Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

ભગા ભરવાડ અને ભૂપત ભરવાડે પિતાના ખૂનનું વેર વાળવા કાળુભાઇ ભરવાડની હત્યા કરી'તી

ગોંડલના શેમળા પાસે ખૂન કા બદલા ખૂન ની ઘટનામાં મૃતક કાળુભાઇએ એક નહિ બે મર્ડર કર્યા'તા : પકડાયેલ ચારેય આરોપીઓને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાશેઃ ભગા ભરવાડની શોધખોળ : શેમળાના બે ભરવાડ પરિવાર વચ્ચેની તકરારમાં ત્રણ-ત્રણ લોથો ઢળી ગઇ

રાજકોટ, તા., ૨૩: ગોંડલ-રાજકોટ હાઇવે પર ભરૂડી ટોલનાકા પાસે ખુનના બદલા ખુનની ઘટનામાં ભરવાડ વૃધ્ધની હત્યામાં પકડાયેલ ચાર આરોપીઓને પોલીસે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. હત્યાનો ભોગ બનનાર કાળુભાઇએ એક નહિ પણ બબ્બે મર્ડર કરતા તેના બદલા રૂપે તેની હત્યા કરાયાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ નેશનલ હાઇવે ભરૂડી ટોલનાકા પાસે અજયરાજ હોટલની નજીક  બુધવારે મૂળ શેમળાના અને છેલ્લા કેટલાક વર્ષોથી સરધારના બાડપર ગામે રહેતા કાળુભાઇ હીરાભાઇ સરસીયા (ઉ.વ.૬ર) ઉભેલા હોય  પાંચ શખ્સોએ દોડી આવી કાળુભાઇ ઉપર ખૂની હુમલો કરી હત્યા કરી નાસી છુટયા હતા. આ હત્યાના બનાવ બાદ ગોંડલ ડીવાયએસપી હરપાલસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકાના પીએસઆઇ અજયસિંહ જાડેજા તથા સ્ટાફે તપાસનો ધમધમાટ કરી  હત્યામાં સંડોવાયેલ રઘુ રતાભાઇ પડસારીયા, લાલજી રતાભાઇ પડસારીયા, બાબુ ઉર્ફે બાવલો ખેંગારભાઇ પડસારીયા તથા યોગેશ ઉર્ફે ભુપત હમીરભાઇ પડસારીયા(રહે. ચારેય શેમળા)ને ઝડપી લઇ ધરપકડ કરી હતી.

દરમિયાન પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર વૃધ્ધ કાળુભાઇ ભરવાડે ૧૯૯૩માં એક નહિ પણ બબ્બે મર્ડર કર્યા હતા. પકડાયેલ આરોપીઓ પૈકી યોગેશ ઉર્ફે ભુપત તથા જેને પકડવાનો બાકી છે તે ભગા પડસારીયાના પિતાનું અલગ-અલગ સમયે કાળુભાઇએ ખૂન કર્યુ હતું. જે આ બંન્ને મર્ડરમાં સજા કાપ્યા બાદ કાળુભાઇ ૧૯૯૮માં જેલમાંથી છુટી ગયા હોય આરોપી ભગા ભરવાડ અને ભૂપત ભરવાડ સમસમી ગયા હતા. આ બંન્ને કાળુભાઇને પતાવી દેવા  પુર્વયોજીત કાવત્રુ રચી બુધવારે તેમનું ઢીમ ઢાળી દીધું હતું.

હત્યાનો ભોગ બનનાર કાળુભાઇ ભરવાડ અને આરોપીઓના પરીવાર વચ્ચે કૌટંુબીંક બાબતે વર્ષોથી ડખ્ખો ચાલ્યો આવે છે અને આ ડખ્ખામાં આજ સુધીમાં ત્રણ-ત્રણની લોથ ઢળી ચુકી છે.

બીજી બાજુ ગોંડલ તાલુકા પોલીસે કાળુભાઇ ભરવાડની હત્યામાં પકડાયેલ ચારેય આરોપીઓને આજે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરશે. જયારે નાસી છુટેલ ભગા દેવાભાઇ પડસારીયાની પોલીસે શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ ગોંડલ તાલુકાના પીએસઆઇ અજયસિંહ જાડેજા ચલાવી રહયા છે.

(12:28 pm IST)