Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

કોઠારીયાના બે પટેલ ભાઇઓએ સરકારી ખરાબામાં દબાણ કરવાની ના પાડતાં હીચકારો હુમલોઃ એકનો પગ ભાંગ્યો

લાપાસરી રોડ રામવાડી પાસે બનાવઃ ભરત દુદા, તેનો દિકરો, ભરતના પત્નિ અને અન્ય એક મહિલાએ પાઇપ-ધોકાના ઘા ફટકાર્યાઃ કિશોરભાઇ રૂપારેલીયાને માથામાં ગંભીર ઇજાઃ તેમના ભાઇ જયંતિભાઇનો ડાબો પગ ભાંગી ગયોઃ પથ્થર મારો પણ થયો

રાજકોટ તા. ૨૩: કોઠારીયા ગામમાં રહેતાં અને બાંધકામનો વ્યવસાય ધરાવતાં પટેલ ભાઇઓએ લાપાસરી રોડ પર રામવાડીની બાજુમાં આવેલા વિતરાગ કુટીયા નામના આશ્રમ પાસે હતાં ત્યારે બાજુમાં સરકારી ખરાબામાં કેટલાક શખ્સો દબાણ કરતાં હોઇ તેને અટકાવવા જતાં આ બધાએ ધોકા-પાઇપથી હુમલો કરી બંને ભાઇઓને બેફામ માર મારતાં એકને માથામાં ગંભીર ઇજા થતાં અને બીજા ભાઇનો પગ ભાંગી જતાં બંનેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

આજીડેમ પોલીસે આ બારામાં કોઠારીયા ગામમાં ગેઇટની બાજુની શેરીમાં રહેતાં અને બાંધકામનો ધંધો કરતાં કિશોરભાઇ ભગવાનજીભાઇ રૂપારેલીયા (પટેલ) (ઉ.૪૫)ની ફરિયાદ પરથી ભરત દુદાભાઇ વણકર, ભરતના પત્નિ, તેનો દિકરો અને એક અજાણી મહિલા સામે આઇપીસી ૩૨૩, ૩૨૫, ૩૨૬, ૩૩૭, ૫૦૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. કિશોરભાઇ રૂપારેલીયાના કહેવા મુજબ પોતે તથા મોટા ભાઇ જયંતીભાઇ રૂપારેલીયા (ઉ.૫૦) લાપાસરી રોડ પર રામવાડી પાસે આવેલા વિતરાગ કુટીયા નામના આશ્રમ પાસે હતાં ત્યારે ભરત સહિતના સરકારી ખરાબામાં દબાણ કરતાં હોઇ તેને અટકાવવા જતાં આ બધાએ ગાળાગાળી કરી ધોકા-પાઇપથી હુમલો કર્યો હતો.

જેમાં કિશોરભાઇને માથામાં પાઇપનો ઘા પડતાં અને ધોકા ફટકારાતાં ગંભીર ઇજા થઇ હતી. તેમજ જયંતિભાઇનો ડાબો પગ ભાંગી નાંખવામાં આવતાં દેકારો મચી ગયો હતો. લોકો ભેગા થઇ જતાં હુમલાનખોરો ભાગી ગયા હતાં. બંને પટેલ બંધુને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ પણ આ લોકોને સરકારી ખરાબામાં દબાણ કરતાં અટકાવતાં માથાકુટ કરી હતી. આ વખતે હીચકારો હુમલો કરી દીધો હતો.

આજીડેમના પીએસઆઇ સી.એચ. આસુન્દ્રાએ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(12:58 pm IST)