Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

બજરંગવાડીમાં બે દિ' પહેલા અલ્તાફ પરના હુમલામાં છોકરીનો ડખ્ખો હોવાનું ખુલ્યું: ખૂનની કોશિષનો ગુનો

અજય, પિન્ટુ, અજયની માતા અને બહેન તથા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ

રાજકોટ તા. ૨૩: બજરંગવાડી-૧૪માં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં  અલ્તાફ ઉર્ફ ભાયો ઇકબાલભાઇ બેલીમ (ઉ.૨૧) પર ૨૦મીએ મોડી રાત્રીના અઢી વાગ્યે તેના ઘર નજીક હતો ત્યારે અજય કોળી, તેના ભાણેજ રવિ કોળી, અજયની માતા, બહેન તેમજ પિન્ટૂ કોળી તથા એક અજાણ્યાએ મળી ધોકા-પાઇપથી હુમલો કરી માથા શરીરે ગંભીર ઇજા કરતાં અને જમણા ખભામાં ફ્રેકચર કરી નાંખતા સારવાર માટે દાખલ થયો હતો. જે તે વખતે જુનુ મનદુઃખ હોવાનું જણાવાયું હતું. પણ પોલીસ તપાસમાં છોકરીનો ડખ્ખો કારણભુત હોવાનું ખુલ્યું છે. આ અંગે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

હુમલામાં ગંભીર ઇજા પામનાર અલ્તાફ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. ૨૦મીએ રાત્રે જ ઉનાનો ફેરો પુરો કરીને ઘરે આવ્યો હતો ત્યાં જ પડોશમાં રહેતાં અજય કોળી સહિતના તૂટી પડ્યા હતાં. અગાઉ અલ્તાફ અને અજયની સાથે રહેતાં પિન્ટૂ કોળીને માથાકુટ થઇ હતી. ત્યારથી ચાલતાં મનદુઃખનો ખાર રાખી પિન્ટૂનું ઉપરાણુ લઇ આ હુમલો કરવામાં આવ્યાનું અલ્તાફના પરિવારજનોએ કહ્યું હતું.

દરમિયાન ગાંધીગ્રામના ઇન્ચાર્જ આર. જે. જાડેજાએ વિશેષ તપાસ કરતાં ઘાયલ યુવાન અલ્તાફના મિત્ર માધાપર ચોકડી શ્રીરામ પાર્કમાં રહેતાં અને ઇકો કારના ફેરા કરતાં અલ્પેશ રમેશભાઇ તન્ના (ઉ.૨૪)એ આ ઘટના પાછળ છોકરીનો મામલો હોવાનું કહેતાં પોલીસે તેને ફરિયાદી બનાવી અજય, પિન્ટૂ, રવિ, અજયની માતા અને બહેન સામે આઇપીસી ૩૦૭, ૩૨૩, ૩૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

અલ્પેશે જણાવ્યું છે કે હું૨૦મીએ ઘરે હતો ત્યારે અલ્તાફ અને બીજા મિત્રો રાત્રે ઉનાથી પાછા આવતાં હોઇ મને એકટીવા માધાપર ચોકડીએ આપી જવા કહેતાં હું ત્યાં ગયો હતો. એ વખતે અલ્તાફે ફોન કર્યો હતો કે પિન્ટૂ કોળીએ પોતાને કોઇ છોકરી બાબતે મળવા બોલાવ્યો  છે. આથી હું તથા સુમિત બજરંગવાડીમાં પિન્ટુના મિત્ર અજયના ઘર પાસે ગયા હતાં. ત્યારે પિન્ટૂ અને રવિએ અલ્તાફ સાથે ઝઘડો શરૂ કરતાં તેને છોડાવ્યા હતાં. એ પછી અમે અલ્તાફને લઇ નીકળી ગયા હતાં. ત્યારબાદ અલ્તાફને ફરીથી સમાધાન કરવા રામાપીર ચોક પાસે બોલાવ્યો હતો. આથી ત્યાં જતાં અજય, પિન્ટુ, રવિ, અજયના માતા-બહેન અને એક બીજા શખ્સે મળી અલ્તાફ પર હીચકારો હુમલો કરી દીધો હતો. બીક લાગતાં હું અને સુમિત ભાગી ગયા હતાં. બીજા લોકોને બોલાવી અલ્તાફને જ્યાં માર મારતા હતાં ત્યાં ગયા હતાં. ત્યારે અલ્તાફ બેભાન પડ્યો હત. અલ્તાફને રાજકોટથી વધુ સારવા રમાટે અમદાવાદ લઇ ગયા હતાં. ત્યાંથી પરત આવીને ફરિયાદ નોંધાવી છે.

(3:03 pm IST)