Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

૨૫૧ ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે નિકળશે રાષ્ટ્ર ગૌરવ યાત્રા

રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિની યુવા ટીમ દ્વારા સતત ત્રીજા વર્ષે આયોજનઃ ભારત માતા અને સ્વાતંત્ર સેનાનીઓના જીવંતપાત્રોનું આકર્ષણઃ દેશભકિતના ગીતો ઉપર રાષ્ટ્રપ્રેમીઓ ઝુમશેઃ યાત્રાના સમાપન પ્રસંગે ધ્વજવંદન- રાષ્ટ્રગાન- શહીદોને શ્રધ્ધાંજલી અપાશેઃ ભાઈ- બહેનોને આમંત્રણ

રાજકોટ,તા.૨૩: ૨૬મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસે સમગ્ર ભારતમાં ભૂલકાઓથી લઈને યુવાનો અને વૃધ્ધો, ભારતના આ રાષ્ટ્રપર્વની ભારતના દરેક લોકો ખુબજ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરતા હોય છે. આવી જ એક ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં સામાજિક સમરસતા મજબુત બનાવવા, દેશમાં પ્રસરેલી ભાગલાવાદી ભાવનાને દુર કરવા અને હમ સબ એક હૈ નો નારો સિદ્ધ કરવા માટે રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા રાજકોટ ખાતે એક ભવ્ય ''રાષ્ટ્ર ગૌરવ યાત્રા''નું આયોજન કરવામાં આવેલ છે. ૨૬મીના સવારે ૯:૩૦ વાગ્યાથી મણીઆર હોલ નજીકથી યાત્રાનું પ્રસ્થાન થશે. જે વિવિધ વિસ્તારોમાં ફરી રામનાથપરા ખાતે સમાપન થશે.

આ યાત્રાનું મુખ્ય આકર્ષણ ભારતમાતાનો મુખ્ય ફલોટ, શહીદ કુટીર તથા ૨૫૧ ફુટ લંબાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ રહેશે જેને ચાલીને સમગ્ર રૂટમાં લઈ જવામાં આવશે. આ યાત્રામાં ભારત માતા તેમજ અલગ અલગ સ્વતંત્રતા સેનાનીઓના જીવંત પાત્રો પણ રહેશે. યાત્રાની પૂર્ણાહુતી બાદ સમૂહ ધ્વજ વંદન, સમૂહ રાષ્ટ્ર ગાન, શહીદોને સમૂહ શ્રદ્ધાંજલી તેમજ ભારત માતા પૂજનનો કાર્યક્રમ રહેશે.

જાહેર યાત્રામાં નારી શકિતનું પ્રભુત્વ દેખાડવા તથા બહેનો પણ આવા રાષ્ટ્રીય કાર્યક્રમમાં પુરૂષો સાથે ખભે ખભો મિલાવીને કામ કરી શકે છે તે બતાવવા બહેનો પણ બાઈક લઈને તથા ચાલીને મોટી સંખ્યામાં જોડાશે. સમગ્ર રૂટ દરમિયાન સાઉન્ડ સિસ્ટમ પર દેશભકિતના ગીતો પર રાષ્ટ્રપ્રેમીઓ જૂમશે. યાત્રાનું જુદી જુદી સંસ્થાઓ દ્વારા રૂટ દરમિયાન પુષ્પોથી તથા અલગ અલગ રીતે સ્વાગત કરવામાં આવશે.

આ યાત્રાનું આયોજન રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા કરવામાં આવે છે. જેનો હેતુ સંપૂર્ણપણે બિન- રાજકીય હોવાનું યુવાઓએ જણાવેલ.

આ યાત્રામાં ધ્વજને પુરી યાત્રામા લઈને ચાલવાની જવાબદારી ગો રક્ષા દળના સભ્યોએ લીધેલ છે. રોબિન હૂડ આર્મીના મેમ્બરો દ્વારા હવે ભારત લૂખ્યું નઈ સુવે જેવા વિવિધ સ્લોગનો સાથે યાત્રામાં જોડાશે. હેવ વિથ હેપી નેસ ગ્રુપ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવશે, માલધારી સમાજ દ્વારા રાજેશ્રી ટોકીઝ પાસે યાત્રાનું સ્વાગત કરવામાં આવશે, શ્રી બડા બજંરગ મિત્ર મંડળ દ્વારા ગરુડ ગરબી ચોક ખાતે સમગ્ર પૂર્ણાહુતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

હિન્દુસ્તાન સંરક્ષણ સંઘ, યુવા શકિત સેવા સંઘ, આહીર એકતા મંચ, સરદાર પટેલ ગ્રુપ, રાઈઝિંગ ઈન્ડિમયા ગ્રુપ, ઓમ સાઈ સેવા ચે.ટ્રસ્ટ, જય અંબે ગરુડ ગરબી મંડળ, મુરલીધર યુવા ગ્રુપ, આશાએ ઉમ્મીદ કી નઈ કિરણ ચે. ટ્રસ્ટ, સેવા ગ્રુપ, લોધા સમાજ, રોકડીયા હનુમાનજી ગ્રુપ, કૃપા ફાઉન્ડેશન, શકિત યુવા ગ્રુપ, ગુજરાત સંગઠન, કોઠારીયા નાકા મિત્ર મંડળ, નક્ષ ગ્રુપ, દીર્ઘાયુ હેલ્થ કલબ, શ્રી વિજયવંત હનુમાનજી ગ્રુપ, શ્રી જલારામ ગ્રુપ, સર્જક ટ્રસ્ટ સહિત વિવિધ સંસ્થાઓ આ યાત્રામાં જોડાશે.

આયોજનને સફળ બનાવવા કલ્પેશ ગમારા (મો.૮૧૨૮૮ ૮૮૮૩૫), આશિષ ભાઈ (મો.૯૯૦૯૦ ૩૫૪૨૦), ભાવિન સોની (મો.૯૦૩૩૯ ૪૪૪૮૦), ધ્રુવ કુંડલ, આશીષ મુલીયાણા, જીતેશ રાઠોડ, કેજસ વિઠ્ઠલાણી, તેમજ મહિલા વિંગમાં સોનલબેન દવે, જાગૃતીબેન ખીમાણી, હિરલબેન કણઝારીયા, નમ્રતાબેન વાઘેલા, નૈમીશા મુલીયાણા અને પ્રીતિબેન પટેલ જોડાયા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

યાત્રાના આકર્ષણો

૨૫૧ ફુટનો રાષ્ટ્ર ધ્વજ, દેશના શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે વિશેષ સાયકલમા ફલોટ્સ બનાવવામાં આવશે, અસંખ્ય બાઈક સવારો તિરંગા સાથે યાત્રામાં જોડાશે, ફ્રીડમ ફાઈટરના જીવંત પાત્રો જેવાકે ભારત માતા, ભગતસિંહ, ગાંધીજી, ઝાંસી કી રાની બનીને ભૂલકાઓ આવશે, પુર્ણાહુતી સ્થાન પર આર્મીના અફસર દ્વારા પ્રથમ ભારતના રાષ્ટ્રધ્વજને ફરકાવવા આવશે અને સમૂહમા ધ્વજવંદન કરવામાં આવશે. સમૂહમાં હજારો લોકો દ્વારા રાષ્ટ્ર ગીત ગાવામાં આવશે, સ્ટેજ પર સમૂહમા લોકો દ્વારા ભારત માટે શહીદ થયેલ જુવાનોનો પુષ્પાંજલિ પાઠવવામાં આવશે, ભારત માતાનું કુમ કુમ, ફૂલ દ્વારા પૂજન કરવામાં આવશે.

યાત્રાનો રૂટ

યાત્રાનું પ્રસ્થાન સવારે ૯:૩૦ વાગ્યે અરવિંદભાઈ મણીયાર હોલ પાસેથી, ત્રિકોણ બાગ, સાંગણવા ચોક, રાજેશ્રી સિનેમા, સ્વામીનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડ, સોનીબજાર ચોક, ગરુડ ગરબી ચોક રામનાથપરા- સમાપન બપોરે ૧૨ વાગ્યે થશે. જયાં રાષ્ટ્રધ્વજનું પૂજન કરી, શહીદોને શ્રધ્ધાંજલી અર્પી, રાષ્ટ્ર ગાન રજૂ કરવામાં આવશે.

(11:43 am IST)