Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

રખડતા-તરછોડી દીધેલા ૧૫૮ બાળકોની માતા મનન ચતુર્વેદી

જયપુરના વતની દીદી મનન આવતીકાલે ૨૫મીના સાંજે ૪ વાગ્યાથી ૨૬મીના સાંજે ૬ સુધી સતત ૨૬ કલાક પેઈન્ટીંગ કરશે : મનનજી કહે છે કે મા કરતાં મમતા શબ્દ મહાન, યુદ્ધને તલવારથી નહિં પણ પ્રેમ, સ્નેહ અને રંગોથી જીતી શકાયઃ મારા હાથના રંગો આ બાળકોની જીંદગીમાં રંગ પૂરે છે, મારા આર્ટ થકી બાળકો માટે નવુ ભવિષ્ય તૈયાર કરવા માંગુ છું

એક અવાજ દેશભકિતની- અનાથ બાળકોના નામે : રાજકોટ : જયપુરના વતની અને ૧૫૮ અનાથ બાળકોની માતા એવા મનન ચુતર્વેદી સાથે 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા તેમજ નરેન્દ્રભાઈ શેખાવત, યશ રાઠોડ, દિલીપભાઇ ગઢવી ઉપસ્થિત છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૪ : મુળ રાજસ્થાનના જયપુર શહેરમાં રહેતા એવા મનન ચતુર્વેદી પોતાના રંગો થકી બાળકોના જીવનમાં રંગ પૂરે છે. રખડતા અને તરછોડી દીધેલા બાળકોનું પાલન પોષણ તેઓ પોતે જાતે જ કરે છે. પોતાના આર્ટ થકી બાળકો માટે ભવિષ્ય બનાવી રહ્યા છે. રસ્તા ઉપર જીવન ગુજારતા અને આ દુનિયામાં જે બાળકોનું કોઈ નથી એવા અનાથ એવા ૧૫૮ બાળકોનું જીવન સારૂ બને તે માટે તેઓ સતત પ્રયાસો કરી રહ્યા છે. તેઓ રાજકોટ આવ્યા છે અને આવતીકાલે ૨૫મીના સાંજે ૪ વાગ્યાથી ૨૬મીના સાંજે ૬ વાગ્યા સુધી એકધારૂ ૨૬ કલાક પેઈન્ટીંગ કરશે.

મનન ચતુર્વેદી આજે અકિલાના આંગણે આવ્યા હતા અને તેઓએ પોતાના જીવન અને સેવાકીય કાર્યો અંગે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે વાતો શેર કરી હતી. તેઓએ જણાવેલ કે હું ૧૫૮ નિરાધાર બાળકોના આશ્રય સાથે શિક્ષણ પણ આપુ છું. નિરાધાર બાળકોની સંપૂર્ણ જવાબદારી પણ રાખુ છું. સ્વાભાવિક છે કે આ નિરાધાર બાળકોના ભરણ પોષણ અને શિક્ષણ માટે પૈસાની જરૂર તો પડતી જ હોય છે તે માટે હું અલગ અલગ સ્થળોએ ૨૪ કલાકથી વધુ સમય ઉભા રહી અને પેઈન્ટીંગો બનાવું છું અને આ પેઈન્ટીંગ લોકો સેવાભાવે ખરીદતા હોય છે.

તેઓએ જણાવેલ કે જયપુરમાં એકધારા ૭૨ કલાક પેઈન્ટીંગ કરી ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ પણ નોંધાવેલ છે.  તેઓએ એક પ્રસંગને યાદ કરતાં જણાવ્યુ કે ફેશન ડિઝાઈનની ડિગ્રી લઈને ઘર તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં અચાનક એક બસ સ્ટેન્ડ પાસે ઓટો રીક્ષા રોકાઈ ત્યારે મારી નજર કચરાના ઢગલા પાસે પડી ત્યાં એક ભૂંડની સાથે એક નવ વર્ષની નાની બાળકી પણ ખોરાક શોધી રહી હતી. બસ આ દૃશ્યો મારા દિલને ચીરી નાખ્યા અને એ જ સમયે મેં નક્કી કર્યુ કે હું મારૂ સમગ્ર જીવન અનાથ, રખડતા, ભટકતા, તરછોડાયેલા બાળકો સાથે વિતાવીશ. આજે ૧૫૮ અનાથ બાળકોની સાથે જ મારા ત્રણ બાળકો પણ રહે છે.

મનન ચતુર્વેદીએ જણાવેલ કે, સૌ પ્રથમ તો ગ્રીટીંગ કાર્ડ સાડીઓ કાપી તેના સ્ટોલ રાખ્યા. લેખિકા બની શોર્ટ ફિલ્મો પણ બનાવી. તેમજ અનેક ગીતો પણ લખ્યા છે.

ત્યારબાદ પેઈન્ટીંગો બનાવવાનું શરૂ કર્યુ. તેઓ કહે છે કે મને પેઇન્ટીંગ બનાવતા આવડતુ નથી, કોઇની પાસેથી શીખી પણ નથી, પરંતુ પેઈન્ટીંગ બનાવવા  બેસુ ત્યારે આ પેઈન્ટીંગ આપોઆપ બની જાય છે.

મુળ રાજસ્થાનના જયપુરના વતની એવા મનન ચતુર્વેદીએ ફેશન ડિઝાઈનીંગને અલવિદા કહી લાઈફ ડિઝાઈનીંગને સ્વીકારી લીધુ છે. તેઓ કહે છે હું બસ મા છું, પણ મા કરતાં મમતા શબ્દ મહાન છે. યુદ્ધને તલવારથી નથી જીતી શકાતુ, પરંતુ પ્રેમ, સ્નેહ અને રંગોથી જીતી શકાય છે. મારા હાથના રંગો આ બાળકોની જીંદગીમાં રંગ પૂરે છે અને તેમને સતત આગળ વધવાની પ્રેરણા આપે છે. હું કોઇની સામે હાથ ફેલાવવા માગતી નથી. પરંતુ મારા આર્ટ થકી આ બાળકો માટે નવુ ભવિષ્ય તૈયાર કરવા માંગુ છું. તેઓએ કટાક્ષમાં કહ્યું હતું કે આટલા બધા બાળકો મારી સાથે રહે છે. એ ગૌરવ લેવાની વાત નથી પણ એ શરમની વાત છે. હાલમાં મારો ૨૨૫ થી ૨૫૦ લોકોનો પરિવાર છે. આવા રસ્તે રઝડતા બાળકોમાં ખુબસુરતી સાથે સુવાસ પણ ફેલાયેલી છે.

એ દૃશ્યએ મારૂ જીવન બદલી નાખ્યુ

રાજકોટ : મનન ચતુર્વેદી વર્ષો પહેલા લંડનથી ફેશન ડિઝાઇનીંગની ડિગ્રી લઈ ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બસ સ્ટેન્ડ નજીક તેમનું ધ્યાન જતા એક ભુંડ પાસે એક નાનકડી બાળકી પણ ખોરાક શોધી રહી હતી, બસ આ દૃશ્ય નિહાળી મારૂ હૃદય દ્રવી ઉઠ્યુ અને મેં એ જ સમયે નક્કી કરી લીધુ કે જો મારા દેશના બાળકોને પહેરવા પુરતા કપડા નથી તો હું કેવી રીતે કપડા ડિઝાઈન કરી શકુ. ત્યારથી કલમ અને કપડાની દુનિયા છોડી રસ્તાઓ ઉપર રખડતા અને તરછોડાયેલા બાળકોની માતા બની ગઈ.

મનન ચતુર્વેદી કહે છે કે મારા ૫ નામ છે

રાજકોટ : અનાથ બાળકો માટે જીવન સમર્પિત કરી દેનારા મનનજી કહે છે કે જન્મ સમયે મારૂ નામ 'ઈતિ' રાખવામાં આવેલ. મારો જન્મ થયો ત્યારે શ્વાસ ન લેતા તબીબોએ મને મૃત જાહેર કરી હતી, પરંતુ ત્યારબાદ ફરીથી હૃદય ધબકતા આ નામ રાખવામાં આવેલ. મારો જન્મ થયો ત્યારે મારા પિતાએ પ્લોટ ખરીદ્યો અને મકાન પણ બનાવ્યુ ત્યારે મારૂ બીજુ નામ 'પ્લોટી' રાખ્યુ. હું નાની હતી ત્યારે ખૂબ ચચંળ હતી જેથી મારૂ નામ 'મુકિત' રાખેલ અને છેલ્લે મારૂ નામ 'મનન' રાખવામાં આવેલ.

મનન ચતુર્વેદીના વિચારો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં પણ નિહાળી શકાય

mananc73@gmail.com

insta-yesiammanan

facebook-mananchaturvedi

twitter-mananchaturvedi.in

mo.9001082888

(4:08 pm IST)