Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

જૈન દર્શનની દ્રષ્ટિએ વડી દીક્ષાનું મહત્વ

પૂ.નમ્રમુનિના સાંનિધ્યે કાલે કોલકત્તામાં ત્રણ મહાસતીજીઓની વડી દીક્ષા

દીક્ષા અંગીકાર કર્યા બાદ છ મહિનાની અંદર પૂ.ગુરુ ભગવંતો દ્રારા નૂતન દીક્ષિત આત્માઓને છેદોપસ્થાપનીય ચારીત્ર દ્વારા પંચ મહાવ્રતોનું આરોપણ કરાવવામાં આવે છે.

જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે સામાયિક ચારિત્રનું છેદન કરીને પંચ મહાવ્રતોમાં ઉપસ્થાપિત કરાવવામાં આવે છે તથા છઠ્ઠા રાત્રી ભોજન ત્યાગ તેમજ છકાય જીવોની રક્ષાના પાલન માટે પ્રતિજ્ઞા કરાવવામાં આવે છે.જેવી રીતે અમુક વૃક્ષોને વાવવા માટે એક જગ્યાએથી ઊખેડી અન્ય જગ્યાએ સ્થાપિત કરવાથી તે વૃક્ષનો વિકાસ ઝડપથી થાય છે.ગુરૂદેવ નૂતન દીક્ષિત આત્માઓને સમજાવશે કેે જગતના સર્વે જીવો આપણા આત્મા સમાન છે.

અત્તહિયઠાએ અર્થાત્ સાધક આત્મા માત્ર આત્મ હીત માટે જ મોક્ષનો માર્ગ એટલે કે મુનિપણુ અંગીકાર કરે છે.આત્મહિતથી વધીને અન્ય કોઈ સુખ જગતમાં છે જ નહીં તેથી જ સાધક માટે સિદ્ઘ પદ જ ઉપાદેય અને ઉપાસનારૂપ છે.ગુરૂદેવ હિતશિક્ષા આપતા સમજાવશે કે જેવી રીતે તમને તમારા પ્રાણ પ્રિય છે તેમ જગતના દરેક જીવોને પોતાના પ્રાણ પ્રિય છે,માટે છકાય જીવોની દયા પાળજો. મોક્ષ મેળવવા માટે જ મુનિ મહાવ્રતોરૂપી કઠોર માર્ગ હસતાં - હસતાં સ્વીકારે છે. છકાય જીવોનું રક્ષણ કર્યા વગર ચારિત્ર ધર્મનું પાલન થઈ શકતું નથી.સાધક માટે જ્ઞાન સાથેની ક્રિયા અને તેની સમગ્ર સાવધાની એક એક મહા મૂલા રત્નકણો જેવી હિતશિક્ષાઓ ગુરુદેવ આપે છે.શ્રી આચારાંગ સૂત્ર સાધકોની આચાર પોથી કહેવાય છે.પહેલાં વડી દીક્ષા આચારાંગ સૂત્રના માધ્યમથી આપવામાં આવતી હતી.શ્રી દશ વૈકાલિક સૂત્ર સાધકોની બાળપોથી કહેવાય છે. વર્તમાનમાં ઉપકારી ગુરૂદેવ નૂતન દીક્ષિતોને જતનામય જીવન જીવવાનો મંત્ર જૈનાગમ શ્રી દશ વૈકાલિક સૂત્રના છજ્જીવણિયા નામના ચોથા અધ્યયનના માધ્યમથી આપી તેઓના રોમેરોમમાં ભગવદ્ ભાવોને ભરી દે છે. અહિંસા ધર્મમાં સ્થિત થવા માટેનો ઉપદેશ. છજીવનિકાય દ્વારા વડી દીક્ષા આપવામાં આવે છે.

સંકલનઃ મનોજ ડેલીવાળા, મો.૯૮૨૪૧ ૧૪૪૩૯.

(11:50 am IST)