છે. ૧૮ પુરાણોમાં દેવી ભાગવત્નું ખૂબ મહત્વ છે. પુરાણોના ક્રમ મુજબ તે પાંચમુ પુરાણ છે. જેમાં પરમ બ્રહ્મ પરમાત્માના માતૃરૂપ તથા તેની ઉપાસનાનું વર્ણન છે. કુલ ૧૮૦૦૦ શ્લોક, ૧૨ સ્કંધ અને ૩૧૮ અધ્યાયો છે. આ પુરાણનું પૂજન, વાંચન અને કથા શ્રવણ કરવાથી મહાન તીર્થોની યાત્રા કરવાથી મળતા પૂણ્ય કરતા પણ વિશેષ પૂણ્ય મળે છે તેમ શાસ્ત્રોકત મત છે.

- શાસ્ત્રી શ્રી જનકભાઈ મહેતા

મો. ૯૪૨૬૪ ૩૦૨૪૫ - રાજકોટ

(4:12 pm IST)