Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર મયુર સાવલીયા પડકાયો

માલીયાસણનો પટેલ શખ્સ સગીરાને કુવાડવા અને જૂનાગઢ લઇ જઇ બળાત્કાર ગુજાર્યો'તો : કાલ સુધી રીમાન્ડ પર

રાજકોટ, તા.ર૪ : શહેરના યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં યુનિવર્સિટી પોલીસે માલીયાસણ ગામના પટેલ શખ્સની ધરપકડ કરી હતી.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારની સગીરાને પાંચ મહિના પહેલા પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી માલીયાસણનો મયુર સાવલીયા નામનો શખ્સ ભગાડી ગયો હતો. આ બનાવ અંગે સગીરાના પરિવારજનોએ તા. ર૦ના રોજ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીઆઇ આર.એસ. ઠાકર તથા રાઇટર ગીરીરાજસિંહએ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન ગઇકાલે પીઆઇ આર.એસ. ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી. રબારી, બી.જી. ડાંગર, હેડ કોન્સ. હરેશભાઇ, હરપાલસિંહ, રાજેશભાઇ, લક્ષ્મણભાઇ, ગીરીરાજસિંહ, મહિપાલસિંહ, જેન્તીગીરી, પુષ્પરાજસિંહ, મુકેશભાઇ તથા નિર્મળસિંહ સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમીના આધારે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર મયુર કમલેશભાઇ સાવલીયા (ઉ.વ.ર૪) (રહે. માલીયાસણ ગામ પટેલવાસ)ને પકડી લીધો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા પોતાને સગીરા સાથે પાંચ મહિના પહેલા મુલાકાત થઇ હતી. બાદ કુવાડવા પાસે ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. બાદ જૂનાગઢ પણ લઇ ગયો હતો. આ અંગે પોલીસે તેના આવતીકાલ સુધી રીમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.

(11:41 am IST)