Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

શ્રીનાથગઢની જમીન પ્રશ્ને થયેલ આપઘાતના કેસમાં તલાટી સહિત પિતા પુત્રના આગોતરા મંજુર

રાજકોટ, તા.ર૪ : શ્રીનાથગઢના કૌટુંબિક જમીનના ચકચારી ડખ્ખામાં આપઘાત કરી, મરી જવા મજબુર કરનાર તલાટી મંત્રી સહિત બાપ-દિકરાના આગોતરા જામીન સેસન્સ કોર્ટે મંજુર કરવાનો હુકમ કર્યો હતો.

ફરીયાદની ટુંક વિગત એવી છે કે આ કામના ફરીયાદી રમાબેન કિશોરભાઇ ટાંક રહે. રાજકોટવાળાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં તા. ૧૮-૧ર-૧૯ના રોજ ઇન્ડીયન પીનલ કોડની કલમ ૩૦૬,પ૦૬ (ર), ૧૧૪ મુજબ આ કામના આરોપીઓ ૧. રમેશભાઇ ભગવાનજીભાઇ ટાંક અને ર. સાગર રમેશભાઇ ટાંક વિરૂદ્ધ ફરીયાદ નોંધાવેલ હતી.

ત્યાર બાદ તપાસના ચક્રો ગતિમાન થતાં આરોપીઓએ પોલીસ કસ્ટડી તેમજ ધરપકડથી બચવા તેમના વકીલ અલ્પેશ પોકીયા મારફત નામદાર ડિસ્ટ્રીકટ કોર્ટમાં સી.આર.પી.સી. ની કલમ-૪૩૮ અન્વયે બંને સદર આરોપીઓએ આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી જેમાં તપાસનીશ પોલીસ અધિકારીએ જામીન અરજી નામંજુર કરવા સોગંદનામુ રજુ કરેલ હતું તેમજ આરોપીઓ તરફે રોકાયેલ એડવોકેટ અલ્પેશ પોકીયા દ્વારા આરોપી સામે ઇ.પી.કોડની કલમ ૩૦૬ નો પ્રથમ દર્શનીય કેસ ન હોય અને સદર હકીકતો દસ્તાવેજી આધારોથી પ્રથમ દર્શનીય રીતે પુરવાર થતી હોય તેમજ સીવીલ તકરાર હોય તેની બંને તરફે દલીલો કરવામાં આવેલ હતી તેમજ જામીન અરજી મંજુર કરવા સદર કેસના સંદર્ભમાં નામ. ઉચ્ચ અદાલતોના ચૂકાદાઓ રજુ કરવામા આવેલ હતા. આરોપી તરફે રોકાયેલ એડવોકેટ અલ્પેશ પોકીયાની દલીલો અને વીવીધ અદાલતોના ચૂકાદા ધ્યાનમાં લઇ નામદાર એડી. સેસન્સ કોર્ટએ આરોપી રમેશભાઇ ટાંક અને તેમના પુત્ર તલાટી મંત્રી સાગર રમેશભાઇ ટાંકની હાલની આગોતરા જામીન અરજી મંજુર કરેલ અને બંને આરોપીઓને રૂ.૧પ૦૦૦/-ના શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ હતો.

સદર કામે બંને આરોપી રમેશભાઇ ટાંક તેમજ તલાટી મંત્રી સાગર ટાંક તરફે પી એન્ડ લો ચેમ્બરના વિદ્વાન ધારાશાસ્ત્રી અલ્પેશ વી. પોકીયા, અમીત વી. ગડારા, વંદના એચ. રાજયગુરૂ, કેતન સાવલીયા, ભાર્ગવ પંડયા, પરેશ મૃગ, રીતેષ ટોપીયા વિગેરે રોકાયા હતાં.

(4:05 pm IST)