Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

પોપટપરામાં પત્નિનું ગળુ દબાવીને હત્યા કરવા અંગે પકડાયેલ પતિને શંકાનો લાભ આપતી કોર્ટ

રાજકોટ તા ૨૨  : અહીંના પોપટપરા વિસ્તારમાં પત્નિનું ગળુ દબાવીને હત્યા કરવા અંગે પકડાયેલા પતિ સામેનો કેસ ચાલી જતાં અદાલતે આરોપી પતિને શંકાનો લાભ આપીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

અત્રેના બનાવની વિગત એવી છે કે, આરોપીએ આ કામના ફરિયાદીના બહેન અને આરોપીના પત્નિ ગુજરનાર ભાવનાબેનને આરોપીએ ઘરકંકાસના કારણે તારીખ ૨૨/૧૦/૨૦૧૬ ના કલાક ૩.૪૫ પહેલાના સમયે પોપટપરા પ/૧૪ કોર્નર રાજકોટ ખાતે રાત્રિના સુતા હતા ત્યારે આરોપીએ તેના હાથે ગળુ દબાવી મોત નિપજાવેલ હતું આરોપી પોતે પોલીસ સ્ટેશનમાં જઇ હાજર થઇ ગયેલ અને સમગ્ર ગુન્હા અંગેની પોલીસને કબુલાત આપેલ. જે કબુલાતના આધારે પોલીસે સ્થળ પર પર તપાસ કરી અને કાર્યવાહી ચાલુ કરેલ.

ઉપરોકત ગુન્હાની જાણ પોલીસે ગુજરનાર ભાવનાબેનના ભાઇ શૈલેષભાઇ જાખલીયાએ રાજકોટના પ્ર.નગર પો.સ્ટે.માં આરોપી સુનિલ હરસુખભાઇ પરમાર વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૩૦૨ મુજબની ફરિયાદ આપેલ અને આરોપીને અટક કરી કોર્ટમાં રજુ કરી આરોપીને જેલહવાલે કરવામાં આવેલ. પોલીસ તપાસ પૂર્ણ થતાં આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ ફાઇલ થયેલ.

ઉપરોકત કેસ રાજકોટના એ.ડી. સેશન્સ જજશ્રી એચ.એમ.પવારની કોર્ટમાં ચાલેલ તેમાં આરોપી તરફે એવો બચાવ લેવામાં આવેલ કે, આરોપીની હાજરી બનાવ સ્થળે સાબીત થતી નથી તથા આરોપીને ખુબ રહેણાંક વિસ્તાર હોવા છતાં આવતા જતાં કોઇ સાહેદોએ જોયેલ નથી, તેમજ આરોપીના મકાન માલીક પણ આરોપીને મકાનમાં આવતા જતા જોયેલ નથી અને રાત્રિનો સમય હોય શાંત વાતાવરણમાં ગુજરનારનું ગળુ દબાવવામાં આવેલ હોય તો ગુજરનારે પોતાના બચાવ અર્થે કોઇ રાડારાડી કરેલ હોય તેવો અવાજ પણ આજુબાજુના પાડોશીઓએ સાભળેલ નથી.

સરકાર તરફે ઉપરોકત કેસમાં ગુજરનારે, આરોપી વિરૂધ્ધ ગુજરી ગયાના થોડા દિવસ અગાઉ રાજકોટ મહિલા પો.સ્ટે. માં અરજી આપેલ, જે અરજી ઘણી ભુલ ભરેલી અને શંકા ઉપજાવનારી હતી. આમ સરકાર તરફે સાંયોગિક પુરાવાના કેસમાં રજુ થયેલા તમામ સાક્ષીઓની કડી હાલના કેસમાં સરકાર પક્ષ પુરવાર કરી શકેલ નથી. આમ આરોપી તરફે તથા સરકાર તરફે બન્ને પક્ષો તરફથી દલીલો, રજુઆતો અલગ અલગ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ કરવામાં આવેલ. જેમાં બચાવપક્ષે રજુ કરવામાં આવેલ ચુકાદાઓ, લેખિત દલીલ તથા સાક્ષીઓની કોર્ટમાં થયેલ ઉલટતપાસના આધારે સરકાર પક્ષ પોતાનો કેસ સાંયોગિક પુરાવાના સિધ્ધાંતો મુજબ કેસ સાબિત કરી શકેલ ન હોય તેથી રાજકોટના એડી. સેશન્સ જજશ્રી એચ.એમ. પવારે આરોપી સુનિલ હરસુખભાઇ પરમારને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનોહુકમ કરેલ છે.

ઉપરોકત કામમાં આરોપીના એડવોકેટ વતી રાજકોટના જાણીતા યુવાન ધારાશાસ્ત્રી સંજયભાઇ એમ. ડાંગર, વિજયભાઇ ધમ્મર, સાગરભાઇ મેતા, ચિરાગભાઇ મેતા, રાહુલ મુસડીયા, અજયભાઇ ઝાપડીયા રોકાયેલા હતા.

(3:42 pm IST)