Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

યુનિવર્સિટીના પ્રો.હરેશ ઝાલા સસ્પેન્ડઃ ચેમ્બર સીલ

શિક્ષણ જગતને શર્મશાર કરતી યુનિવર્સિટીની વધુ એક કથીત કલંકીત ઘટના : છાત્રા-પ્રો.ઝાલાની ઓડીયો કલીપની સમીક્ષા કરતી સેકયુઅલ હેરેસમેન્ટ સેલઃ આકરા પગલાનો નિર્દેશ... પ્રો.હરેશ ઝાલાના પીએચડીના છાત્રોને અન્ય અધ્યાપકને ફાળવાશેઃ ઉચ્ચ શિક્ષણમાં અનેકવિધ ચર્ચા

સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો. હરેશ ઝાલાની તરફેણમાં ભવનના છાત્રોએ કુલપતિ સમક્ષ કરેલ રજૂઆત : રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો. હરેશ ઝાલાની એક ઓડીયો કલીપ વાયરલ થઈ હતી. યુનિવર્સિટીના સત્તાધીશોએ આજે પ્રો. હરેશ ઝાલાને સસ્પેન્ડ કરી દીધા છે ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાતો પડયા છે. આજે સમાજશાસ્ત્ર ભવનના વિદ્યાર્થી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં કુલપતિ પ્રો. નીતિન પેથાણી સમક્ષ રજૂઆત કરવા દોડી ગયા હતા. પ્રો. હરેશ ઝાલાને બદનામ કરવાનું કાવત્રુ હોવાની રજૂઆત કરી હતી. વિદ્યાર્થી ભાઈ-બહેનોએ કુલપતિ પ્રો. નીતિન પેથાણીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે અમો સમાજશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ વર્ષથી અભ્યાસ કરી રહ્યા છીએ. પ્રો. ઝાલા ઉપર લાગેલ આક્ષેપો તદ્દન ખોટા છે કારણ કે અમારા આટલા વર્ષના અભ્યાસક્રમના અનુભવ પરથી કહી શકીએ છીએ. પ્રો. ઝાલાએ અમોને હરહંમેશ પુરૂ માર્ગદર્શન તેમજ સંશોધન કાર્ય તેમજ ગરીબ વિદ્યાર્થીને આર્થિક રીતે મદદ કરેલ છે. પ્રો. ઝાલાના વિદ્યાર્થી ભાઈ-બહેનો અલગ અલગ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. અમને દિકરા-દિકરી તરીકે હરહંમેશ પ્રોત્સાહન આપ્યુ છે. પ્રો. ઝાલા સામે થયેલા આક્ષેપો દુઃખદ છે. પ્રો. ઝાલા પ્રમાણિક અને નિષ્ઠાવાન સમાજશાસ્ત્રમાં પ્રોફેસર તરીકે કામ કરે છે.

રાજકોટ, તા., ર૪: સતત વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વાર તેના પ્રોફેસરને કારણે ચર્ચામાં જાગી છે. સોશ્યલ મીડીયા અને અખબારોમાં એ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગરીમાને લાંછન લાગ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યાપક પ્રો.હરેશ ઝાલાએ વિદ્યાર્થીની સાથે અઘટીત માંગણી કરી હતી તેની ઓડીયો કલીપ વાયરલ થવાની ઘટનામાં યુનિવર્સિટીએ પ્રો.હરેશ ઝાલા સામે આકરા પગલા લીધા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોશ્યોલોજી વિભાગમાં ફરજ બજાવતા પ્રો.હરેશ ઝાલાએ એક વિદ્યાર્થીની સાથે પીએચડી કરાવી દેવાની અને પ્રોફેસર બનાવી દેવાની લાલચ આપી બિભત્સ માંગણી કરી હતી. આ ઘટનાને ગંભીર ગણી યુનિવર્સિટીના સતાવાળાઓએ તાકીદની અસરથી પ્રોફેસર હરેશ ઝાલાને સસ્પેન્ડ કરી તેની ઓફીસને સીલ મારી દીધું છે અને હરેશ ઝાલા પાસે પીએચડી કરતા વિદ્યાર્થીઓને અન્ય અધ્યાપકોને ફાળવી દેવામાં આવશે.

આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન્ટી વુમન સેકયુઅલ હેરેસમેન્ટ સેલની તાકીદની બેઠકમાં આ ઓડીયો કલીપની સમીક્ષા કરવામાં આવી હતી અને કમીટી તેનો રીપોર્ટ ટુંક સમયમાં યુનિવર્સિટીના સતામંડળને સોંપશે.

પ્રોફેસર હરેશ ઝાલાની ઓડીયો કલીપ વાયરલ થવાની ઘટનાથી ઉચ્ચ શિક્ષણ જગત શર્મસાર થયું છે અને કુલપતિ ડો.નિતીન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ આ ઘટનાને ગંભીરતાથી લઇ હરેશ ઝાલા સામે કડક કામગીરી હાથ ધરી છે. આ કેસમાં કોઇ ફરીયાદી ન થાય છતા તમામ પગલા ભરવા મકકમ હોવાનું જાણવા મળે છે.

રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર હરીશ ઝાલાએ એક યુવતીની સાથે અઘટિત માંગણી કરી છે. જેનો ઓડિયો હાલમાં વાયરલ થયો છે. જેમાં પીએચડી કરાવી આપવા અને પ્રોફેસર બનાવી દેવાની લાલચ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છેકે પ્રો.હરેશ ઝાલા અગાઉ દારૂ પીતા પણ ઝડપાઇ ગયા હતા.

(4:26 pm IST)