Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

ડો.અશોકભાઈ મહેતાના જન્મદિને ચોરવાડની હોસ્પિટલને ૧ કરોડનું અનુદાન

આવતીકાલે ચોરવાડની ડો.ભાનુબેન નાણાવટી લાયન્સ અને વિશ્વ લાયનવાદના પૂર્વ આં.રાષ્ટ્રીય પ્રમુખ હોસ્પિટલમાં દ્વિદશક ત્રિવિધ સમારોહ : જૈન અગ્રણી 'અકિલા'ની મુલાકાતે : જોગાનુજોગ ૨૦ વર્ષ પૂર્વે આ હોસ્પિટલની શરૂઆત થયેલી ત્યારે પણ ડો.અશોકભાઈએ ૧ કરોડનું અનુદાન આપેલુ : હોસ્પિટલના સેવાયજ્ઞના ૨૦ વર્ષીય ઉત્સવમાં નિઃશુલ્ક ડાયાલીસીસ સેન્ટર અને એકસ-રે વિભાગનું નામાભિધાન

રાજકોટ : જાણીતા જૈન અગ્રણી અને દાતા તેમજ વિશ્વ લાયનવાદના પૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડો. અશોકભાઈ મહેતા આજે ''અકિલા''ની મુલાકાતે આવેલા. ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને ''અકિલા''ના એકિઝકયુટીવ એડીટર તથા ''અકિલા''ની વેબઆવૃતિના એડીટર શ્રી નિમીષભાઈ ગણાત્રા સાથે ડો. અશોકભાઈ મહેતા (મો.૯૮૨૦૧ ૪૧૭૭૭)એ અનેકવિધ મુદ્દે ચર્ચા કરી હતી. આ પ્રસંગે ડિસ્ટ્રીકટ ગવર્નર શ્રી ચંદ્રકાંતભાઈ દફતરી, પૂર્વ ડિસ્ટ્રીક ગર્વનર શ્રી સુરેશભાઈ સંઘવી, લાયન્સ કલબના સીઓઓ શ્રી રાજુભાઈ ભટ્ટ અને જૈન અગ્રણી શ્રી ઉપેનભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૧)

રાજકોટ, તા. ૨૩ : જાણીતા જૈન અગ્રણી, દાતા અને વિશ્વ લાયનવાદના પૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડો. અશોકભાઈ મહેતાના ૮૭માં જન્મદિન નિમિતે ચોરવાડની ડો.ભાનુબેન નાણાવટી લાયન્સ હોસ્પિટલને ૧ કરોડનું અનુદાન આપ્યુ છે. આવતીકાલે ચોરવાડની આ હોસ્પિટલમાં દ્વિદશક ત્રિવિધ સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. ડો. અશોકભાઈ મહેતા આજે સવારે ''અકિલા'' કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા. તેઓએ ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને ''અકિલા''ના એકિઝકયુટીવ એડીટર અને વેબઆવૃતિના એડીટર શ્રી નિમિષભાઈ ગણાત્રા સાથે ચર્ચા કરી હતી.

ચોરવાડની ભાનુબેન નાણાવટી લાયન્સ હોસ્પિટલને ૧ કરોડનું અનુદાન ડો. મહેતા આપનાર છે ત્યારે જોગાનુજોગ આજથી ૧૦ વર્ષ અગાઉ આ હોસ્પિટલનો પ્રારંભ થયો હતો ત્યારે પણ તેઓએ ૧ કરોડનું અનુદાન આપેલ હતું.

આ ઉપરાંત ડો. અશોકભાઈ મહેતાના સંનિષ્ટ પ્રયત્નોથી લાયન્સ કલબ્ઝ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન (યુએસએ) તરફથી અમેરીકન ડોલર ૧૮૧,૦૦૦ એટલે રૂ.૧.૨૫ કરોડ, મુંબઈના ખ્યાતનામ ડો. ભાનુબેન નાણાવટી તરફથી રૂ.૭૫ લાખનું અનુદાન મળેલ છે. ડોકટર કવાટર્સ, ડોરમીટરી ખંડ તથા ગેસ્ટ હાઉસ માટે શ્રી વોરા - કિકાણી કપોલ ટ્રસ્ટ, મુંબઈના અનુદાનથી રૂ.૬૦ લાખના ખર્ચથી અતિથિ ગૃહ બનાવેલ છે.

આ ઉપરાંત કાન્તાલક્ષ્મી મોહનલાલ પાઠક ફાઉન્ડેશન તરફથી અંગત અને સન્મીત્રોની સહાયથી રૂ.૨ કરોડનું અનુદાન મળેલ છે. આ ફાઉન્ડેશનના ડો.અશોકભાઈ મહેતા અધ્યક્ષ છે અને ડો.ભરતભાઈ પાઠક મેનેજીંગ ટ્રસ્ટી છે. આ ફાઉન્ડેશન હોસ્પિટલનો સુચારૂ વહીવટ સંભાળે છે.

આ આયોજનમાં ચોરવાડમાં ૩,૨૫૦.૦૦ ચો. વાર જમીન મેળવી, તેના ઉપર હોસ્પિટલ, ડોકટર્સ કવાટર્સ, ગેસ્ટ હાઉસ વગેરેનું ૨૦,૦૦૦ ચો. ફૂટનું આકર્ષક અને આધુનિક બાંધકામ કરવામાં આવેલ છે.

આ સમગ્ર આધુનિક બાંધકામ આયોજન રાજકોટના સ્ટાર આર્કિટેકસના સુરેશભાઈ સંઘવી થકી થયેલ છે. ઓકટોબર, ૧૯૯૮માં આ હોસ્પિટલ શરૂ થયેલ અને આજે આંખ, દંત, પેથોલોજી, સોનોગ્રાફી, એકસ-રે, કાર્ડીઓલોજી, યુરોલોજી, સ્ત્રીરોગ, બાળરોગ વગેરે તમામ પ્રકારની ઉચ્ચ ગુણવતાયુકત સારવાર નિષ્ણાંત ડોકટરો અને સાધનોથી સજ્જ અને ઈનડોર પેશન્ટ્સ માટે ૩૦ બેડ, ઓપરેશન થીએટર, લેબર રૂમ વગેરે સુવિધાઓ સહિત ઉપલબ્ધ છે.

સ્વ.શ્રીમતી દક્ષાબેન ભરતભાઈ પાઠકની સ્મૃતિમાં પરિવાર તરફથી રૂ.૧૧,૧૧,૧૧૧નું અનુદાન મળેલ. તેથી કેન્સર નિદાન અને સારવાર કેન્દ્ર શરૂ કરેલ છે.

આ ઉપરાંત નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, સર્વરોગ નિદાન અને સારવાર યજ્ઞ, પોલીયો નિદાન, શાળાના બાળકો માટે નિઃશુલ્ક મેડીકલ ચેકઅપ, ટીબી, કેન્સર, થેલેસેમીયા નિદાન, આ ઉપરાંત નેચરોપેથી અને આયુર્વેદિક સારવાર પણ ઉપલબ્ધ છે.

આ બધા પ્રકારના નિદાન, સારવાર તથા જરૂરી ઓપરેશન કોઈપણ પ્રકારના નાત- જાત કે આર્થિક સ્તરના ભેદભાવ વિના કરવામાં આવે છે. તમામ સારવાર રાહત દરે અને જરૂરીયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવે છે. હોસ્પિટલ તરફથી આરોગ્ય અંગેની સજાગતા, સ્વચ્છતા, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે સમગ્ર પંથકમાં જાગૃતિ લાવવામાં આવેલ છે. સાઉથ કોરીયાના લાયન સદસ્યો તરફથી સાધન સજ્જ એમ્બ્યુલન્સ વાન ભેટ મળેલ છે. જેથી ''મેડીકેર ઓન વ્હીલ્સ'' સેવા શરૂ કરેલ છે.

હોસ્પિટલના ૨૦ વર્ષના સેવાયજ્ઞના અવસરે ત્રિવિધ મહોત્સવ અંતર્ગત વિશ્વ લાયનવાદના પૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડો.અશોકભાઈ મહેતાના ૮૭માં જન્મદિન અભિવાદન. ડો.ભાનુબેન નાણાવટી લાયન્સ હોસ્પિટલના સેવાયજ્ઞના ૨૦ વર્ષીય ઉત્સવ, હોસ્પિટલમાં નિઃશુલ્ક ડાયાલીસીસ સેન્ટર અને એકસ-રે વિભાગનું નામાભિધાન કરવામાં આવનાર છે.

આ આયોજનમાં ચોરવાડના પૂર્વ નગરપતિ હિરાભાઈ ચુડાસમા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, સમગ્ર ગુજરાતની લાયન્સ કલબ્ઝ, આ વર્ષના મલ્ટીપલ કાઉન્સીલ ઓફ ડિસ્ટ્રીકટ ગવર્નસના અધ્યક્ષ પરીમલભાઈ પટેલ, ડિસ્ટ્રીકટ ગવર્નર ચંદ્રકાંતભાઈ દફતરી, ધારાસભ્ય બાબુભાઈ વાજા, મ્યુનિસિપલ પ્રમુખ જલ્પાબેન તથા ગુજરાત રાજયના અધિક મુખ્ય સચિવ (આરોગ્ય) શ્રી પુનમચંદભાઈ પરમારનો સહયોગ સાંપડ્યો છે. આ આયોજનથી આ સમગ્ર વિસ્તારની ગ્રામ્ય જનતાને ઉચ્ચ ગુણવતાયુકત આરોગ્ય નિદાન અને સારવાર ઉપલબ્ધ થયેલ છે અને આગામી બે વર્ષમાં, વર્ષ ૨૦૨૦ સુધીમાં, નેત્ર સુરક્ષા તથા જટીલ રોગોની ઘનિષ્ઠ સારવારનું ક્ષેત્ર વધારાનું આયોજન થયેલ છે.

ઈન્ડિયન સ્ટોમા કેર નર્સીંગ એજ્યુકેશન પ્રોગ્રામના નેજા હેઠળ કેન્સરના દર્દીઓની સારવાર માટે વિશિષ્ટ અભ્યાસક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને દ્વિદશક ઉત્સવને દિપાવવા ટુંક સમયમાં નિયમીત નર્સીંગ સ્કુલ શરૂ કરવામાં આવશે.

આ ૨૦ વર્ષના સેવાસેતુ અનુરૂપ નિઃશુલ્ક કિડની ડાયાલીસીસ સેન્ટર અને એકસ-રે વિભાગ શરૂ કરવામાં આવેલ છે, જેનું નામાભિધાન આ અવસરે થશે.

'પારકી છઠ્ઠીના જાગતલ', 'મુઠ્ઠી ઉચેરા માનવી' એવા દરીદ્રનારાયણ, દર્દીનારાયણ સેવાના ભેખધારી

રાજકોટના પનોતા પુત્ર ડો.અશોકભાઈ મહેતા ૮૭ વર્ષે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ

૧૯૯૭માં તેમના જન્મદિવસે મળેલ એક કરોડની થેલી તેમણે ચોરવાડની નાણાવટી હોસ્પિટલને અર્પણ કરી : ૭૫માં જન્મદિવસે તેમના દ્વારા સેવાકાર્યો માટે મળેલ રૂ.૧ કરોડની માતબર રકમ તેમણે બાલભવનને આધુનિક બનાવવા અર્પણ કરેલ

રાજકોટ : શહેરની સ્કુલના શિક્ષક અને પછીના શાસનધિકારી તરીકે સીમાચિન્હ કાર્યકારી સૌરાષ્ટ્રમાં નામના મેળવનાર તે વખતના સ્વ.વ્રજલાલ સી. મહેતા (વી.સી. મહેતા) અને શ્રીમતી ચંપાબેન મહેતાના પાંચ પુત્રો અને ૧ પુત્રીના કુટુંબમાં સૌથી નાના પુત્રને જીંદગીની સર્વે સુખ નસીબ વરેલા હતા. તા.૨૨ નવેમ્બર ૧૯૩૨ના રોજ જન્મેલા શ્રી અશોકભાઈ મહેતાએ તેમનું પ્રાથમિક શિક્ષણ રાજકોટની ચૌધરી હાઈસ્કુલ સહિત વિવિધ સ્કુલોમાં લીધેલ. અશોકભાઈ આજે જે સ્થાને છે તે સ્થાને પહોંચતા એક આદર્શ ધ્યેયશીલ વિદ્યાર્થીને જે કસોટીમાંથી પસાર થવુ પડે તે રીતે પસાર થયેલા છે. આ દુનિયામાં સફળ વ્યકિત તરીકે જીંદગીના ૮૬ વર્ષ પૂરા કરી રહેલ છે.

લાયન્સ કલબ ઈન્ટરનેશનલના ૨૦૦૫ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય પ્રમુખ અને ૨૦૦૬-૦૭માં એલસીઆઈએફના ચેરપર્સન તરીકે કાર્ય કરેલ છે. સેવા મંડળ એજ્યુકેશન સોસાયટીના ચેરમેન લાયન કરતારસિંઘ હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર અને ડો. ભાનુબેન નાણાવટી જનરલ હોસ્પિટલ ચોરવાડના સ્થાપક ચેરમેન મુંબઈની મહાવીર હાર્ટ રીસર્ચ ફાઉન્ડેશનના સ્થાપક મંત્રી અને મહાત્મા ગાંધી લેપ્રસી હોસ્પિટલના બોર્ડના ટ્રસ્ટી અને પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી એવોર્ડ મેળવનાર ડો. અશોકભાઈ મહેતા ખરેખર વિશાળ સંખ્યાબંધ સિદ્ધિઓનો યશ ધરાવે છે. તેમને તેમનું અત્યાર સુધીનું સમગ્ર જીવન માનવીય અને સમાજસેવા માટે અને બિમાર અશકત અને ગંભીર બિમારીથી ઝુંજતા લોકોની સેવા કરવામાં સમર્પિત કરેલ છે. જયારે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં હાર્ટ, કિડની અને કેન્સર જેવા રોગોની આધુનિક સારવાર શકય નહોતી ત્યારે સૌરાષ્ટ્રમાંથી હજારો દર્દી નારાયણોની મુંબઈ બોલાવી આધુનિક સારવાર કરી અને રહેવા સહિતની તમામ સેવાઓ તેઓ કરી આપતા. આવા પારકી છઠ્ઠીના જાગતલ જેમના લોહીના એક એક બુંદમાં માનવી માત્ર માટે પ્રેમ અને કરૂણા વસી રહ્યા છે તેવા અશોકભાઈ મહેતા પોતાના વ્યવસાયથી જીવનની સાથોસાથ કારકિર્દીના પ્રારંભમાં સમાજસેવા પ્રતિબદ્ધ થવાનો નિર્ણય લીધેલ હતો. તેઓએ ૧૯૬૩માં લાયન્સ કલબ સાયનના સભ્ય બની સેવાની શરૂઆત કરી હતી.

ડો. અશોક મહેતા કલબના જે કાર્યો ઉત્સાહ અને અકાગ્ર સમર્પણ કરી તેઓ ૧૯૭૯માં લાયન્સ કલબના ડિસ્ટ્રીકટ ગવર્નર બન્યા હતા. આ પદ પરના તેમના સત્ર દરમિયાન ગરીબ અને જરૂરતમંદ સુધી તેઓ પહોંચ્યા હતા અને અસંખ્ય માનવતાવાદી પ્રવૃતિઓ હાથ ધરી હતી. આ સત્રમાં તેમણે પોતાના વિસ્તારની કલબોને ગુજરાતના મોરબીની પુર પીડિત લોકોને સહાય કરવા સંગઠીત કરી અને રૂ.૩૪ લાખના ખર્ચે એક આવાસે કોલોનીના બાંધકામમાં સહાય કરી હતી.

તેઓ બીજા સંખ્યાબંધ પ્રોજેકટ જેવા કે લાતુરમાં ભૂકંપ પીડિત રાહત કાર્ય, ઓરીસ્સામાં મહાવિનાશક વાવાઝોડા, કચ્છ અને ગુજરાત રાજયના ભૂકંપમાં આવતી વખતે તાજેતરમાં દક્ષીણ ભારતમાં સુનામી વાવાઝોડાના રાહત કામોમાં સરકાર સાથે જોડાયેલ હતા. ૧૯૮૬માં ડો. મહેતા આફ્રિકા અને અગ્નિ એશિયાના પ્રતિનિધિ તરીકે લાયન્સ કલબના આંતરરાષ્ટ્રીય ડાયરેકટર તરીકે બે વર્ષ માટે નિમાયા હતા. આ કામમાં તેઓ લાયન્સ કલબ ઈન્ટરનેશનલના બોર્ડ ઓફ ડાયરેકટર્સમાં ૫૭ દેશોમાં પ્રતિનિધિ બન્યા હતા.

નવેમ્બર ૧૯૮૨માં તેમના ૬૦ જન્મદિવસ ઉત્સવ પ્રસંગે તેમને અર્પણ થયેલી રૂ.૧૧,૧૧,૧૧૧ની થેલીની રકમ સમાજ કલ્યાણના કામો કરતી સંસ્થાઓને અર્પણ કરી હતી. ૧૯૯૭માં મુંબઈના અગ્રણીઓની નાગરીકોની સમિતિ ડો.ધર્માધિકારીના વડપણ હેઠળ તેમના સેવા કાર્યો માટે તેમને રૂ.૧ કરોડની રકમ અર્પણ કરી હતી. જે તેમને ગુજરાતમાં રૂરલ જનરલ હોસ્પિટલના બાંધકામ માટે તેમણે અર્પણ કર્યુ હતું અને ચોરવાડ ખાતે હોસ્પિટલ બનાવેલ છે.

ડો. અશોક મહેતા સેવાના પોતાના કાર્યોના બદલામાં કોઈ વળતરની અપેક્ષા રાખતા નથી. તેઓ અન્યોના ભલા માટે કાર્ય કરતા રહે છે. તેઓ વિઝનરી અને મિશનરી છે. જેઓ ગરીબી અને ધનિકો વચ્ચે વિશ્વભરમાં ખાઈ પુરતા મૈત્રીના પુલ બાંધતા રહ્યા છે. તેમણે લાયન્સ કલબ ઈન્ટરનેશનલના પૂર્વ પ્રમુખ તરીકેના પ્રતિષ્ઠિત પદેથી આ પ્રમાણે સેવા કરી રહી છે. તેઓ રાજકોટ જૈન સમાજના અગ્રણી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી શ્રી ઉપેનભાઈ મોદીના પિતરાઈ ભાઈ થાય છે.

(3:13 pm IST)