Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

રેસકોર્ષના રાષ્ટ્રીય કક્ષાના ફુટબોલ ગ્રાઉન્ડમાં ખેલાડીઓ માટે ડ્રેસીંગ રૂમ - ટોયલેટની સુવિધા જરૂરી

મ.ન.પા.ના આ ગ્રાઉન્ડમાં પ્રાથમિક સુવિધાઓ જ ન હોવાથી ભારે મુશ્કેલી : ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત

રાજકોટ તા. ૨૩ : ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ દ્વારા મ્યુનિ. કમિશનરશ્રીને લેખિત રજુઆતમાં રાજકોટના રમતવીરો માટે વધુ સારી સુવિધા હોકી તથા ફૂટબોલ ગ્રાઉન્ડ માટે ઉભી કરવા જણાવેલ છે ડેપ્યુટી મેયરે એ રજુઆતમાં જણાવેલ છે કે રાજકોટ મહાનગરપાલિકા હસ્તક રેસકોર્સ ખાતે ફૂટબોલ તથા હોકી ગ્રાઉન્ડ આવેલ છે આ બંને ગ્રાઉન્ડનો રાજકોટના રમતપ્રેમીઓ ઘણો ઉપયોગ કરે છે તેમજ આ બને ગ્રાઉન્ડ નેશનલ લેવલના ગ્રાઉન્ડ છે પરંતુ અહી ખેલાડીઓ માટે ડ્રેસિંગ રૂમ, ચેન્જિંગ રૂમ તેમજ ટોઇલેટની વ્યવસ્થા નથી.હાલ ટોયલેટ માટે આ ગ્રાઉન્ડના ખેલાડીઓ ઇન્ડોર સ્ટેડીયમનો ઉપયોગ કરે છે. તેમજ અહી અપૂરતી સુવિધાના પરિણામે નેશનલ લેવલના મેચો રમાડી શકાતા નથી. આ બંને ગ્રાઉન્ડની વચ્ચે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની ખાલી જગ્યા હાલ છે જે જગ્યા ધણી મોટી છે જે ધ્યાને આ બંને ગ્રાઉન્ડમાં રમાનાર મેચો વખતે પ્રેક્ષકો માટે વ્યુઈંગ ગેલેરી બની શકે તેવું છે તેમજ બનાવવી જરૂરી છે. પ્રેક્ષકોને જોવાની વ્યવસ્થા થતા હોકી તથા ફૂટબોલના મેચો દરમિયાન ખેલાડીઓને પણ પ્રોત્સાહન મળી રહેશે તેમજ રમતપ્રેમી નગરજનોને આ મેચો જોવાની સારી વ્યવસ્થા મળી શકશે.

વધુમાં ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહે જણાવેલ કે રાજકોટએ દિન પ્રતિદિન વિકસતું શહેર છે તેમજ ફૂટબોલ તથા હોકી ક્ષેત્રે રમતવીરોને વધુને વધુ પ્રોત્સાહન મળે તેમજ નેશનલ લેવલે રાજકોટના ખેલાડીઓ પણ રાજકોટનું નામ રોશન કરે જે માટે વધુ સારી સુવિધા ઉભી કરવી જરૂરી છે અને નેશનલ લેવલના મેચો પણ આ ગ્રાઉન્ડમાં રમાય જે ધ્યાને લઇ હોકી ગ્રાઉન્ડ તથા ફૂટબોલ ગ્રાઉન્ડની વચ્ચે રહેલી જગ્યામાં વ્યુઈંગ ગેલેરી તેમજ નીચે ચેન્જિંગ રૂમ, ડ્રેસિંગ રૂમ તેમજ ટોઇલેટની વ્યવસ્થા સત્વરે ઉભી કરવા રજુઆતમાં જણાવેલ છે.

(2:34 pm IST)