Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ચાર ઓવરબ્રીજના ટેન્ડરોની મુદ્દત અઠવાડિયુ વધારાઇ

કેકેવી ચોક ડબલ ફલાય ઓવર, રામાપીર ચોકડી, જડુસ ચોકડી અને નાનામૌવા ચોકડીના બ્રિજના ટેન્ડરો ૨૦ને બદલે ૨૭મી સુધી સ્વીકારાશે

રાજકોટ તા. ૨૩ : શહેરમાં મ્યુ. કોર્પોરેશન દ્વારા નિર્માણ થનારા ૪ ઓવરબ્રીજના ટેન્ડરોની મુદ્દત વધારવા નિર્ણય લેવાયો છે. અગાઉ આ ચાર બ્રીજ ૨૦મી સુધી જ સ્વીકારવાના હતા પરંતુ હવે તહેવારોની રજાને કારણે ૨૭મી સુધી ટેન્ડરો સ્વીકારવા તંત્રએ નિર્ણય લીધાનું જાણવા મળ્યું છે.

આ અંગેની વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સરળ પરિવહન માટે અને ટ્રાફિક સમસ્યાના ક્રમશઃ ઉકેલ લાવવાના આયોજન હેઠળ વિવિધ સ્થળે કુલ ચાર ઓવરબ્રિજ બનાવવા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે ચાર સ્થળે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે તેમાં કાલાવડ રોડ પર કેકેવી ચોક અને જડુસ ચોક, ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાના મવા ચોક, રામદેવપીર ચોકનો સમાવેશ થાય છે.

જેમાં કાલાવડ રોડ પર કેકેવી ચોક ખાતે અંદાજે રૂ. ૯૭,૮૪,૪૩,૫૯૫ના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે. બ્રિજની લંબાઈ ૧૧૫૨.૬૭ રનિંગ મિટર છે. કાલાવડ ગામ તરફ બ્રિજની લંબાઈ ૧૧૮.૭૩ મિટર અને કોટેચા ચોક તરફ ૧૨૪.૯૪ મિટર છે. કાલાવડ રોડ પર આવેલ મહાનગરપાલિકાના સ્વિમિંગ પૂલથી શરૂ થઇ કોટેચા સર્કલ નજીક ડોમિનોઝ પાસે બ્રિજ પૂર્ણ થશે. જયારે કાલાવડ રોડ પર જ જડુસ ચોક ખાતે અંદાજે રૂ. ૧૯,૭૭,૪૩,૫૨૪ ના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે. બ્રિજની લંબાઈ ૩૭૦.૩૯ રનિંગ મિટર છે. કાલાવડ ગામ તરફ બ્રિજની લંબાઈ ૧૦૨.૭૬ મિટર અને કેકેવી હોલ તરફ ૯૨.૬૩ મિટર છે. આ બ્રિજ મોટા મવાથી શરૂ થઇ એ.જી. ચોક પાસે બ્રિજ પૂર્ણ થશે.

૧૫૦ રિંગ રોડ પર નાના મવા ચોક ખાતે અંદાજે રૂ. ૩૦,૪૦,૨૬,૭૯૭ ના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે. બ્રિજની લંબાઈ ૬૩૦ રનિંગ મિટર છે. બાલાજી હોલ તરફ બ્રિજની લંબાઈ ૧૬૭.૫૦ મિટર અને મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન ઓફિસ તરફ ૧૯૭.૫૦ મિટર છે. ટ્વીન સ્ટાર બિલ્ડિંગથી શરૂ થઇ રિલાયન્સ મોલ નજીક બ્રિજ પૂર્ણ થશે.

૧૫૦ રિંગ રોડ પર રામદેવપીર ચોક ખાતે અંદાજે રૂ. ૨૮,૬૩,૩૧,૮૨૭ ના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે. બ્રિજની લંબાઈ ૬૩૦ રનિંગ મિટર છે. શીતલ પાર્ક તરફ બ્રિજની લંબાઈ ૧૭૭.૫૦ મિટર અને નાણાવટી ચોક તરફ પણ ૧૭૭.૫૦ મિટર છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનથી શરૂ થઇ વિઝન ૨૦-૨૦ બિલ્ડિંગ નજીક બ્રિજ પૂર્ણ થશે.

(3:35 pm IST)