Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

માલધારી સોસાયટીનો ૧૩ વર્ષનો તરૂણ શત્રુધ્‍ન ભેદી રીતે લાપતા

‘શેરીમાં રમવા જાવ છું' કહી નીકળ્‍યા બાદ ગુમઃ અપહરણનો ગુનો નોંધાયો

રાજકોટ તા. ર૩ :.. માલધારી સોસાયટી મેઇન રોડ પર રહેતો ૧૩ વર્ષનો તરૂણ રમવા જવાનું કહી ઘરેથી નિકળ્‍યા બાદ લાપતા બનતા બી. ડીવીઝન પોલીસ મથકમાં અપહરણની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ માલધારી સોસાયટી મેઇન રોડ પર સરકારી શાળા પાસે રહેતા ક્રિષ્‍નાકુમાર શ્રી શંકરભાઇ શાહુ (ઉ.૩૬) એ બી. ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું છે કે, પોતે જૂના માર્કેટીંગ, યાર્ડમાં મજૂરી કામ કરે છે. સંતાનમાં બે પુત્ર અને એક દીકરી છે. તેમાં સૌથી નાનો પુત્ર શુત્રધન (ઉ.૧૩) નો છે. ગઇ તા. ર૦-૧૧ ના સવારે પોતે ઘરે સૂતા હતાં. ત્‍યારે પત્‍ની વીભાદેવીએ કહેલ કે, શત્રુધ્‍ન બે દિવસથી નીશાળે અને ટયુશનમાં પણ ગયેલ નથી. તેમ કહેતા પોતે પુત્ર શત્રુધનને ઠપકો આપ્‍યો હતો. ત્‍યારબાદ તે ઘરે હતો. અને આશરે અગીયારેક વાગ્‍યે શત્રુધ્‍ને મને બહાર શેરીમાં રમવા જાવ છું, તેમ કહી ઘરેથી નીકળ્‍યો હતો. થોડીવાર બાદ તે પરત ન આવતા પોતે ઘરની બહાર નીકળી શેરીમાં જોતા પુત્ર શત્રુધ્‍ન કયાંંય જોવામાં ન આવતા તેણે આસપાસ તેની શોધખોળ આદરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા બી. ડીવીઝન પોલીસમાં જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી પીએસઆઇ આર. એસ. સાંકળીયા તથા એએસઆઇ યુ. બી. પવારે તપાસ આદરી છે. તરૂણ શત્રુધ્‍ન વૃંદાવન સ્‍કુલમાં ધોરણ -૭ માં અભ્‍યાસ કરે છે. તેણે ભુરા કલરનું ટી-શર્ટ અને બ્‍લુ કલરનું જીન્‍સનું પેન્‍ટ પહેરેલ છે. તેને પગે સાથળ ઉપર તલનું નીશાન છે. જો કોઇને આ બાળક જોવા મળે તો બી. ડીવીઝન પોલીસ સ્‍ટેશન ફોન નંબર ૦ર૮૧ ર૭૦૬૦૧૮ તથા  ૯પ૮૬૮ ૬૩રરપ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:54 am IST)