Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

ગ્રીન એવન્યુ સોસાયટીમાં કથાકાર માયાકુમારીના વ્યાસાસને આયોજીત ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહની રંગેચંગે ઉજવણી

સાંજે કથા વિરામ લેશેઃ કાલે દશાંશ યજ્ઞનું આયોજન

રાજકોટ તા.૨૩: અહિના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે આવેલ ગ્રીન એવન્યુ સોસાયટી ખાતે અંજાર વાળા માયાકુમારીના વ્યાસાસને ચાલતી ભાગવત કથામાં ગઇકાલે રૂક્ષ્મણી વિવાહની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

ભાગવતાચાર્ય માયાકુમારીએ ગઇકાલે ભગવાન કૃષ્ણની બાળલીલાનું સુંદર વર્ણન કરી શ્રોતાઓને ભાવ-વિભોર કરી દીધા હતાં સાથે સંગીતના સુર રેલાવતા દોલતભાઇ પઢીયાર  લાખણકા, મુન્નાભાઇ ઠક્કર મોરબી અને દિપકભાઇ મીસ્ત્રી મોરબીવાળાએ ભકિત ગીતો ગાઇ શ્રોતાઓને નાચવા મજબુર કરી દીધા હતાં.

ગઇકાલે રૂક્ષ્મણી વિવાહના વર પક્ષના યજમાન તરીકે ગ્રીન એવન્યુ સોસા.માં રહેતા જીવીબેન વજસીભાઇ ઓડેદરા હતા જયારે કન્યાપક્ષના યજમાન તરીકે રૂપાબેન સુધીરભાઇ રૂપારેલીયા હતાં. આ બંને પરિવાર દ્વારા અત્યંત ધામધૂમથી આ લગ્ન પ્રસંગની ધાર્મિક પરંપરા મુજબ વિધિ કરી ભગવાન શ્રી કૃષ્ણનાં લગ્ન કરી ધન્યતા અનુભવી હતી.

આગલા દિવસે સોસાયટીના બહેનો અને બંનેના સગાવહાલાઓ દ્વારા સાંજીના ગીતો ગાઇ લગ્નવિધિનો પ્રારંભ કર્યો હતો.  ગઇકાલે સાંજે પાંચ વાગ્યે સંતોકબેન વિજયભાઇ ઓડેદરા પરિવાર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની જાડેરી જાન જોડી શણગારેલી બગીમાં શ્રીકૃષ્ણ ભગવાનને બેસાડી ઢોલ અને શરણાયની સુરાવલી વચ્ચે રાસ ગરબાની રમઝટ બોલાવી કથા મંડપમાં ઉભા કરાયેલા લગ્ન મંડપમાં પધરામણી કરતાં આનંદ ઉલ્લાસ છવાઇ ગયો હતો.

આ દરમિયાન વર્ષાબેન મહેતા અને તેમના કલાવૃંદ દ્વારા લગ્નગીત અને ફટાણા ગાઇ જાનૈયા અને માંડવીયાના મન મોહી લીધા હતાં.

બાદમાં કન્યા વિદાય અને આજે સવારે તેડુ-મુકવાની વિધિ પણ સોસાયટીના રહીશો દ્વારા ધામે-ધૂમેથી ઉજવી હતી. રાત્રે ધનશ્યામભાઇ ગઢવી દ્વારા લોકડાયરો પણ યોજવામાં આવ્યો હતો.

આજે સાંજે ભાગવતકથાનો વિરામ થશે. અને આવતીકાલે સવારે દશાંશ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગ્રીન એવન્યુ સોસા.માં યોજાયેલ આ ભાગવત કથાનું સુંદર અને સફળ આયોજન સોસાયટીના સખી મંડળ દ્વારા જ કરવામાં આવ્યું હતું અને સોસાયટીના કમિટીના સભ્યો એ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ ધાર્મિક કાર્યને સફળ બનાવવા સોસાયટીના જયશ્રીબેન મહેતા,વર્ષાબેન આરદેસણા, મંજુબેન કમાણી, દિપ્તિબેન પરમાર, પુજાબેન ત્રિવેદી, રૂપાબેન રૂપારેલીયા, બીંદુબેન પટેલ, સંતોકબેન ઓડેદરા, પુનમબેન વસાણી, આરતીબેન મોદી, વંદનાબેન પરીખ, સરોજબેન પરમાર, સોનલબા ઝાલા, ડિમ્પલબેન ઓઝા, ઉષાબેન જોષી, વેદીતાબેન ઠાકર, મોનીકાબેન મોદી સહિતના બહેનો  અને કમિટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(4:25 pm IST)