Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

રૂ. એક લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને છ માસની સજા ફરમાવતી કોર્ટ

રકમ ન ચુકવે તો વધુ સજાનો કોર્ટે હુકમ કર્યો

રાજકોટ, તા. ર૩ :  રૂ. ૧ લાખના ચેક રિટર્ન કેસોમાં અદાલતે મિત્ર આરોપીને છ માસની સજા ફરમાવી હતી.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના પેડક રોડ ઉપર આવેલ બ્રાહ્મણીયાપરામાં રહેતા દિપકભાઇ આંબાભાઇ ભંડેરીએ મિત્રતા અને ઓળખાણનો સંબંધ ધરાવતા ભાર્ગવ રમેશચંદ્ર દવે ઓફીસ નં. એ-૧૧ર, પંચનાથ કોમર્શીયલ સેન્ટર, હરીહર ચોક, રાજકોટ વાળાને ઉછીના પેટે રોકડા રૂ. ૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ પુરા મદદ માટે આપેલા હતા જે રકમ પરત આપવા બાબતે ભાર્ગવ રમેશચંદ્ર દવેએ તેમના ખાતા વાળી શામરાવ વિઠ્ઠલ કો-ઓ બેંક લી. નિર્મલા રોડ બ્રાંચ, રાજકોટનો ચેક આપેલો હતો. જે ચેક રિટર્ન થતા ફરીયાદીએ તેમના વકીલ મારફત રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલી હતી.

આ કેસ ચાલી જતા રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટના જજ આર. બી. ગઢવી ની કોર્ટે આરોપી ભાર્ગવ રમેશચંદ્ર દવે ને ધી નેગોશીયેબલ ઇન્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ તકસીરવાન ઠરાવી સજાનો હુકમ કરેલ છે. જેમાં આરોપી ભાર્ગવ રમેશચંદ્ર દવેને ૬ (છ) મહિનાની સાદી કેદની સજા તેમજ ચેક મુજબની રકમ ત્રણ મહિનામાં ફરીયાદીને ચુકવી આપવી અને જો ત્રણ મહિનામાં રકમ ન ચુકવે તો વધુ ૧૦ મહિનાની સજાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે રાજકોટના વકીલ અતુલ સી. ફળદુ રોકાયેલા હતા.

(2:32 pm IST)