Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

રાજકોટ શહેર જિલ્લામાં ૨૨ થી ૨૬ જાન્યુઆરી અનેક કાર્યક્રમોઃ ૪૦૦ પોલીસ જવાનોની પરેડ : મોટર સાયકલ સ્ટંટ શો

૧૬ કમીટીની બેઠકની સમીક્ષા કરતા કલેકટર : હેરીટેઝ તમામ સરકારી કચેરીઓમાં ડેકોરેશન

રાજકોટ તા ૨૩  : આગામી ૨૬મી જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે રાયકક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીના સંદર્ભે રચાયેલી વિવિધ ૧૬ જેટલી કમીટીની કરવાની થતી કામગીરીની સમીક્ષા જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન એ કરી હતી.

આ અંગે યોજાયેલ બેઠકમાં કલેકટર સુશ્રી રેમ્યા મોહને જણાવ્યું હતું કે તા.૨૨ થી ૨૬મી જાન્યુઆરી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો અંતર્ગત શિક્ષણ, રમત-ગમત તથા અન્યો વિભાગો દ્વારા ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ સાંસ્કૃતિક સહિત વૈવિધ્યસમભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં થીમ આધારીત રેલી, નૃત્ય નાટિકા, રમત-ગમત સહિતની વિવિધ સ્પર્ધાઓ, યોગા, મશાલ રેલી, તલવાર રાસ, પ્રાચીન ગરબા વિગેરે જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓના સહયોગથી કરવામાં આવશે.

પોલિસ વિભાગ દ્વારા અંદાજે ૩૦પ્લાટુનોના ૪૦૦ પોલીસ સહીતના જવાનો પરેડમાં ભાગ લેશે. પોલીસ દ્વારા મશાલ પીટી, શસ્ત્ર પ્રદર્શન, અશ્વદળ શો, શ્વાનદળ શો, જીમ્નાસ્ટીક, મલખમ, મોટરસાયકલ સ્ટંટ શો વિગેરે કાર્યક્રમો રજુ કરવા આયોજન કરવામાં આવી રહયું છે.

કલેકટરશ્રીએ ઉમેર્યુ કે હેરીટેન્ બિલ્ડિંગ સહિત વિવિધ સરકારી કચેરીઓના બિલ્ડિંગોમાં લાઇટીંગ ડેકોરેશન કરવામાં આવશે, તેમજ રાજકોટ શહેરના વિવિધ સર્કલો થીમ આધારીત બનાવીને સુશોભન કરવા આયોજન કરાશે.

આ બેઠકમાં વિવિધ કચેરીઓ દ્વારા કામગીરીના પુર્વ આયોજન અંગે તેમના દ્વારા પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું. સમગ્ર બેઠકનું સંચાલન અધિકા નિવાસી કલેકટરશ્રી પરિમલ પંડયાએ કર્યુ હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયા, રૂડાના કારોબારી અધિકારીશ્રી ચેતન ગણાત્રા, પ્રાન્ત અધિકારીઓ, વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહયા હતા.

(3:28 pm IST)