Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

સરદારધામ દ્વારા રાજકોટમાં પાટીદાર સમાજ માટે GPSC/UPSC સિવિલ સર્વિસ તાલીમ કેન્દ્રનો સોમવારથી પ્રારંભ

રાજકોટ તા. ૨૩ : સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અંતર્ગત પ્રમોશ્નલ કાર્યક્રમ રપ એવમ GPSC/UPSC સિવિલ સર્વિસ તાલીમ કેન્દ્રનો રાજકોટમાં શુભારંભ કરવામાં આવી રહ્યો છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા પાટીદાર સમાજના આગેવાનોએ જણાવેલ કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તરફ આગળ વધવા સમસ્ત પાટીદાર સમાજની એકતાનું ધામ એવા 'સરદારધામ' દ્વારા પાટીદાર સમાજના યુવાઓને એક તાંતણે જોડી વિવિધ સમાજોત્થાનની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેના ભાગરૂપે મિશન ૨૦૨૬ અંતર્ગત ૨૦૨૦ દરમિયાન હોસ્ટેલ પ્રોજેકટ જીપીએસસી અને યુપીએસસી સિવિલ સર્વિસ કેન્દ્ર, ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન યુવા તેજ તેજસ્વીની સંગઠન માટે પ્રવૃત્તિઓ હાથ ધરાઇ છે.

સૌરાષ્ટ્રમાં વસતા સમસ્ત પાટીદાર સમાજના દરેક જ્ઞાતિજન સુધી સરદારધામના વિચારો અને અખંડ ભારતના શિલ્પી એવા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલના આદર્શો થકી જ્ઞાતિની આવનારી પેઢીના ઉત્થાનનું કાર્ય પુરજોશથી ચાલી રહ્યુ છે.

ત્યારે આગામી તા. ૨૫ ના સોમવારે સૌરાષ્ટ્રના હાર્દ સમા રાજકોટમાં GPSC/UPSC સિવિલ સર્વિસ તાલીમ કેન્દ્રનો મંગલ પ્રારંભ થવા જઇ રહ્યો છે.

હેમુગઢવી હોલ, ટાગોર રોડ ખાતે તા. ૨૫ ના સોમવારે સાંજે ૭.૩૦ થી ૮.૩૦ ભોજન અને રાત્રે ૮.૩૦ કલાકે મુખ્ય કાર્યક્રમ શરૂ કરાશે.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બાલાજી વેફર્સ ગ્રુપના ચંદુભાઇ વિરાણી, ઉદ્દઘાટક તરીકે બાન લેબના મૌલેશભાઇ ઉકાણી ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું દિપપ્રાગટય કન્યા કેળવણીકાર શીવલાલભાઇ વેકરીયા, એ.પી. કન્યા છાત્રાલયના મંત્રી ગોવિંદભાઇ ખુંટ, ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, અગ્રણી સમાજ સેવક નાથાભાઇ કાલરિયા, ખોડલધામ ટ્રસ્ટી વલ્લભભાઇ સતાણી, પટેલ બોર્ડીંગ રાજકોટવાળા શામજીભાઇ ખુંટના હસ્તે કરાશે.

મુખ્ય મહેમાન તરીકે મેટોડા જીઆઇડીસી પ્રમુખ ગોપાલ નમકીનવાળા બીપીનભાઇ હદવાણી, એન્જી. એસો.ના પ્રમુખ પરેશભાઇ વસાણી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી. પી. વૈષ્ણવ, ખોડલધામ ટ્રસ્ટી શૈલેષભાઇ હિરપરા, એસ્ટ્રોન ફાઉન્ડેશનવાળા મુકેશભાઇ વસાણી, વરમોરા ગ્રુપ મોરબીવાળા રમણભાઇ વરમોરા, સીદસર મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, ઉદ્યોગપતિ પ્રવિણભાઇ જસાણી, ડેકોરા પ્રિન્ટવાળા જગજીવનભાઇ સખિયા, શાપર વેરાવળ ઇન્ડ. એસો.ના ઉપપ્રમુખ અમૃતભાઇ ગઢીયા, હડમતાળા ઇન્ડ. એસો.ના પ્રમુખ શૈલેષભાઇ પીપળીયા, દાવત બેવરેજીસવાળા ચંદુભાઇ ખાનપરા ઉપસ્થિત રહેશે. સરદારધામના પ્રમુખ ગગજીભાઇ સુતરીયા ઉપસ્થિત રહેશે.

અહીં યુવાનોને સાચી દિશા બતાવવા સરકારમાં સેવા આપતા સેવા નિવૃત્ત અધિકારીઓ અને કોર્પોરેટ જગતના એકઝીકયુટીવ લેવલના અગ્રણીઓ દ્વારા માર્ગદર્શન અપાશે. ઔદ્યોગીક ક્ષેત્રે આગળ વધવા માંગતી યુવા પેઢીને માર્ગદર્શન માટે ફોરમની રચના કરાશે.

સરદારધામ પ્રથમ તબકકામાં ર૦૦૦ દીકરા-દીકરીઓ માટે સગવડતા યુકત છાત્રાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રયાસો ચાલી રહ્યા છે.

તસ્વીરમાં સમગ્ર પ્રકલ્પની 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા મંથનભાઇ દઢાણીયા (મો.૯૬૮૭૬ ૯૬૯૦૯), સુભાષભાઇ ડોબરીયા, હિરેનભાઇ સાપોવડીયા, યતીનભાઇ રોકડ, વિજય સાંગાણી, આશિષ સિદપરા, મેહુલભાઇ અજુડીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:41 pm IST)