Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

પ્રેમ પ્રકરણ નડ્યું:પોપટપરાના અજયને પાઇપથી ફટકારી ટ્રેન નીચે ફેંકી દેવાનો પ્રયાસઃ હાથના આંગળાનો છૂંદો

માધાપરની યુવતિ સાથેના પ્રેમને કારણે અગાઉ પણ બે વખત હુમલો થયો'તોઃ મોડી રાતે જંકશનમાં જમવાનું લેવા ગયો ત્યારે યુવતિના સગા જોઇ જતાં પીછો કર્યોઃ ભાગીને પાટા પર પહોંચ્યો ત્યાં માથામાં પાઇપ ફટકાર્યોઃ ટ્રેન આવતાં ઢસડીને તેની નીચે ફેંકવા પ્રયાસઃ ગંભીર ઇજા થતાં કોળી યુવાન સારવાર હેઠળ

જેને પાઇપના ઘા ફટકારી બાદમાં ટ્રેન નીચે ફેંકી દેવા પ્રયાસ થયો તે અજય કોળી તથા ટ્રેનના વ્હીલમાં છુંદાઇ ગયેલા તેના હાથના આંગળા અને ટ્રેનના પાટા પર લોહીના ધાબા જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૩: પોપટપરા શેરી નં. ૧૪માં રહેતાં અજય માનસિંગભાઇ હરસોંડા (ઉ.વ.૧૯) નામના કોળી યુવાન પર મોડી રાતે સંતોષીનગર પાટા પાસે હીચકારો હુમલો થયો હતો. આ હુમલો પ્રેમ પ્રકરણની માથાકુટમાં થયાનું સામે આવ્યું છે. યુવાનને પ્રેમિકાના પરિવારજનોએ પાઇપથી ફટકારી ટ્રેન નીચે ફેંકી દેવાનો પ્રયાસ કર્યો હતો. સદ્દનસિબે તે દૂર હટી જતાં બચી ગયો હતો. જો કે તેના એક હાથના આંગળાઓ ટ્રેનના વ્હીલ નીચે છુંદાઇ ગયા હતાં. તેમજ કોણીના ભાગે ગંભીર ઇજા થઇ હતી. માથામાં પાઇપનો ઘા થતાં ત્યાં પણ ઇજા પહોંચી હતી.

અજય વહેલી સવારે ચારેક વાગ્યે તેના ઘર પાસે લોહીલુહાણ પડ્યો હતો. તેને હાથના આંગળામાં ગંભીર ઇજા હતી તેમજ શરીરમાં બીજા ઘા હતાં. પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ પ્ર.નગરમાં જાણ કરી હતી. અજય બે ભાઇ અને બે બહેનમાં નાનો છે અને પ્લમ્બીંગ કામ કરે છે. અગાઉ પાંચેક મહિના પહેલા મનહરપુરમાં તેને મારામારી થઇ હતી. ગત મોડી રાતે તેના પર હુમલો થયો હતો. સવારે અર્ધબેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલના બિછાનેથી તેણે અધકચરી વિગતો જણાવી હતી. એ પછી તેણે બપોરે વિતક વર્ણવતા કહ્યું હતું કે તેને માધાપરની યુવતિ સાથે પ્રેમ છે. આ કારણે લાંબા સમયથી તેણીના પરિવારજનો સાથે મનદુઃખ ચાલે છે અને અગાઉ પણ પોતાના પર બે વખત હુમલો થયો હતો.

દરમિયાન ગત રાતે પોતે જંકશન રોડ પર જમવાનું લેવા ગયો ત્યારે બજરંગ હોટેલ પાસે યુવતિના સગા મુળજીભાઇ ઉકેળીયા, મુળજીભાઇ અગેસરા સહિતના જોઇ જતાં તેની પાછળ દોટ મુકતાં તે જીવ બચાવવા પાટા ઉપર ચડીને ભાગ્યો હતો. પાછળ એ લોકો દોડ્યા હતાં અને અચાનક કોઇએ માથાના પાછળના ભાગે લોંખડનો પાઇપ ફટકારી દેતાં પોતે પડી ગયો હતો. એ વખતે જ ટ્રેન નીકળતાં હુમલાખોરોએ તેને ઢસડીને ચાલતી ટ્રેન નીચે ફેંકી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોતે બળ વાપરી  બચી જવામાં સફળ રહ્યો હતો. જો કે તેના એક હાથના આંગળા ટ્રેનના વ્હીલમાં છુંદાઇ ગયા હતાં તેમજ કોણીમાં પણ ગંભીર ઇજા પહોંચી હતી. હુમલાખોરો ભાગી ગયા બાદ પોતે માંડ માંડ ઘર નજીક પહોંચ્યો હતો અને પડી ગયો હતો. હુમલામાં યુવતિના પિતા સહિતના લોકો સામેલ હોવાનો આક્ષેપ થયો હોઇ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. ગંભીર ઇજા પામનાર અજયની ફરિયાદ નોંધવા પ્ર.નગર પોલીસે તજવીજ હાથ ધરી છે.

(3:31 pm IST)