Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ગાયના વિકાસ-સંરક્ષણ માટે ઇસ્કોન આગળ આવે : ડો. કથીરીયા

રાજકોટ : રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથિરીયાને ઓલ ઇન્ડિયા ઇસ્કોનના સંચાલકોની અમદાવાદ ખાતે મળેલ રાષ્ટ્રીય મીટીંગમાં ખાસ આમંત્રિત કરાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ભારતભરના આંતરરાષ્ટ્રીય ઇસ્કોન કેન્દ્રો, મંદિરોના અધ્યક્ષો, નિર્દેશકો, આચાર્યશ્રીઓ, ભકતોને સંબોધતા ડો. કથિરીયાએ જણાવેલ કે ગાયના વિકાસ, સંરક્ષણ માટે ઇસ્કોનનો સહયોગ આવશ્યક છે. ભારતની દેશી કુળની ગાય દ્વારા પ્રાપ્ત થતાં આરોગ્ય, આધ્યાત્મિક, આર્થિક, પર્યાવરણ, કૃષિ, ઉર્જા સહિતનાં અનેક ક્ષેત્રોના લાભો અંગે ઇસ્કોનના માધ્યમથી વિશ્વભરને માહીતી મળી શકે અને સૌ જાગૃત બને તો સોનામાં સુગંધ ભળી જાય. ઇસ્કોન ઇન્ટરનેશન દ્વારા ચાલતી ગૌશાળાઓમાં પણ ગૌ ટુરીજમ ડેવલપ થાય તેવી અપેક્ષા ડો. કથિરિયાએ વ્યકત કરી હતી. ગાય આધારીત ઉદ્યોગો સ્થપાય તો ઋષિ-કૃષિ સંસ્કૃતિનું પુનઃસ્થાપન થાય અને ગૌ આધારીત પ્રાકૃતિક ખેતીનાં માધ્યમથી ખેડુતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીનું સ્વપ્ન પણ સાકાર થાય તેમ અંતમાં ડો. કથિરીયાએ જણાવેલ. આ પ્રસંગે દેશ વિદેશમાં કાર્યરત ઇસ્કોનના સહદેવદાસજી, દેવકી નંદનદાસજી, ડો. સુરદાસજી, ડો. માધવનંદનદાસજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:33 pm IST)