Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

મ.ન.પા.નું તંત્ર સુધારો તો સ્વચ્છતામાં અગ્રતા ક્રમ મળેઃ ટીપરવાનની હાલત કચરા જેવી : ભાનુબેનનો ટોણો

સોલીડ વેસ્ટમાં સ્ટાફનો અભાવ : સફાઇ થતી નથી : ફરિયાદો ઉકેલાતી નથી : વિપક્ષી નેતાનો આક્રોશ

રાજકોટ,તા.૨૩:  મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ એક નિવેદનમાં આક્ષેપો કરતા જણાવ્યું છે કે હાલ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ – ૨૦૨૧ ના પરિણામો જાહેર કરવામાં આવેલ છે ત્યારે સમગ્ર રાજકોટ શહેરમાં સ્વચ્છતા અંગે વ્યાપક પ્રમાણમાં ફરિયાદો નિકાલ કરવામાં મનપાનું તંત્ર કયાંક ને કયાંક ઉણું ઉતર્યું છે તેમજ મનપાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ માટેના જે માકર્સ મેળવવા માટે જે રોજીંદી કામગીરીમાં પણ ઠાગાઠૈયા જોવા મળી રહ્યા છે સાથે સાથે કયાંક સ્ટાફ નો અભાવ, નબળું મેનેજમેન્ટ સહિતના પરિબળો ક્રમ પાછળ ધકેલવાના મુખ્ય પરિબળો કહી શકાય,

ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકા પાસે પૂરતા પ્રમાણમાં મેનપાવર નથી, મશીનરી નથી અને મેનેજમેન્ટ નથી તેમજ દર વર્ષે બજેટમાં નાણાકીય જોગવાઈ હોવા છતાં પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાધનો, વાહન અને મશીનરીની ખરીદી થઇ શકતી નથી કારણકે આ શાખામાં પર્યાવરણ ઈજનેરની જગ્યા ઇન્ચાર્જથી ભરવામાં આવેલ છે અને નીચેના સ્ટાફ પાસે પુરતી સત્ત્।ા ન હોવાથી સત્ત્।ાનું કેન્દ્રીકરણ કરવામાં કયાંક આ નુકશાન રાજકોટ મહાનગરપાલિકાના તંત્રને અને સમગ્ર રાજકોટ શહેરના નગરજનોને સફાઈ બાબતમાં હાલાકી ભોગવવી પડી રહી છે.

જયારે શહેરમાં ડોર ટુ ડોર કચરો કલેકટ કરતી ટિપર વાન જયારે ચાલુ રૂટ દરમ્યાન ખરાબ થાય ત્યારે એક કે બે ગાડી સ્પેરમાં જ મળે છે ત્યારે બાકીની ગાડી ખરાબ થાય ત્યારે જયાં સુધી ટિપરવાન રીપેરીંગ થઇ ને ન આવે ત્યાં સુધી વિસ્તારવાસીઓને કચરો ઘરમાં રાખવો પડે છે.

સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે કાર્યક્રમો કરવામાં આવે છે તે કાર્યક્રમો સારા વિસ્તારમાં કરવામાં આવે છે ખરેખર તો આ કાર્યક્રમો સ્લમ વિસ્તારમાં કરવા અને જે સ્થળે ન્યુસન્સ પોઈન્ટ હોય ત્યા કરવા જોઈએ જેથી લોકો જાગૃત થાય અને સ્વચ્છતા બાબતમાં નવી વિચારધારા આવે અને સુધારા લક્ષી પગલા પ્રજજનો દ્વારા જ લેવામાં આવે.

જેસીબી જે સ્પેરમાં પડ્યા છે તે તમામ જેસીબી બંધ હાલતમાં પડ્યા છે જેનું રીપેરીંગ કરવામાં આવતું નથી તેમજ લાખો અને કરોડો રૂપિયાનો માલ સ્ટોર - વેરહાઉસમાં પડ્યો પડ્યો સળી રહ્યો છે જેને કોંગ્રેસે અનેકવખત ઉજાગર કર્યો છે. કચરો એકઠો કર્યા બાદ તેનું વર્ગીકરણ થતું નથી અને નાકરવાડી પ્લાન્ટ ખાતે કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનું પણ કયાક ભુલાઈ ગયું છે અને કામ અભેરાઈએ મુકયું છે.

લોકોને સ્વચ્છતા બાબતે રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા માહિતગાર કરવામાં આવતા નથી અને જાણકારી આપવામાં આવતી નથી તેમજ લોકો દ્વારા સફાઈ બાબતની ફરિયાદ નોંધાવ્યા બાદ ૨૪ કે ૪૮ કે ૭૨ કલાકમાં તો દુર છેક એક એક માસ સુધી સફાઈ નથી થયાની ફરિયાદો મળી છે ત્યારે મનપાનું સોલીડ વેસ્ટ વિભાગ શું કામગીરી કરે છે ? તેની માહિતી અને જાણકારી પ્રજા સમક્ષ જાહેર કરવી જોઈએ.

રાજકોટ શહેરમાં સ્વચ્છતા બાબતે મનપાના તંત્રએ કોઈપણ જાતનો નવીન અભિગમ અને નવી કાર્ય પદ્ઘતિ લાવી શકયા નથી તેમજ કોઈ જ સ્થળે સંતોષકારક સફાઈ કાર્ય થયું હોવાની નગરજનોને હૈયાધરો થતો નથી આથી આ તમામ કારણોને હિસાબે સ્વચ્છતા રેટિંગમાં રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર પાછળ ફેંકાયું છે તેવો આક્ષેપ અંતમાં શ્રીમતી ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે.

(3:29 pm IST)