Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

૨૭મી સુધી હવામાન હૂંફાળુ - ભેજવાળુ - વાદળછાયુ રહેશે : પવન ૯ થી ૧૭ કિ.મી.ની ઝડપે ફૂંકાશે

દિવસનું તાપમાન ૩૩ ડિગ્રી અને રાત્રીનું તાપમાન ૧૮ ડિગ્રી આસપાસ રહેશે : ચણા, ઘઉં, જીરૂ, ધાણાના પાકનું વાવેતર કરવુ : હજુ ભારે ઠંડીના એંધાણ નથી

રાજકોટ તા.૨૩ : ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળેલ હવામાન માહિતી અનુસાર અત્રેના ગ્રામીણ કૃષિ મૌસમ સેવા વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયા તરફથી જણાવવામાં આવે છે કે, ઉતર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના રાજકોટ જીલ્લામાં આગામી તા.૨૩ થી તા.૨૭ દરમ્યાન હવામાન હુંફાળું, ભેજવાળું અને મુખત્વે વાદળછાયું રહશે. પવનની દિશા ઈશાનની રહેવાની અને પવનની ઝડપ ૯ થી ૧૭ કીમી/કલાક રહેવાની શકયતા છે. આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૩–૩૩ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૧૯-૨૦ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.

તા. ૨૩ થી ૨૭ સુધી હવામાન હુંફાળું, ભેજવાળું અને મુખત્વે વાદળછાયું રહશે. પવનની દિશા ઈશાનની મોટાભાગે રહેવાની અને પવનની ઝડપ ૭ થી ૨૪ કીમી/કલાક રહેવાની શકયતા છે. આ સમયગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૦-૩૪ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૧૮-૨૨ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.

હાલ ચોમાસું પાકોની કાપણી થઈ ગયેલ હોય તો તે જમીનમાં શિયાળુ પાકો જેવા કે ચણા, ઘઉં, જીરું, ધાણાના પાકનું પસંદગી મુજબ વાવેતર કરવું.

હાલ પિયતની સગવડવાળા વિસ્તારમાં શિયાળુ પાકોનું વાવેતર ચાલુ હોય ખેડૂતભાઈઓને ખાસ જણાવવાનું કે દરેક પાકના બીજને થાયરમ અથવા મેન્કોઝેબ અથવા કર્બેન્ડાઝીમ માંથી કોઈ પણ એક દવાનો ૨-૩ ગ્રામ દવા પ્રતિ ૧ કી.ગ્રા. બીજ મુજબ પટ આપવો. તેમજ અસરકારક નિદામણ નિયંત્રણ માટે ચણા, જીરું અને ધાણાના પાકમાં, પાક અને નીંદણના સ્ફુરણ પહેલા પેન્ડીમેથાલીન (સ્ટોમ્પ ૩૦ ઈ.સી.) ૬૦ મિલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છાંટવી, ઘઉંના પાકમાં પેન્ડીમેથાલીન (સ્ટોમ્પ ૩૦ ઈ.સી.) ૩૦ મિલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છાંટવી, લસણ અને ડુંગળીના પાકમાં ઓકસીફ્લુંઓરફેન (૨૩.૫ ઈ.સી.) ૨૦ મિલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છાંટવી અને ઈસબગુલના પાકમાં આઈસોપ્રોટયુરોન (કનક ૫૦ ઈ.સી.) ૨૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છાંટવી જેથી નિંદામણનો મજુરી ખર્ચ બચાવી શકાય અને પાક નિંદણ મુકત રાખી શકાય.

બિનપિયત વિસ્તારમાં માવઠું થયેલ હોય ત્યાં સારી ભેજ સંગ્રહ ધરાવતી જમીનમાં ચારાની જુવાર અને બિનપિયત ચણા ગુજરાત-૨ નું વાવેતર કરી શકાય.

(11:57 am IST)