Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

કાલે રાષ્ટ્રીય મતદાતા દિવસઃ કલેકટર તંત્ર ૧૦૨ અને ૧૦૦ વર્ષના સહિત કુલ ૬ સિનિયર મતદારોનું સન્માન કરશે

૨૪ બીએલઓનું સન્માનઃ રશ્મિતાબેન રામાણીની ખાસ રાજ્યકક્ષાએ પસંદગી : પૂર્વ વિસ્તારના એક દિવ્યાંગ મતદાર જગદીશભાઈ સાથલપરાનું પણ બહુમાન થશે

રાજકોટ, તા. ૨૪ :. દેશનું ચૂંટણી પંચ આવતીકાલે દેશભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવણી કરશે, પંચની સૂચના મુજબ અને કલેકટરના માર્ગદર્શન હેઠળ નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધાધલ અને તેમની ટીમ દ્વારા શહેર-જીલ્લામાં સિનિયર મતદારો, દિવ્યાંગ મતદારો, શ્રેષ્ઠ-બીએલઓ, શ્રેષ્ઠ નાયબ મામલતદાર (ચૂંટણી) તથા નવા યુવા મતદારોનું કણસાગરા મહિલા કોલેજ કાલાવડ રોડ ખાતે સવારે ૧૦ વાગ્યે કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં સન્માન થશે.

જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાજકોટના ૧૦૨ વર્ષના દેવબેન મઠીયા, ૧૦૦ વર્ષના કચરાભાઈ ચાવડા, ૯૫ વર્ષના નારણભાઈ ભીલ્લા સહિત કુલ ૬ સિનિયર મતદારોનું અને પૂર્વ વિભાગના દિવ્યાંગ મતદાર જગદીશભાઈ સાથલપરાનું ખાસ સન્માન કરશે. આ ઉપરાંત જુદી જુદી સરકારી કચેરીના અને ચૂંટણી સમયે સેકટર ઓફિસર તરીકે ફરજ બજાવનાર રાજકોટ શહેર-જિલ્લાના ૮ સેકટર ઓફિસરનું પ્રમાણપત્ર આપી સન્માન કરાશે.  આ ઉપરાંત ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા રાજકોટ જીલ્લાની ૮ ધારાસભા બેઠકના કુલ ૨૪ બુથ લેવલ ઓફિસરોનું સન્માન થશે, તેમા પશ્ચિમ રાજકોટના શ્રી રશ્મિતાબેન રામાણીની તો ખાસ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ કામગીરી અંગે પસંદગી થઈ છે.

આ ઉપરાંત પૂર્વ-પશ્ચિમ રાજકોટ અને રાજકોટ ગ્રામ્યના ૧૨ નવા યુવા મતદારોનું સન્માન થશે.

આ ઉપરાંત કલેકટર કચેરીના-૩ અને રાજકોટ શહેર-જીલ્લાની મામલતદાર કચેરીના થઈને ચૂંટણી સમયે અને તે પહેલા ચૂંટણી કામગીરી કરી રહેલા શ્રેષ્ઠ ૨૦ નાયબ મામલતદારોનું પ્રોત્સાહક ઈનામ આપી ખાસ બહુમાન કરાશે.

(4:07 pm IST)