Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

કાલે લક્ષ્મીનગર અન્ડરબ્રીજ સહિત ૬૦૦ કરોડના પ્રોજેકટોને લીલીઝંડી

રાજકોટમાં પ્રજાસત્તાક પર્વ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે વિકાસકામોના ખાતમુહૂર્ત-લોકાપર્ણ : ૧૩૫ કરોડની સ્માર્ટસીટી ટ્રાફિક સિગ્નલ સીસ્ટમઃ ૧.૩૫ કરોડનો વેસ્ટ-ટુ એનર્જી પ્રોજેકટઃ ૫.૨૭ કરોડનાં ૭૨૮ આવાસોનુ ખાતમુહૂર્તઃ ૩ હાઇલેવલ બ્રીજનું ખાતમુહૂર્ત સહીતની સુવિધાઓનો પ્રારંભ કરાવશે વિજયભાઇ રૂપાણી

રાજકોટ તા. ૨૪ : આગામી ૨૬મી જાન્યુઆરીએ રાજકોટમાં રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક મહોત્સવ યોજાઇ રહ્યો છે.જે અંર્તગત મ્યુ. કોર્પોરેશન અને રૂડા, શહેર પોલીસ તથા પીજીવીસીએલનાં  લક્ષ્મીનગર અન્ડરબ્રીજ સહિત કુલ રૂ.૬૦૦ કરોડના અનેક વિકાસકામોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે કરવામાં આવશે.જેમાં સંયુકત ડાયસ કાર્યક્રમ સવારે ૯:૩૦ વાગ્યે રૂડા મેદાન, ઇસ્કોન મંદિર પાસે, કાલાવડ રોડ ખાતે યોજાશે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, લાઈટીંગ કમિટી ચેરમેન મુકેશભાઈ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, ડ્રેનેજ કમિટી ચેરમેન જયોત્સનાબેન ટીલાળા સંયુકત યાદીમાં જણાવે છે કે, ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્ત્।ાક પર્વની રાજય કક્ષાની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ શહેરી વિકાસ સત્ત્।ામંડળ (રૂડા), રાજકોટ શહેર પોલીસ તથા પી.જી.વી.સી.એલ.ના સંયુકત ઉપક્રમે તા.૨૫ શનિવાર સવારે ૦૯:૩૦ કલાકે રૂડા મેદાન, ઇસ્કોન મંદિર સામે, મોટામવા પાસે, કાલાવડ રોડ ખાતે રૂ.૫૬૫ કરોડથી વધુ વિવિધ પ્રોજેકટના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત ગુજરાત રાજયના મુખ્યમંત્રી

વિજયભાઈ રૂપાણીના  હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે.

આવતીકાલે તા.૨૫નાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે ં વિવિધ વિકાસ કામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવશે. મ્યુ.કોર્પોરેશનનાં પ્રોજેકટની વિગતો આ મુજબ છે.

લક્ષ્મીનગર અન્ડરબ્રિજ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની ટ્રાફિકની સમસ્યા હળવી બને તેના ભાગરૂપે જુદી જુદી જગ્યાએ ઓવર - અન્ડર બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. લક્ષ્મીનગર નાલાની જગ્યાએ ફોર લેઇન અન્ડરબ્રીજ બનાવવામાં માટે રાજકોટ મહાનગરપાલિકાએ રેલ્વે વિભાગને ડીપોઝીટ વર્ક પેટે રૂ. ર૪.૯૧ કરોડ જમા કરાવેલ છે.લક્ષ્મીનગર નાલા તરીકે ઓળખાતા અન્ડર પાસમાં વોર્ડ નં.-૮માં નાનામવા મેઇન રોડનાં છેડે લક્ષ્મીનગર રેલ્વે સ્ટેશન પાસે ટ્રાફિકની સમસ્યાનાં નિરાકરણ હેતુ હૈયાત નાલાના સ્થાને વધુ પહોળાઇ ધરાવતાં અન્ડર બ્રીજ બનાવવાનાં કામનાં ભાગ રૂપે રેલ્વે વિભાગ સાથે ડીપોઝીટ વર્ક તરીકે કામ કરાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. સદરહું નાલાની જગ્યાએ બે નવાં બોક્ષ ટાઇપ ફોર લેન અન્ડરપાસ બનાવવામાં આવશે. જેની એક બોક્ષની અંદાજીત સાઇઝ ૫૦ મીટર લંબાઇ હ્ર ૭.૩૫ મીટર પહોળાઇ તથા ૪.૫૦ મીટરની ઉંચાઇ રહેશે. ઉપરાંત વરસાદી પાણીનાં નિકાલ માટેની તેમજ લાઇટીંગની વ્યવસ્થા કરવામાં આવશે. આ અન્ડરપાસ થવાથી રાજકોટ પશ્યિમ વિસ્તાર તરફનાં પ્રજાજનોને શહેરમાં અવર-જવર કરવા માટે વધુ સુગમતા થતાં ટ્રાફિકનાં પ્રશ્નનું નિરાકરણ આવશે. તેમજ આ સમગ્ર અન્ડર પાસ બનાવવાની કામગીરી રેલ્વે વિભાગ મારફત કરવામાં આવશે. તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કામે રેલ્વે વિભાગ દ્વારા રજુ કરવામાં આવેલ એસ્ટીમેટ મુજબની ડિપોઝીટની રકમ રૂ.૨૪.૯૧ કરોડ રેલ્વે વિભાગમાં જમાં કરાવવામાં આવેલ છે.

 વોર્ડ નં. ૪માં કોમ્યુનીટી હોલ

રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઝોન વિસ્તારમાં આવેલ  વોર્ડ નં. ૪ માં મોરબી રોડ પરના વિકસિત વિસ્તારો માટે મોરબી રોડ જુના જકાતનાકા પાસે ટી.પી. સ્કીમ નં. ૧૨ ના અંતિમ ખંડ નં. ૧૦૫ પૈકીના ૧૬૩૩ ચો.મી.ના પ્લોટમાં કોમ્યુનીટી હોલ બનાવવામાં આવેલ છે.  આ કોમ્યુનીટી હોલમાં કુલ ૨૧૫૦ ચો.મી. (૨૩૧૩૪ ચો.ફૂટ) નું બાંધકામ થયેલ છે. જેમાં ફર્સ્ટ ફ્લોર તથા સેકન્ડ ફ્લોરમાં ૩૦૦ વ્યકિતઓની બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલ છે. આમ કુલ ૬૦૦ વ્યકિતઓની ક્ષમતા આ કોમ્યુનીટી હોલ ધરાવે છે તથા ભવિષ્યમાં એરકન્ડીશનર હોલ કરવા માટે જરૂરી વ્યવસ્થાનું પ્લાનિંગ કરેલ છે.

એડેપ્ટિવ ટ્રાફીક કંટ્રોલ સિસ્ટમ

રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ  દ્વારા પાન સિટી ડેવલપમેન્ટ અંતર્ગત સેવોત્ત્।મ પ્રોજેકટ આકાર પામી રહેલ છે. સેવોત્ત્।મ પ્રોજેકટ અંતર્ગત શહેરમાં આઈટી ઈનેબલ્ડ જુદી જુદી સેવાઓ શરૂ કરવામા આવનાર છે જેમ કે (૧)  અડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ (૨) ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (૩)જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, અંડર ગ્રાઉન્ડ યુટીલીટી સર્વે સાથ(૪)  એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (૫) સ્માર્ટ પાર્કિંગ (૬.) ઈલીગલ હોકીંગ પ્રીવેન્સન સિસ્ટમ (૭) ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરપ્રોજેકટ અન્વયે રાજકોટ શહેરમાં ટ્રાફિકની વ્યવસ્થા ને વધુ સુયોજિત બનાવવાના ઉદ્દેશ્યથી શહેરના  ૨૫ ટ્રાફિક જંકશન પર અદ્યતન ટેકનોલોજી પર આધારિત અડેપટીવ ટ્રાફિક કંટ્રોલ સીસ્ટમ લગાવવામાં આવેલ છે.

આ ટેકનોલોજી અંતર્ગત ટ્રાફિક સિગ્નલ પર વાહનોને ડિટેકટ કરી ને ટ્રાફિક સિગ્નલના સમયને વધારી અને દ્યટાડી શકે છે જેથી આ ટેકનોલોજીથી ટ્રાફિક સિગ્નલ પર થતા સમયના વ્યયને દ્યટાડી શકાશે.

દરેક ટ્રાફીક સીગ્નલ આધુનીક કેમેરા સેન્સરથી સજ્જ છે જેના વડે સીગ્નલ પરથી પસાર થતા તમામ વીહીકલની ગણતરી તેમજ વર્ગીકરણ થશે આ ડેટાનો ઉપયોગ કરી એક ખાસ અલગોરીધમ ટ્રાફીકને નીયંત્રીત કરશે. આ ઉપરાંત આ ટેકનોલોજી દ્વારા ગ્રીન કોરિડોર બનાવીને એક જ મુખ્ય માર્ગ પર આવતા ટ્રાફિક સિગ્નલ પર થતા સમયના વ્યય ને પણ દ્યટાડી શકાય છે.

તદુપરાંત આ ટેકનોલોજી દ્વારા કોઈપણ ટ્રાફિક જંકશન પરના સિગ્નલને રાજકોટ શહેરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી મોનિટર તેમજ કન્ટ્રોલ કરી શકાશે.

અડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સીસ્ટમથી રાજકોટ શહેરના દૈનિક પાંચ લાખથી વધુ વાહનચાલકોને સીધો લાભ મળશે.

આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી તથા મુખ્ય મહેમાન તરીકે રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ તથા અતિથિ વિશેષ તરીકે શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર ઉપસ્થિત રહેશે.

તેમજ આ વિવિધ પ્રોજેકટના લોકાર્પણ તથા ખાતમુહૂર્તના કાર્યક્રમોના અન્ય નિમંત્રકો પી.જી.વી.સી.એલ. એમ.ડી. શ્વેતા ટીઓટીયા, રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીવીઝનલ મેનેજર પશ્યિમ રેલ્વે પરમેશ્વર ફંકવાલ, ઉપસ્થિત રહેશે.

(4:03 pm IST)