Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

રાજકોટની ટ્રાફીક સમસ્યાનુ મૂળ રસ્તા સાંકડા પડે છે તે સ્પષ્ટ જાહેર થયુ છે ત્યારે

હોસ્પિટલ ચોકમાં બ્રિજ નિર્માણ પહેલા કેટલાક વિચારાધીન મુદ્દા

હોસ્પિટલ ચોકની ચારેય દિશાની સરકારી ટ્રસ્ટની મિલકતોની (કંપાઉન્ડવોલ) બંને સાઇડ પ-૭ ફૂટ મળી ૧૨ થી ૧૪ ફૂટ જમીન કપાત કરી રસ્તા પહોળા કરવાથી શું ટ્રાફીક સમસ્યા હળવી ન થઇ શકે ? : હોસ્પિટલ ચોકનું સૌથી મોટુ સર્કલ ૮ ફૂટ સુધી નાનુ થઇ શકે તેમ છે તે શા માટે નાનું નથી કરાતુ? લોકોમાં ચર્ચાતો પ્રશ્ન : ચોકની ચારેય સાઇડ રીક્ષા સ્ટેન્ડ ફેરીયાનું દબાણ તથા પેસેન્જરોને લેવા ઉભા રહેતા રીક્ષા ઇકો ગાડી ખાનગી બસોને શા માટે હટાવાતા નથી : હોસ્પિટલ ચોકથી જામટાવર ચોક, કેસરી હિન્દ પુલ, જવાહર રોડ, ઠાકર લોજ સુધી સરળતાથી બંને સાઇડ ૬-૬ ફૂટ રસ્તો પહોળો થઇ શકે તેમ છે કોર્પો. એ જમીન કપાત કરવા નોટીસ પણ આપી છે તો પછી ટેન્ડર મંજુર કર્યા પહેલા રસ્તા કપાતની પ્રક્રિયા શા માટે આગળ ન વધારાઇ ? લોકોમાં ઉઠતા શંકાસ્પદ મુદ્દા

રાજકોટ તા.૨૩ : હોસ્પિટલ ચોકની ટ્રાફીક સમસ્યાના ઉકેલ માટે મનપાના અધિકારીઓ પદાધિકારીઓએ રસ્તા પહોળા કરીને ટ્રાફીક પ્રશ્ન ઉકેલવાને બદલે ચોકમાં ઓવરબ્રીજ બનાવવા લગભગ ૪૬ ટકા ઉચા ભાવે ટેન્ડર મંજૂર કરીને પ્રજાના ટેકસના કરોડો રૂપિયાની લાણી કરતા પ્રજાજનોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, છેલ્લા એકાદ વર્ષથી હોસ્પિટલ ચોકમાં બ્રીજ બનાવવા માટે ટેન્ડર બહાર પાડેલ પરંતુ ટેન્ડર ભરવા કોઇ આગળ આવ્યુુ નહિ અથવા તો કોઇ ટ્રાયેંગ્લ બ્રીજના કામ માટે કોન્ટ્રાકટરો તૈયાર થયા નહિ અને છેલ્લે ત્રીજા ચોથા પ્રયત્ને મનપા દ્વારા ૪૩ ટકા ઉચા ભાવે ટેન્ડર મંજુર કરીને ટુંક સમયમાં બ્રીજની કામગીરી આરંભાશે.

બ્રીજ પ્રકરણમાં નવાઇ પમાડે તેવી વાતતો એ છે કે બ્રીજ બનાવવાની પ્રક્રીયા ઘણા સમયથી ચાલતી હતી. બ્રીજ માટે ચારેય દિશામાં જમીન કપાત કરવા માટે મનપા દ્વારા મિલકત ધારકોને તેમની જમીન કપાત માટે નોટીસ પણ આપી દીધી હતી તો પછી આ જમીન કપાતની વહીવટી પ્રક્રિયા પુર્ણ કરીને સૌ પ્રથમ રસ્તા પહોળા કરવાની કામગીરી શા માટે હાથ ન ધરાઇ તે પણ એક વિચારાધીન મુદ્દો છે.

એવુ પણ બને કે રસ્તા બંને સાઇડ ૬ થી ૮ ફુટ મોટા કર્યા હોય તો ટ્રાફીક પ્રશ્ન હલ થઇ ગયો હોત તો પછી બ્રીજ બનાવવાની જરૂરત પણ ન રહે.

હજુ સમય છે કોર્પો.ના અધિકારી પદાધિકારીઓને પ્રજાનું હિત હૈયે હોય અને પ્રજાના પરસેવાની કમાણીના ટેકસના પૈસા કરોડો રૂપિયા વેડફવા દેવા ન હોય તો સૌપ્રથમ હાલ ટેન્ડર પ્રક્રિયા મુજબ બ્રીજનુ કામ આગળ ન વધારી સૌપ્રથમ હોસ્પિટલ ચોકની ચારેય દિશામાં ૬-૬ ફુટ મળી ૧૨ થી ૧૪ ફુટ રસ્તા પહોળા કરીને ટ્રાફીક સમસ્યા હળવી થઇ શકે કે નહિ તેનો તાગ મેળવીને પછી બ્રીજની પ્રક્રિયા હાથ ધરવી જોઇએ તેવી લોકમાંગણી પ્રવર્તી રહી છે.

રસ્તા પહોળા કર્યા ઉપરાંત (૧) ચોકની ચારે બાજુ રીક્ષા સ્ટેન્ડ ખાનગી પેસેન્જરો ને લેવા માટે ઉભા રહેતા રીક્ષા બસ ખાનગી વાહનો લારીવાળા ફેરીયાઓનુ ગેરકાયદે દબાણ હટાવવુ જોઇએ (ર) ઝનાના હોસ્પિટલના દરવાજે તથા કોઠી કંપાઉન્ડના દરવાજા પાસેના રીક્ષા સ્ટેન્ડ કેન્સલ કરી અન્યત્ર ફાળવવા જોઇએ (૩) સૌથી મહત્વનું હોસ્પિટલ ચોકનું મહાકાય સર્કલ ૬ થી ૮ ફુટ ટુકુ કરવામાં આવે તો ટ્રાફીક  સરળતાથી ઝડપથી પસાર થઇ શકે (૪) હોસ્પિટલ ચોકના મોટા સર્કલને કારણે જ સેશન્સ કોર્ટથી હોસ્પિટલ ચોક આવતા ત્યાનુ ડીવાઇડર ચોકમાં ૧૦ થી ૧૨ ફુટ પહોળુ કરવુ પડયુ છે તેથી જો ચોકનુ સર્કલ નાનુ કરાય તો આ ડીવાઇડર પણ નાનુ થઇ શકે અને વાહનો ઝડપથી પસાર થઇ શકે (પ) હોસ્પિટલચોકથી જામટાવર જતાબંને સાઇડ સરકારી હોસ્પિટલ અને કોઠી કંપાઉન્ડ (રેલ્વેની) સરકારી જમીનની માત્ર કંપાઉન્ડ વોલ જ ૬ થી ૮ ફુટ બંને સાઇડ અંદર લેવાની છે બિલ્ડીંગને નુકશાન થવાનુ નથી જેથી ૧૨ થી ૧૪ ફુટ રસ્તો મોટો થાય તો હોસ્પિટલ ચોકથી જામનગરરોડ તરફ ૬ ટ્રેક રોડ બની જાય બંને સાઇડ અલગ અલગ ટ્રેકમાં વાહનો સરળતાથી જઇ શકે પછી ટ્રાફીક સમસ્યા રહેવાની જ નથી. (૬) આજ પ્રકારે હોસ્પિટલ ચોકથી સેસન્સ સિવિલ કોર્ટ આઇપીમીશન સ્કુલ ચર્ચ અને ફાસ્ટટ્રેક કોર્ટ બિલ્ડીંગની માત્ર બંને સાઇડ ૬ ૬ ફુટ દિવાલ અંદર લેવાથી ૧૨ ફુટ રસ્તો મોટો થઇ શકે પછી ટ્રાફીક સમસ્યામાં મહતમ રાહત મળશે આવી જ રીતે ઝનાના હોસ્પિટલ થી જયુબેલી બાગ તરફ અને સામેની સાઇડ એસબીઆઇ બેંક ઠાકર લોજની જમીન કપાય એટલે મહતમ ૧૦ ફુટ રસ્તો પહોળો થઇ જશે.

આમ જોઇએ તો (૭) હોસ્પિટલચોક માં ખરેખર ટ્રાફીક સરકારી કચેરીના સમયે સવારે ૧૦ થી ૧ સુધી જ વધુ રહે છે એક થી સાંજે ૬ સુધી ટ્રાફીક સમસ્યા નડતી નથી એટલે જ તો બપોરે ૧ વાગ્યે હોસ્પિટલ ચોકમાંથી સિવિલ હોસ્પિટલ ચૌધરી હાઇસ્કુલ તરફ જવા માટે ફોલ્ડીંગ ટ્રાફીક ડીવાઇડર પણ હટાવી લેવામાં આવે છે. સાંજે ઓફીસ છુટવાના સમયે ૬-૩૦ થી ૭ અડધો કલાક ટ્રાફીક રહે છે પછી હળવો થઇ જાય છે. (૮) બે વર્ષમાં ન્યાય કોર્ટ ઘંટેશ્વર પાસે જતી રહેશે એટલે હોસ્પિટલ ચોકમાં હાલ કોર્ટના એડવોકેટો સરેરાશ ૧૦૦૦ કોર્ટ સ્ટાફ સરેરાશ ૨૦૦ અને પક્ષકારોના પોલીસના વાહનો મળી સરેરાશ ૧૫૦૦ થી ૨૦૦૦ વાહનોની અવરજવર ઘટી જશે એટલે આમેય ટ્રાફીક સમસ્યા ઘજ્ઞી હળવી થઇ જશે. (૯) વિશાળ ટ્રાયેંગલ બ્રીજના નિર્માણ દરમિયાન બે થી ૩ વર્ષ લાગશે જેથી રસ્તા બંધ રહેવાને કારણે સામાન્ય નાગરીકો વાહનચાલકો ઉપરાંત હોસ્પિટલના દર્દીઓ કોર્ટ સ્ટાફ એડવોકેટો પક્ષકારોને રસ્તાઓ બંધ થવાથી ભારે યાતના ભોગવવી પડશે તે માટે પણ સતાવાળાઓએ વિચારવાની જરૂર હતી.

હોસ્પિટલ ચોકમાં બ્રિજ બન્યા પછી નીચે રસ્તા પર દબાણ વધશે!!

રાજકોટ તા. ર૩ :.. હોસ્પિટલ ચોકમાં ટ્રાયેંગલ બ્રિજ બન્યા પછી કદાચ નીચેના રોડ પર થોડો ટ્રાફીક હળવો થશે તો તેની સામે શુ રેંકડી, રીક્ષા, પાથરણાવાળાનું દબાણ અને આવારા તત્વોને મોકળુ મેદાન મળી જશે.

અત્યારે પણ હોસ્પિટલ ચોકની ટ્રાફીક સમસ્યા વચ્ચે ચારેય દિશામાં પેસેન્જરોને લેવા રોકાતા રીક્ષા, ખાનગી બસ , ઇકો ગાડીનો ત્રાસ સામાન્ય નાગરીકોને  છે જ જયારે કોર્ટની સામેની બાજુએ જુના કપડા વેચતા અને ફેરીયાઓનું દબાણ વધશે.

અહીં કેટલાક આવારા તત્વો અત્યારે પણ કોર્ટ અને પેટ્રોલ પંપ હોસ્ર્પિટલના દરવાજે પડયા પાથર્યા રહેશે અને લોકો માટે ત્રાસદાયક છે ત્યારે બ્રિજ બન્યા પછી થોડો પણ ટ્રાફીક ઘટયા પછી નીચે વાહનો ફેરીયાઓનું દબાણ અને આવારા તત્વોની રંજાડ વધે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. તંત્રએ આ મુદો પણ વિચારવો જોઇએ.

હોસ્પિટલ ચોકમાં ટ્રાયેંગલ બ્રિજ બન્યા પછી આવી સ્થિતિ પણ ઉદભવી શકે

એસ.ટી. ખાનગી બસો, રીક્ષા, ઇકો પેસેન્જરો લેવા નીચે જ ચાલશે ને સમસ્યા યથાવત રહેશે

રાજકોટ તા.૨૩ : હોસ્પિટલ ચોકમાં ટ્રાયેંગલ બ્રિજ બન્યા બાદ સીટી બસો એસટીની બસો રીક્ષાઓ વગેરે બ્રીજ ઉપરથી પસાર થવાને બદલે મુખ્ય રોડ પરથી જ ચાલવાનુ રાખે તેવી સ્થિતિ ઉદભવે તો પણ નવાઇ પામી શકાય નહિ ! પરંતુ આવુ કેમ બને તે માટે પણ વિચારવુ પડે અને તેના કારણો પણ જોવા પડે.

આના કારણોમાં જોઇએ તો ઢેબર રોડથી ઉપડતી અને મોરબી જામનગર અમદાવાદ કુવાડવા વાંકાનેર તરફ જતી એસટી બસો પેસેન્જરને લેવા પુલ પરથી ન ચાલે અને નીચે થી જ ચાલે તેવુ બની શકે. એવી જ રીતે ખાલી દોડતી રીક્ષાઓ પેસેન્જર લેવા બ્રિજ ઉપરથી ચલાવવાને બદલે નીચે મુખ્ય રોડ પર થી જ ચાલશે તેવી જ રીતે જામનગર ધ્રોલ મોરબી વાંકાનેર કુવાડવા ચોટીલા સુધીના પેસેન્જરોને લેવા ખાનગી વાહનો છકડો રીક્ષા ઇકો જેવી ગાડીઓ પણ નીચે મુખ્ય રોડ પર થી જ ચાલશે. એટલે વાહન ચાલકોને પોતાની રોજીરોટીનો સવાલ છે એટલે પેસેન્જર લેવા નીચે મુખ્ય રોડપર થી જ વાહનો ચલાવવા પડે તો પછી એસટીને પણ હાલના સમયે પેસેન્જરો ગુમાવવા પડે તે પોસાય નહિ જેથી એસટીની બસો પણ (રાજકોટ થી ઉપડતી) બ્રિજને બદલે મુખ્ય રોડ પર થી જ ચાલે તેવુ પણ બને.

આમ હોસ્પિટલ ચોકમાં બ્રિજ બન્યા પછી તમામ વાહનો બ્રીજ પરથી ચાલશે તે મુદ્દો પણ કોર્પોરેશનના અધિકારીઓએ વિચારણામાં લેવાની જરૂર હતી.

કારણ કે હોસ્પિટલ ચોક રાજકોટનો મહત્વનો એક હોઇ ચોકમાંથી જ જામનગર ધ્રોલ પડધરી મોરબી બેડી ટંકારા તેમજ કુવાડવા વાંકાનેર ચોટીલાથી લઇ અમદાવાદ સુધીના વાહનો અહીથી જ મળતા હોય તેથી એવુ બને કે ઉપર જણાવ્યું તેમ ખાનગી વાહનચાલકો રીક્ષા અને એસટીની બસો તેમજ સીટી બસને બ્રિજને બદલ મુખ્ય રોડ પરજ ચાલવુ ફાયદારૂપ હોય આવા વાહન ચાલકો બ્રિજનો ઉપયોગ ઓછો કરશે તો બ્રિજનો કોઇ અર્થ સરશે નહિ.

આમેય ફોર વ્હીલરોને શહેરમાં પ્રવેશબંધી છે. જેથી હાલ ટ્રક, ટ્રેકટર જેવા વાહનોથી શહેરમાં આવતા જ નથી. ટ્રાફીક સમસ્યા તો રાજકોટના દરેક મુખ્ય ચોકમાં જેમકે ઢેબર ચોક દેનાબેંક ચોક કાંતાસ્ત્રી વિકાસ ગૃહ ચોક, લોધાવાડ ચોક, ભૂતખાના ચોક, ઢેબર રોડ નાગરીક બેંક ચોક, લીમડા ચોક વગેરે જગ્યા છે તો શુ દરેક જગ્યાએ ઓવરબ્રીજ બાંધવા શું વ્યાજબી છે ખરેખર ટ્રાફીક સમસ્યા ઉકેલવી જ હોય તો રસ્તા જ મોટા કરવા જોઇએ તે જ ટ્રાફીક સમસ્યાનો સાચો ઉકેલ છે.

આ ઉપરાંત હોસ્પિટલ ચોકમાં પેસેન્જરોને લેવા માટેના પીકઅપ પોઇન્ટ જો ત્યાથી દૂર હટાવાશે તો જયા પીકઅપ પોઇન્ટ બનશે ત્યા ટ્રાફીક સમસ્યા સર્જાવાની સ્થિતિ સર્જાઇ શકે.

(3:29 pm IST)