Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

રાજકોટ-ભાવનગર હાઇવે પર એસટી બસના કંડકટર પર કારમાં આવેલા બે શખ્સનો હુમલો

ફરજમાં રૂકાવટઃ કારને પાછળથી ક્રેઇનના ચાલકે ટક્કર મારતાં કાર બસ સાથે અથડાયા બાદ વિડીયો ઉતારવા મામલે ધમાલઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૩: રાજકોટ-ભાવનગર હાઇવે પર આર. કે. યુનિવર્સિટી નજીક એક કારને પાછળથી ક્રેઇનના ચાલકે ઠોકરે લેતાં એ પછી એ કાર એસટી બસ સાથે અથડાતાં  બસના કંડકટરે કારના ચાલકને 'અમારો વાંક નથી, ક્રેઇનવાળાએ પાછળથી ટક્કર મારી છે' તેમ કહી એસટી બસ અને કારનું વિડીયો શુટીંગ કરતાં કારચાલક અને સાથેના શખ્સે કંડકટરની ફરજમાં રૂકાવટ કરી ગાળો દઇ માર મારતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે આજીડેમ પોલીસે માળીયા હાટીના તાબેના સમઢીયાળા ગામે રહેતાં અને માંગરોળ એસટી ડેપોમાં ફરજ બજાવતાં અને હાલ જસદણ ફરજમાં મુકાયેલા કંડકટર પ્રકાશ જગુભાઇ ભાદરકા (ઘેડીયા કોળી) (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી સાન્ટ્રો કાર નં. જીજે૧૧એબી-૯૫૯૮ના ચાલક અને તેની સાથેના શખ્સ વિરૂધ્ધ આઇપીસી ૩૩૨,૩૨૩,૫૦૪,૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. પ્રકાશ ભાદરકાએ ફરિયાદમાં જણાવ્યું છે કે રવિવારે હું તથા એસટી બસના ડ્રાઇવર વિરસિંગભાઇ મોહનભાઇ પરમાર બસ નં. જીજે૧૮ઝેડ-૦૭૮૧ લઇને રાજકોટ ડેપોથી જસદણ જવા નીકળ્યા હતાં. અમારી બસ સાંજે સાડા પાંચેક વાગ્યે રાજકોટ-ભાવનગર હાઇવે પર આર. કે. યુનિવર્સિટી નજીક આવેલા સીએનજી પંપ પાસે પહોંચી ત્યારે સામેથી એક સાન્ટ્રો કાર ડિવાઇડરમાંથી વળાંક લઇ પંપ તરફ જતી હતી તે કારને એક ક્રેઇનવાળાએ પાછળથી ઠોકરે લેતાં આ કાર અમારી બસ સાથે થોડી અથડાઇ હતી. જેથી અમે બસ ઉભી રાખી દીધી હતી.

હું તથા ડ્રાઇવર નીચે ઉતર્યા હતાં અને કારના નંબર જોતાં જીજે૧૧એબી-૯૫૯૮ જોવા મળ્યા હતાં. તેના ચાલકને અમે કહેલું કે અમારો વાંક નથી. ક્રેઇનવાળાએ અકસ્માત કર્યો છે. આ વાત કરતી વખતે મેં બસ અને કારનો વિડીયો ઉતારવાનું ચાલુ કરતાં કારનો ચાલ ઉશ્કેરાઇ ગયેલ અને તેની સાથે બીજો એક શખ્સ હતો તે પણ ગુસ્સે થયો હતો અને ગાળાગાળી કરી મને બંનેએ ઢીકા-પાટુનો માર માર્યો હતો. તેમજ વિડીયો શું કામ ઉતાર્યો? તેમ કહી વધુ માર મારી ફરજમાં રૂકાવટ કરી હતી. એ પછી મને બધાએ છોડાવ્યો હતો. મારને કારણે દુઃખાવો થતો હોઇ ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આજીડેમના એએસઆઇ વી. બી. સુખાનંદીએ પ્રકાશ ભાદરકાની ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(11:51 am IST)