Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

મારો હિસાબ પતે નહિ ત્યાં સુધી તારે બીજે કામે જવાનું નથી...કરણને જયદેવે પાઇપથી ફટકાર્યો

દિવાળી પહેલા કરણે કામ મુકી દીધુ હતું: જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની પણ ફરિયાદઃ મવડી જુના વણકરવાસના યુવાનની શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં કારખાનેદાર વિરૂધ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૩: મવડી ગામ જુના વણકરવાસ-૩માં રહેતાં કરણ રમેશભાઇ સાગઠીયા (ઉ.૧૯) નામના યુવાને અગાઉ પોતે બારોટ યુવાનના કારખાને કામ કરતો હોઇ તે કામ છોડી બીજુ કામ શોધવા ૪૦ના રોડે એક ડેલામાં ગયો ત્યારે બારોટ યુવાને પાછળ આવી-મારો હિસાબ પતે નહિ ત્યાં સુધી મારે ત્યાં જ કામ કરવું પડશે કહી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી પાઇપથી માર મારતાં કરણ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.

આ બનાવમાં હોસ્પિટલના બિછાને પહોંચેલા કરણની ફરિયાદ પરથી તાલુકા પોલીસે મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટીમાં રહતાં જયદેવ બારોટ સામે આઇપીસી ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૩૫ અને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

કરણે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે હું છુટક મજૂરી કરુ છું. દિવાળી પહેલા એકાદ મહિના અગાઉ મેં બાલાજી હોલપાર્થ વિદ્યાલય પાસળ આવેલા જયદેવ બારોટના કારખાનામાં કામ કર્યુ હતું. હાલ હું તેને ત્યાં કામે જતો નથી અને બીજુ કામ શોધી રહ્યો છું. સોમવારે સાંજે સાડા સાતેક વાગ્યે હું ૪૦ ફુટ રોડ પર ગણેશ નામના ડેલા પાસે મજૂરીની શોધમાં ગયો હતો અને ડેલાની અંદર જગાભાઇ સાથે વાતચીત કરતો હતો ત્યારે જયદેવ બારોટ આવ્યો હતો અને ગાળો દઇ-તારે મને હિસાબના ૭૦૦૦ આપવાના છે તેમ કહી હિસાબ ચુકતે ન થાય ત્યાં સુધી બીજે કયાંય નહિ, મારા કારખાને જ કામ કરવું પડશે તેમ જણાવી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં શબ્દો કહી ત્યાં લોખંડનો પાઇ પડ્યો હોઇ તે ઉઠાવી હુમલો કરી મને માથા, વાંસા અને હાથ પર ઘા ફટકારતાં ઇજાઓ થઇ હતી.

હું દેકારો કરવા માંડતાં જગાભાઇ વચ્ચે પડ્યા હતાં અને મને બચાવ્યો હતો. એ પછી ૧૦૮ મારફત હોસ્પિટલે પહોંચ્યો હતો. પીએસઆઇ ડી. વી. ખાંભલાએ એફઆઇઆર દાખલ કરાવતાં એસીપી એસસીએસટી સેલ દ્વારા વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

(4:26 pm IST)