Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

વિજયભાઇની વિકાસલક્ષી કાર્યશૈલીના કારણે રાજકોટ વૈશ્વિક ફલક પર ઉભર્યુ : રાજુ ધ્રુવ

પ્રજાસત્તાક પર્વે ૧૧૦૦ કરોડના જનહિત કાર્યોના લોકાર્પણ- ખાતમુહુર્તની ઘડી ગૌરવરૂપ

રાજકોટ તા. ૨૪ : આગામી તા.૨૬ જાન્યુઆરીના પ્રજાસત્ત્।ાક પર્વની રાજય કક્ષાની ઉજવણી રાજકોટમાં થઈ રહી છે.તેના ભાગરૂપે રાજકોટ શહેર જિલ્લામાં અંદાજીત રૂ.૧૦૦૦ કરોડથી વધુ રકમનાં વિકાસકામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કરી રાજકોટને પ્રજાસત્ત્।ાક પર્વની મહામૂલી ભેટ આપવા જઇ રહ્યા છે. ત્યારે ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, રૂ.૧૧૦૦ કરોડના જનહિત કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે કરવામાં આવશે.

જેમાં મહાપાલિકા, રૂડા અને એસ.ટી.ના રૂ.૬૯૧ કરોડના ૨૮ કામો તેમજ મહાપાલિકા, કલેકટર તંત્ર, સૌ.યુનિ., અને માર્ગ મકાન વિભાગના રૂ.૧૭૧ કરોડના ૨૪ કામોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત થવાનું છે. મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી પોતાની કર્મભૂમિ અને સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટને અનેક પ્રજાલક્ષી પ્રોજેકટની ભેટ આપવા જઈ રહ્યાં છે. જે રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓ માટે ગૌરવ સહ આનંદની વાત છે.

વિજયભાઈની વિકાસલક્ષી કાર્યશૈલીને કારણે આજે રાજકોટ વૈશ્વિક ફલક પર સ્માર્ટ સીટી તરીકે ઉભરી રહ્યું છે. રાજકોટમાં શાંતિ, સલામતી અને સૌહાર્દનું વાતાવરણ બની રહ્યું છે. નગરસેવકથી લઈ મુખ્યસેવક સુધીની યાત્રા દરમિયાન વિજયભાઈ રૂપાણીએ રાજકોટને ખરા અર્થમાં સુખ-સુવિધાસભર બનાવ્યું છે.

રાજકોટ મનપામાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને મેયર તરીકે રહી સફળતાપૂર્વક શહેરનાં હિતમાં કાર્ય કરી ચૂકેલા નગરસેવક તેમજ હાલમાં ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે સમગ્ર રાજયના ઝડપી-ગતિશીલ વિકાસને મંત્ર બનાવી પ્રજા સમર્પિત ભાવથી ફરજ બજાવી રહેલ તથા રાજકોટ-સૌરાષ્ટ્ર પર વિશેષ વ્હાલ વરસાવનારા રાજયના મુખ્યસેવક વિજયભાઈ રૂપાણીએ એઈમ્સ, એરપોર્ટ, બસપોર્ટ, આવાસ યોજના, અન્ડરબ્રિજ, ઓવરબ્રિજ, કન્ટેનર ડેપો, જીઆઈડીસી, હોસ્પિટલ, ન્યૂ રેસકોર્ષ, સિકસલેન હાઈવે, રાજકોટ-અમદાવાદ વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેકટ મંજૂરી વગેરેની ભેટ ધરીને રાજકોટને ખરા અર્થમાં વિકાસશીલ બનાવ્યું છે.

નિર્ણાયકતા વ્યકિતની સૌથી મોટી મૂડી છે. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈ આજ સુધી અનેક નિર્ણયો લઈ ગુજરાત અને ખાસ કરીને રાજકોટની પ્રજા માટે જનહિતલક્ષી નિર્ણયો કર્યા છે.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું કે, ગુજરાતનાં મુખ્યમંત્રી રાજકોટનાં હોવાથી રાજકોટને અનેક પ્રકારે ફાયદો થઈ રહ્યો છે આજે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ, વિશ્વકક્ષાની હોસ્પિટલ, આધુનિક કક્ષાનું બસપોર્ટ, વર્લ્ડકલાસ મ્યુઝિયમ, સુવિધાસભર મકાનો, રોડરસ્તા વગેરે નિર્માણ પામ્યા છે કે પામી રહ્યાં છે તે પાછળનું શ્રેય રાજકોટનાં ધારાસભ્ય અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં ફાળે જાય છે. ઝડપભેર રાજકોટ વિશ્વનાં સૌથી વધુ વિકસતા શહેરોની યાદીમાં સ્થાન પામ્યું છે.

સ્વચ્છતા મિશનમાં પણ રાજકોટનો દેખાવ ઘણો સારો છે. ઉપરાંત એક રીતે જોવા જઈએ તો મુખ્યમંત્રીશ્રી આખા ગુજરાતનું શ્રેષ્ઠ સંચાલન કરવામાં પોતાના હોમટાઉનને સર્વશ્રેષ્ઠ આપવાનું ભૂલ્યા નથી કે રાજકોટને જરા પણ ઓછું આવવા દીધું નથી. એવું રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવી રાજકોટને કરોડો રૂપિયાનાં જનહિત કાર્યોંની ભેટ આપવા બદલ રાજકોટનાં સર્વાંગી વિકાસનાં સ્વપ્નદ્રષ્ટા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવી આભાર વ્યકત કર્યો હતો.

(1:20 pm IST)