Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

વિશ્વ માલધારી દિન નિમિતે મંગળવારે બાઇક રેલી

માલધારી સમાજ પરંપરાગત પોષાકમાં જોડાશે : રાણીમા રૂડીમા મંદિરેથી પ્રસ્થાન : મચ્છુમાના મંદિરે સમાપન

રાજકોટ તા. ૨૩ : વિશ્વભરમાં વસતા માલધારી સમાજ દ્વારા ૨૬ નવેમ્બરે વિશ્વ માલધારી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા માલધારી સમાજના આગેવાનોએ જણાવેલ કે ૨૬ નવેમ્બરે ડો. વર્ગીશ કુરીયને દુધનું મહત્વ સમજાવવા તેનું આર્થિકીકરણ કરી શ્વેત ક્રાંતિ સર્જી હતી. આ દિવસે ડો. કુરીયનનો જન્મ દિવસ પણ મનાવવામાં આવે અને માલધારી દિવસ તરીકે પણ ઉજવણી થાય છે.

ત્યારે રાજકોટમાં માલધારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ બાઇક રેલીનું આયોજન ઘડી કાઢવામાં આવેલ છે. તા. ૨૬ ના બપોરે આ રેલીને રાણીમા રૂડીમા ઠાકર મંદિર, બેડીનાકા ખાતેથી પ્રસ્થાન કરાવાશે. મુખ્ય વિસ્તારોમાં ફરીને મચ્છુ માતાજીના મંદિર, દિવાનપરા ખાતે સાંજે ૬ વાગ્યે સમાપન થશે.

આ બાઇક રેલીમાં ૭૦૦ જેટલા ટુવ્હીલર પર માલધારી સમાજના યુવાનો પરંપરાગત પોષાક ચોરણી, બંડી, કેડીયુ, માથે આંટીયાળી પાઘડી ધારણ કરીને જોડાશે.

સતત ત્રીજા વર્ષે આયોજીત આ રેલી નિયત રૂટ રાણીમા રૂડીમા મંદિરથી હોસ્પિટલ ચોક, રેસકોર્ષ રીંગ રોડ, એરપોર્ટ ફાટક, રૈયા રોડ, રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ, કે. કે. વી. સર્કલ, કોટેચા ચોક, મહિલા કોલેજ અન્ડરબ્રીજ, એસ્ટ્રોન ચોક, ડો. યાજ્ઞિક રોડ, ત્રિકોણબાગ થઇ દિવાનપરામાં આવેલ શ્રી મચ્છુ માતાજીના મંદિરે સમાપન પામશે.

રેલીમાં જોડાનાર માલધારી યુવાનોએ ટ્રાફીકના નિયમોનું પાલન કરી શિસ્તબધ્ધ રીતે પોતાનું વાહન ચલાવવા માલધારી સમાજ એકતા સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ભીખાભાઇ પસારીયા, રઘુભાઇ  ધોળકીયા, રાજુભાઇ જુંજા (મો.૯૮૯૮૧ ૦૨૪૭૨), ગેલાભાઇ સભાડ, જીતુભાઇ કાટોડીયા, રણજીતભાઇ મુંધવા (મો.૯૩૭૪૧ ૨૪૩૩૫), કિશનભાઇ રાયકા (કોપી રાયકા), કાનભાઇ ચૌહાણ, મુકેશભાઇ મુંધવા, રામભાઇ ખીંટ, રાજનભાઇ સિંધવ, નારણભાઇ સાનીયા, ભરતભાઇ મકવાણા, રમેશભાઇ રાતડીયા, ગોપાલભાઇ ગોલતર, ભરતભાઇ ધોળકીયા, હનુભાઇ ધોળકીયા, લાખાભાઇ સાટીયા, લખુભાઇ મુંધવા, પોપટભાઇ ટોળીયા વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:41 pm IST)