Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

'ધ હિન્દુત્વ પેરેડાઈમ' : રોચક પુસ્તકનું કાલે રાજકોટમાં રામ માધવની ઉપસ્થિતિમાં વિમોચન

રાજકોટ નાગરિક સહકારી બેંકના ઓડીટોરીયમમાં સાહિત્યીક વાતોનો રસદાર કાર્યક્રમ : અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ, ગુજરાત થીંકર્સ ફેડરેશન તથા હિંદુ ઇકોનોમિક ફોરમના સંયુકત ઉપક્રમે આયોજન

રાજકોટ તા. ૨૩ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરીષ્ઠ પ્રચારક અને રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય એવા શ્રી રામ માધવ સ્વરચિત પુસ્તક 'ધ હિંદુત્વ પેરેડાઇમ'ના સ્થાનિક વિમોચન સમારોહ કાલે રાજકોટ ખાતે આયોજીત થયો છે.

શ્રી રામ માધવજીએ અમેરિકામાં શિક્ષણ કાર્ય પૂર્ણ કરી, સંઘમાં પ્રચારક તરીકે કુશળ કામગીરી કરી છે. એ પૂર્વે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે જમ્મુ-કશ્મીર અને નોર્થ-ઈસ્ટના ૭ રાજયોના પ્રભારી તરીકે અત્યંત પ્રભાવી કામગીરી કરી ચૂકયા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ થિંક ટેન્ક તરીકે ખ્યાતિ પ્રાપ્ત સંસ્થા ઈન્ડિયા ફાઉન્ડેશનમાં ડિરેકટર તરીકે સેવાઓ આપી રહ્યા છે. ભારત દેશની અસ્મિતાના પ્રચાર-પ્રસાર અર્થે અનેક વિદેશ પ્રવાસો કરી ચૂકયા છે.

વર્તમાનમાં શ્રી રામ માધવજીએ લખેલ પુસ્તક 'ધ હિંદુત્વ પેરેડાઇમ' બેસ્ટ સેલર પુસ્તકની યાદીમાં સમાવિષ્ટ છે. આ પુસ્તકમાં દિનદયાલ ઉપાધ્યાયજીના એકાત્મ માનવદર્શન પરથી ભારત દેશની ભવિષ્યની આર્થિક નીતિઓ, રાષ્ટ્રનો આત્મા અને રાષ્ટ્રની શકિત જેવા અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે દેશના મેગાસીટી મુંબઈ, દિલ્હી, બેંગલોર જેવા મેટ્રોસિટીમાં પણ આ પુસ્તકના વિમોચન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં આ પુસ્તકના વિમોચન પ્રસંગે રાજકોટની પુસ્તકપ્રેમી, બૌધિક જનતા ઉપસ્થિત રહે અને શ્રી રામ માધવજીનું ઉદબોધન સાંભળવાનો લાહવો પ્રાપ્ત કરે એ રાજકોટ માટે ગૌરવપ્રદ રહેશે.

આ કાર્યક્રમ કાલે તા.૨૪ ના રવિવારે સવારે ૧૦.૩૦ કલાકે રાજકોટ નાગરિક સહકારી બેંકના લક્ષ્મણરાવ ઈનામદાર ઓડીટોરીયમ, ૧૫૦ ફૂટ રીંગ રોંડ ખાતે યોજાયેલ છે. બેઠક વ્યવસ્થા સીમિત હોય, આયોજકો દ્વારા વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરિયા (પૂર્વ ચેરમેન-રાષ્ટ્રીય કામધેનુ આયોગ), અતિથી વિશેષ ડો. જીતેન્દ્રભાઈ અમલાણી (સંઘ ચાલક-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, રાજકોટ મહાનગર) ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમ સફળ બનાવવા  જયોતીન્દ્રભાઈ મહેતા, કલ્પકભાઈ મણીઆર, કૌશિકભાઈ મહેતા, ડો. નીતિનભાઈ પેથાણી, ગુણુભાઈ ડેલાવાળા, ડો. સંજીવભાઈ ઓઝા, ડો. નીલામ્બરીબેન દવે, ડો. મેહુલભાઈ રૂપાણી, ગુણુભાઈ ભટ્ટ, આશિષભાઈ શુકલા, ડી. વી. મહેતા, ગોપાલભાઈ માંકડિયા, રજનીભાઈ પટેલ, ડો. અતુલભાઈ પંડયા, મનનભાઈ ભટ્ટ, નીલેશભાઈ શાહ, અપૂર્વભાઈ મહેતા, અતુલભાઈ પંડિત, જયેશભાઈ જાની, દીપકભાઈ અગ્રવાલ, હરેશભાઈ સોની, મહેશભાઈ કોટક, અંશભાઈ ભારદ્વાજ, નયનાબેન મકવાણા, કિશનભાઈ દવે, પ્રફુલભાઈ ગોસ્વામી વિશેષ જહેમત ઉઠાવે છે.

(4:32 pm IST)